જામનગર ખાતે મરીન ટાસ્ક ફોર્સનું દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ
(જી.એન.એસ) તા. ૧૩
જામનગર,
છેલ્લા ઘણા મહિનાઓથી અનેક દેશોમાં સર્જાયેલી યુદ્ધની તંગદિલી અને રાષ્ટ્રીય સુરક્ષાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ગુજરાતના દરિયાકાંઠે હાઈ-એલર્ટ જેવી સ્થિતિ છે. આ અંતર્ગત જામનગર જિલ્લાના દરિયાઈ વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ‘સઘન કોસ્ટલ પેટ્રોલિંગ’ હાથ ધરીને સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવી દેવામાં આવી છે.
મ્હ્ય્વનું છે કે, મરીન ટાસ્ક ફોર્સની અલગ અલગ ટીમો દ્વારા દેશની સુરક્ષા સામેના ખતરાને ટાળવા અને કોઈપણ પ્રકારની ઘૂસણખોરી રોકવા માટે આ પ્રકારની કામગીરી આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. દરિયાકાંઠાના ગ્રામજનો અને માછીમારોને પણ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.
કોઇપણ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ, રાષ્ટ્ર વિરોધી, આતંકવાદી કે ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવા માટે મરીન કમાન્ડોની જુદી જુદી ટીમોએ જામનગરના વ્યૂહાત્મક રીતે મહત્ત્વના ગણાતા દરિયાઈ વિસ્તારોમાં તપાસ તેજ કરી છે. પેટ્રોલિંગ દરમિયાન ખાસ કરીને એરફોર્સ રેન્જ અને સરમત વિસ્તાર, રસૂલનગર અને સિક્કા જેટી અને સોલ્ટ ગેટ સહિતના કોસ્ટલ બેલ્ટ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
દરિયાઈ વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા માત્ર જમીની માર્ગે જ નહીં પરંતુ દરિયાઈ માર્ગે પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. પેટ્રોલિંગ દરમિયાન ટીમે દરિયામાં ફરતી શંકાસ્પદ બોટ અને શંકાસ્પદ હિલચાલ કરતા ઈસમોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ફિશ લેન્ડિંગ પોઈન્ટ અને ફિશિંગ સેન્ટરો પર જઈને માછીમારોની પૂછપરછ અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી. જિલ્લાના અવાવરૂ સ્થળો અને રાષ્ટ્રીય સંપત્તિ ધરાવતા વાઈટલ એરિયામાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

