(જી.એન.એસ) તા. ૨૯
ગાંધીનગર,

સમગ્ર રાજ્યમાં ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં ગરમીનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે, ત્યારે અસહ્ય તાપ અને લૂ-ગરમ પવનોથી અબોલ વન્ય-જીવોના રક્ષણ માટે ગાંધીનગર સ્થિત પ્રખ્યાત ‘ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન’ (ઝૂ) ખાતે વન વિભાગ દ્વારા વિશેષ આયોજન’ હાથ ધરવામાં આવ્યું છે.
વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયા તેમજ રાજ્ય મંત્રી શ્રી પ્રવીણ માળીના માર્ગદર્શન હેઠળ ‘ગીર’ (GEER) ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ પ્રાણી સંગ્રહાલયમાં એપ્રિલ માસથી જ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, જે આગામી ચોમાસાની શરૂઆત સુધી કાર્યરત રહેશે.
આધુનિક અને કુદરતી સંસાધનોની મદદથી ‘માઇક્રો ક્લાઇમેટ’ ઊભું કરાયું
ઇન્દ્રોડા પાર્કમાં હાલમાં ૩ સિંહ, ૨ વાઘ, ૩ દીપડા, મીઠા પાણીના મગર, શાહુડી, દુર્લભ પક્ષીઓ અને સરીસૃપો સહિત કુલ ૬૦૦ કરતાં વધારે વન્યજીવો વસવાટ કરે છે. આ તમામ જીવોને હીટ-વેવથી સુરક્ષિત રાખવા માટે આવાસ વિસ્તારોમાં આધુનિક તેમજ કુદરતી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે:
જમ્બો ટેન્ટ એર કૂલર્સ: માંસાહારી વન્યજીવોના આવાસ અને સર્પગૃહમાં કુલ ૧૫ નંગ જમ્બો એર કૂલર્સ ફિટ કરાયા છે. બપોરના આકરા તાપ દરમિયાન આ કૂલર્સ ચાલુ રાખીને તાપમાન નિયંત્રિત કરાય છે. સર્પગૃહમાં આ વ્યવસ્થાના લીધે ત્યાં આવતા મુલાકાતીઓને પણ અસહ્ય ગરમી સામે રાહત મળે છે.
પોપ-અપ સ્પ્રીંક્લર્સ : તીવ્ર ગરમીના કલાકો દરમિયાન વન્યજીવોને ઠંડક આપવા માટે ખાસ ૨૦ હાઇ-પ્રેશર ફુવારા ગોઠવવામાં આવ્યા છે, જે બપોરે ૧:૦૦ થી ૫:૦૦ વાગ્યા દરમિયાન સતત કાર્યરત રહી ખુલ્લા વિસ્તારોમાં કુદરતી ઠંડક પ્રસરાવે છે.

ખસના પડદા અને એગ્રોનેટ શેડ: માંસાહારી વન્યજીવોના આવાસ, સર્પગૃહ અને પક્ષી ગૃહમાં વિવિધ સ્થાનો પર પરંપરાગત ખસના પડદા લગાવી તેના પર સમયાંતરે પાણીનો છંટકાવ કરવામાં આવે છે, જેનાથી પસાર થતો ગરમ પવન ઠંડા પવનમાં પરિવર્તિત થાય છે. આ ઉપરાંત સીધા તડકાથી બચવા માટે ‘એગ્રોનેટ’ના વિશેષ શેડ ઊભા કરાયા છે.
આ તમામ પ્રયાસોને પગલે વન્યજીવોના આવાસમાં સામાન્ય તાપમાન કરતાં ૨°C થી ૪°C જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે, જે પ્રાણીઓને અનુકૂળ ‘માઇક્રો ક્લાઇમેટ’ પૂરું પાડે છે.
ડાયેટ પ્લાનમાં વૈજ્ઞાનિક ફેરફાર: હિંસક જીવોના ખોરાકમાં ઘટાડો, તૃણાહારીઓને વધુ પાણીવાળા ફળો
ઉનાળા દરમિયાન પ્રાણીઓનું સ્વાસ્થ્ય ન બગડે તે માટે તેમના દૈનિક આહાર પ્લાનમાં વેટરનરી સાયન્સ મુજબ ફેરફારો કરાયા છે. વધુ ખોરાકના કારણે આફરો ચડવાની કે પાચનની સમસ્યા ન થાય તે માટે માંસાહારી વન્યજીવોના દૈનિક આહારમાં જરૂરિયાત મુજબ ૫૦૦ ગ્રામથી ૧ કિલોગ્રામ જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે.
જ્યારે બીજી તરફ, વન્યજીવો અને પક્ષીઓના શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે તે માટે દૈનિક આહારમાં ઠંડક આપનારા ફળો જેવા કે તડબૂચ, સક્કર ટેટી અને કાકડીનો વિશેષ સમાવેશ કરવામાં આવ્યો છે. તૃણાહારી પ્રાણીઓને હીટ સ્ટ્રોકથી બચાવવા અને શરીરમાં ઇલેક્ટ્રોલાઇટની જાળવણી માટે ખોરાકમાં વિટામીન-સી યુક્ત ઓરલ રીહાઇડ્રેટીંગ પાઉડર તથા મલ્ટી મિનરલ-વિટામીન સપ્લીમેન્ટ્સ મિક્સ કરીને આપવામાં આવે છે.
૨૪ કલાક વેટરનરી ડૉક્ટર્સની સેવા અને મુક્ત વન્યજીવોની દરકાર
ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન એ એક રક્ષિત વન વિસ્તાર હોવાથી અહીં પાંજરામાં રહેતા પ્રાણીઓ ઉપરાંત હનુમાન લંગુર, નીલગાય, મોર અને શાહુડી જેવા અનેક વન્યજીવો મુક્તપણે વિહાર કરે છે. ઉનાળામાં આ મુક્ત વન્યજીવોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે સમગ્ર જંગલ વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ વિશેષ વોટર પોઇન્ટ્સ રાખવામાં આવ્યા છે, જેમાં દૈનિક ધોરણે સફાઈ કરીને નિયમિત પાણી ભરવાની ચોકસાઈ રાખવામાં આવે છે.
અબોલ જીવોની ત્વરિત સારવાર અને નિયમિત હેલ્થ મોનિટરિંગ માટે અનુભવી પશુ ચિકિત્સકોની ૨૪ કલાક રાઉન્ડ-ધ-ક્લોક સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઝૂ સ્ટાફ અને વેટરનરી ટીમ દ્વારા તમામ પ્રાણીઓ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. કાળઝાળ ગરમીમાં મનુષ્યોની સાથે અબોલ પશુ-પક્ષીઓની કાળજી પ્રશાસનની
સંવેદનશીલતાનો પરિચય કરાવે છે.

