(જી.એન.એસ) તા. 23
અમદાવાદ,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કોકલીયર ઈમ્પ્લાન્ટ એક્સ્ટર્નલ સ્પીચ પ્રોસેસર રિપ્લેસમેન્ટ પ્રોગ્રામનો લાભ મેળવનારાં ૨૦ બાળકો સાથે અમદાવાદના સાયન્સ સિટી ખાતે સહજ સંવાદ સાધ્યો હતો. વાત્સલ્યસભર વાતાવરણમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ એક સ્નેહાળ વડીલ અને વાલી તરીકે બાળકો સાથે આત્મીયતા કેળવી હતી, જેના કારણે માસૂમ બાળકોના ચહેરા પર સ્મિત રેલાઈ ગયું હતું. વાણી મળ્યા પછી મુખ્યમંત્રીશ્રી સાથે વાત કરવાની તક મળતાં બાળકો રાજી થઈ ગયાં હતાં.
સંવાદ દરમિયાન બાળકોના વાલીઓએ મોંઘા ઇમ્પ્લાન્ટ તદ્દન વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવા બદલ રાજ્ય સરકાર તથા આ યોજનાના સુઆયોજિત અમલીકરણ બદલ RBSK (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) ટીમ અને સરકારના આરોગ્ય વિભાગ તથા સોલા સિવિલ સહિતની હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બાળકો સાથે સાયન્સ સિટીની પ્રખ્યાત ‘એક્વાટિક ગેલેરી’ની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ રંગબેરંગી માછલીઓ અને જળચર સૃષ્ટિ જોઈને આશ્ચર્યચકિત થતાં બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો અને તેમની સાથે બાળસહજ વાતો કરીને વાત્સલ્યભાવ પ્રગટ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીની આ સંવેદનશીલતા જોઈને ત્યાં હાજર બાળકોનાં માતા-પિતા અને અધિકારીઓની આંખો પણ હર્ષથી ભીની થઈ ગઈ હતી.
મુખ્યમંત્રીશ્રીએ હજુ પણ સમાજમાં આવાં જરૂરિયાત ધરાવતાં બાળકો હોય તો તમામ વાલીઓ અને ઉપસ્થિતોને આવાં બાળકો અને પરિવારોને આ યોજનાનો લાભ અપાવવા માર્ગદર્શન આપવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સેક્રેટરી શ્રી પી. ભારતી અને ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડૉ. રતનકંવર ગઢવી ચારણ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
બાળકોના વાલીઓના અભિપ્રાયો
– “લગ્નના ૧૩ વર્ષે જન્મેલા બાળકની તકલીફ અંગે સારવારની આર્થિક ચિંતા સરકારે હરી લીધી” :- સોનલબેન ભાવસાર
– “મારા લગ્નના ૧૩ વર્ષ પછી ભગવાને મને સંતાનસુખ આપ્યું, પરંતુ જ્યારે જાણવા મળ્યું કે બાળક સાંભળી-બોલી શકતું નથી ત્યારે હું ભાંગી પડી હતી. આંગણવાડીની મુલાકાત દરમિયાન RBSK ટીમે મારા બાળકની તપાસ કરી અને અસારવા સિવિલમાં વિનામૂલ્યે ઓપરેશન કરાવ્યું. આ સરકારી યોજનાએ અમને ખૂબ મોટી આર્થિક અને માનસિક મદદ કરી છે. આજે મુખ્યમંત્રીશ્રી જે રીતે વાલી બનીને અમારા બાળકો સાથે સાયન્સ સિટીમાં સંવાદ કર્યો અને બાળકો સાથે ફર્યા, તે જોઈને અમને ખાતરી થઈ ગઈ છે કે રાજ્યના મુરબ્બી વડીલ તરીકે મુખ્યમંત્રીશ્રી હંમેશાં અમારી પડખે ઊભા છે.”
– “કોકલીયર ઈમ્પ્લાન્ટ અત્યંત મોંઘી સર્જરી હોવાથી સામાન્ય પરિવારો માટે તે અશક્ય હોય છે, પરંતુ સરકારે આ ઉમદા સ્કીમ લાવીને હજારો બાળકોને નવજીવન આપ્યું” :- ઋતુલ પંચાલ
– “ત્રણ વર્ષ પહેલાં જ્યારે ખબર પડી કે અમારી દીકરી રૂહી બંને કાનથી સાંભળી શકતી નથી, ત્યારે અમે ચિંતામાં મુકાઈ ગયા હતા. મોંઘી સારવારના કારણે મલ્ટીપલ હોસ્પિટલોની મુલાકાત લીધા બાદ અમને સોલા સિવિલ હોસ્પિટલમાં રાજ્ય સરકારની વિનામૂલ્યે કોકલીયર ઈમ્પ્લાન્ટ ઓપરેશનની સ્કીમ વિશે જાણવા મળ્યું. સોલા સિવિલના ઇ.એન.ટી. અને ઓડિયોલોજી ડિપાર્ટમેન્ટના ઉત્કૃષ્ટ ગાઈડન્સ હેઠળ દીકરીની સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ અને ત્યાં એક વર્ષ સુધી ચાલેલી સ્પીચ થેરાપીના કારણે આજે રૂહી એટલું સરસ બોલે છે કે જાણે તેને કોઈ પ્રોબ્લેમ જ નહોતો! અમે તેનું સ્કૂલિંગ અને સામાજિક ગેટ-ટુગેધર પણ વધાર્યું છે જેથી તે લઘુતાગ્રંથિ વિના બધાની વચ્ચે કમ્ફર્ટેબલ રહી શકે.
– કોકલીયર ઈમ્પ્લાન્ટ અત્યંત મોંઘી સર્જરી હોવાથી સામાન્ય પરિવારો માટે તે અશક્ય હોય છે, પરંતુ સરકારે આ ઉમદા સ્કીમ લાવીને હજારો બાળકોને નવજીવન આપ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પોતે વ્યક્તિગત રીતે આવીને આ બાળકોની મુલાકાત લીધી અને એક વાલી તરીકે તેમના પર જે સ્નેહ રાખ્યો, તે ખરેખર પ્રેરણાદાયી છે. બાળકોને પ્રોત્સાહિત કરવા અને સર્વાંગી સપોર્ટ આપવા બદલ હું મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું.”
“સાંભળવાની ખામી ધરાવતાં બાળકોના દરેક વાલીઓએ આ સ્કીમનો લાભ લેવો જોઈએ :- શ્રી જૈનમ શાહ”
“મારી દીકરી હાશ્વી દોઢ વર્ષની થઈ ત્યારે તેના કાનની તકલીફની ખબર પડતા અમને આઘાત લાગ્યો હતો. સોલા સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સના અદભુત સપોર્ટથી અમે તેનું કોકલીયર ઈમ્પ્લાન્ટ ઓપરેશન કરાવ્યું અને ત્યાં મળેલી સ્પીચ થેરાપીના કારણે માત્ર આઠ મહિનામાં જ દીકરી બહુ સરસ બોલતી થઈ ગઈ. એક કાનના સક્સેસફુલ રિઝલ્ટથી પ્રેરાઈને અમે સોલા સિવિલમાં જ તેના બીજા કાનનું ઓપરેશન પણ કરાવી દીધું. આજે ઓપરેશનના દોઢ વર્ષ પછી સાડા ત્રણ વર્ષની મારી દીકરી નોર્મલ બાળકોની જેમ સામાન્ય સ્કૂલમાં ભણીને સામાન્ય લાઈફ જીવે છે. જે પેરેન્ટ્સ અચકાતા હોય તેમને હું કહીશ કે કોઈ પણ ચિંતા વગર કોકલીયર ઇમ્પ્લાન્ટ સ્કીમનો લાભ લો, આ ગવર્મેન્ટ સ્કીમ આવા બાળકો માટે આશીર્વાદરૂપ છે.”

શું છે કોકલીયર ઈમ્પ્લાન્ટ એક્સ્ટર્નલ સ્પીચ પ્રોસેસર રિપ્લેસમેન્ટ પ્રોગ્રામ?
– ગુજરાત સરકાર દ્વારા ૬ વર્ષ સુધીની ઉંમરના સંપૂર્ણ બહેરાશ ધરાવતા માસૂમ બાળકોને તદ્દન વિનામૂલ્યે કોકલીયર ઈમ્પ્લાન્ટ કરી આપવાનો પ્રોગ્રામ
– વર્ષ ૨૦૧૪થી ‘શાળા આરોગ્ય કાર્યક્રમ’ અંતર્ગત આ ઉમદા સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે, જેના હેઠળ અત્યાર સુધીમાં ૩૫૦૦થી વધુ બાળકોના કોકલીયર ઈમ્પ્લાન્ટ કરવામાં આવ્યા
– રાજ્યના બાળકોને ઘરઆંગણે જ આ અત્યાધુનિક સારવાર મળી રહે તે માટે ગુજરાતની ૧૦ નામાંકિત હોસ્પિટલોમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ
– વર્ષ ૨૦૨૪માં જે બાળકોના એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર ખરાબ થઈ ગયા હોય, તૂટી ગયા હોય કે ખોવાઈ ગયા હોય, તેવા બાળકોને રાજ્ય સરકાર દ્વારા એક વાર તદ્દન વિનામૂલ્યે સ્પીચ પ્રોસેસર રિપ્લેસ કરી આપવાનો સંવેદનશીલ નિર્ણય લેવાયો
– અત્યાર સુધી ૪૦૧ બાળકોને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર રિપ્લેસ કરી આપવામાં આવ્યું
– બજારમાં એક્સટર્નલ સ્પીચ પ્રોસેસરની અંદાજિત કિંમત અંદાજે રૂ. ૩.૫ લાખ જેટલી હોય છે, જે મધ્યમ કે ગરીબ વર્ગના પરિવારો માટે પરવડે તેમ હોતી નથી.
– સમગ્ર પ્રોગ્રામને વધુ મજબૂત અને પરિણામલક્ષી બનાવવા માટે તજજ્ઞ ઇ.એન.ટી (ENT) સર્જન, ઓડિયોલોજિસ્ટ (જે ઓપરેશન પહેલાંની તપાસ અને ઓપરેશન પછીના મેપિંગનું કામ કરે છે) તેમજ સ્પીચ લેંગ્વેજ થેરાપીસ્ટ (જે બાળકોને સાંભળતા અને બોલતા શીખવે છે) રાત-દિવસ સેવારત
કોકલીયર ઈમ્પ્લાન્ટ ડિવાઇસ
– કોકલીયર ઈમ્પ્લાન્ટ ઓપરેશનના બે મુખ્ય ભાગ હોય છે – ઇન્ટરનલ ઈમ્પ્લાન્ટ અને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર
– પ્રોસેસર બહારના અવાજને અંદરના ઇલેક્ટ્રોનિક ભાગ (જે કાનમાં પ્રત્યારોપણ કર્યું હોય તે) સુધી પહોંચાડે છે, જ્યાંથી ઇલેક્ટ્રિકલ સિગ્નલ અંદરના કાન(Cochlea)થી લઈને મગજના સેન્ટર સુધી પહોંચાડવામાં આવે છે.
– એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર એક ઇલેક્ટ્રોનિક સાધન હોવાથી સમય જતાં દૈનિક ઘસારો, ભેજ, બેટરીની ક્ષમતા ઘટવી, કેબલનું નુકસાન કે વાયરમાં શોર્ટિંગ થવાને કારણે બગડી જવાની સંભાવના રહે છે.
– સ્પીચ પ્રોસેસરનું આયુષ્ય ૧૦ વર્ષ જેટલું હોય છે, સમય જતા તેને અપગ્રેડ કરવું પડે કે બદલવું પડે

