(જી.એન.એસ) તા. ૨૭
અમદાવાદ/વડોદરા,
અમદાવાદ આંતરરાર્ષ્ટ્રીય એરપોર્ટના આગમન વિસ્તારમાં 24*7 ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓ તૈનાત કરી દેવાયા છે. આગામી સમયમાં મુસાફરોની પ્રક્રિયા સરળ બનાવવા માટે મંત્રાલય દ્વારા ફરીથી એર સુવિધા પોર્ટલ શરૂ કરવામાં આવી શકે છે.
છેલ્લા ઘણા દિવસોથી અલગ અલગ આફ્રિકન દેશોમાં ઈબોલા વાઈરસનો ભારે પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ ઈબોલાનો પ્રથમ શંકાસ્પદ કેસ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આફ્રિકાના કોંગો દેશથી આવેલા એક 37 વર્ષીય નાગરિક, જે વ્યવસાયે બેંકર છે, તેમને ઇબોલાના શંકાસ્પદ લક્ષણો જણાતાં તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ ઇબોલા વોર્ડમાં આઇસોલેટ કરીને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
રાહતના સમાચાર એ છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લેવાયેલા દર્દીના પ્રથમ સેમ્પલનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જો કે, વાયરસની ગંભીરતાને જોતાં આરોગ્ય વિભાગ દ્વારા કોઈ જોખમ લેવામાં આવ્યું નથી. દર્દીને હજુ પણ સખત તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે અને પ્રોટોકોલ મુજબ કન્ફર્મેશન માટે વધુ ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. આ કેસ સામે આવ્યા બાદ રાજ્યભરના એરપોર્ટ્સ પર વિદેશથી આવતા મુસાફરોનું સ્ક્રીનીંગ વધુ કડક કરી દેવાયું છે.
હવે સીનીયર ડોક્ટરોની મેડીકલ ટીમ દ્વારા વડોદરાની આ શંકાસ્પદ વ્યક્તિના સેમ્પલ લઈ વધુ ચકાસણી માટે મોકલવામાં આવશે. મહત્વનું છે કે આફ્રિકન દેશોનો પ્રવાસ કરી ભારત પરત ફરતા લોકોને ઘરે હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
આફ્રિકન દેશો જેમ કે યુગાન્ડા, દક્ષિણ સુદાન અને કોંગોમાં જીવલેણ ઇબોલા વાઇરસનો (Ebola Virus) પ્રકોપ વધતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું (AMC) આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. તકેદારીના ભાગરૂપે પ્રશાસન દ્વારા અમદાવાદમાં તમામ જરૂરી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ આફ્રિકન દેશોમાંથી અમદાવાદ આવેલા 11 જેટલા મુસાફરોને હાલ તેમના ઘરે જ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
આ બાબતે જણાવતા આરોગ્ય વિભાગે કહ્યું હતું કે, વિદેશથી આવેલ આ તમામ મુસાફરો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહે છે. હાલમાં આમાંથી એકપણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો દેખાયા નથી, તેમજ તેઓ ત્યાં કોઈ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યા નથી. જો કે, સાવચેતીના પગલે હવે પછી આ ત્રણ દેશોમાંથી આવનારા તમામ મુસાફરો માટે હોમ આઇસોલેશન ફરજિયાત રહેશે. આ ઉપરાંત, કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદની એસવીપી (SVP) હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરેન્ટાઇન કરવા માટે અલગથી 30 બેડનો વિશેષ વોર્ડ તૈયાર કરી દેવાયો છે.
ઇબોલા વાઇરસ (EVD)ને કારણે વૈશ્વિક સ્તરે જાહેર આરોગ્ય કટોકટીની આંતરરાષ્ટ્રીય ચિંતા (PHEIC) ઊભી થઈ છે. આ જોખમને ઘટાડવા માટે સિવિલ એવિએશન ડિરેક્ટોરેટ જનરલ (DGCA) અને મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન (MOCA) દ્વારા એરપોર્ટ પર તમામ એરલાઇન્સ માટે કડક નિયમો લાગુ કરાયા છે. જેના અંતર્ગત એરપોર્ટ પર પ્રવેશતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ (SDF) ભરવું ફરજિયાત રહેશે. એરપોર્ટ પર ભીડ ટાળવા અને સંક્રમણનું જોખમ ઘટાડવા માટે ફ્લાઇટ લેન્ડ થાય તે પહેલાં જ પ્લેનમાં આ અંગેની જાહેરાત કરીને ફોર્મ ભરાવી લેવામાં આવશે.
અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ખાસ કરીને આફ્રિકાના પ્રભાવિત દેશોમાંથી આવતા મુસાફરો પર વોચ વધારવામાં આવી છે. દરરોજ સાંજે 6 વાગ્યાથી લઈને સવારે 10 વાગ્યા સુધી યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનથી આવતા તમામ મુસાફરોનું સઘન સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, આ સ્ક્રીનિંગ માત્ર પ્રભાવિત દેશોના પેસેન્જરો માટે જ છે, સામાન્ય કે અન્ય દેશોના મુસાફરોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ગભરાય નહીં પરંતુ વિદેશ પ્રવાસથી પરત ફરતી વખતે સ્વાસ્થ્ય સંબંધી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે.

