આગામી ચોમાસુ ઋતુમાં વાવેતર માટે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે ખેડૂતોએ આટલી કાળજી જરૂર રાખવી
વૈજ્ઞાનિક ભલામણ મુજબનાં જથ્થામાં જ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો.
(જી.એન.એસ) તા. ૧૩
ગાંધીનગર,
રાજ્યના ખેડૂતોએ આગામી ચોમાસુ ઋતુમાં પાક વાવેતર માટે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે છેતરપીંડીથી બચવા માટે કેટલીક કાળજી રાખવાની થતી હોય છે. રાજ્યના ખેતી નિયામક કચેરીના જણાવ્યા અનુસાર ખેડૂતોએ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનીની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઇપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિ, પેઢી કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણ,ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરવી નહી.
વધુમાં જણાવ્યાનુસાર, બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી સમયે વેપારી પાસેથી તેનો લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું, ખરીદેલ ઇનપુટનું નામ, લોટ નંબર વિગત દર્શાવતું પાકુ બીલ સહી સાથે લેવાનો આગ્રહ રાખવો. કોઇપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા ઇનપુટોની ખરીદી કરવી ન જોઇએ. વૈજ્ઞાનિક ભલામણ મુજબનાં જથ્થામાં જ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો જોઇએ. બિનઅધિકૃત અથવા ભળતા નામના અમાન્ય બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનું વેચાણ થતુ હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી- વિસ્તરણને જાણ કરવી, તેમ ખેતી નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

