માનવીય સંવેદના, આંતરિક ખુશી અને કર્મનો સિદ્ધાંત જ સેવાનો સાચો માર્ગ
GMERS મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે આરોગ્ય રાજ્યમંત્રીશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે’ ની ભવ્ય ઉજવણી સંપન્ન
(જી.એન.એસ) તા. ૧૨
ગાંધીનગર,
આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા એ જણાવ્યુ છે કે, માનવીય સંવેદના સાથે નાગરિકોને આરોગ્ય લક્ષી સારવાર પુરી પાડવા માટે નર્સીંગના વ્યવસાય થકી સેવા, સમર્પણ અને શ્રેષ્ઠ વાણી-વર્તન જ નર્સિંગ વ્યવસાયની સાચી ઓળખ છે એ માટે સૌ નર્સીગ સ્ટાફને સેવા કરવી એ આજના સમયની તાતી જરૂરિયાત છે.
આધુનિક નર્સિંગના પ્રણેતા ફ્લોરેન્સ નાઈટીંગેલના જન્મદિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે’ ઉજવવામાં આવે છે. આ અવસરે ગાંધીનગર સ્થિત GMERS મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ ‘સેવા પરમો ધર્મ’ના સૂત્રને સાર્થક કરવા આહવાન કરતા જણાવ્યું હતું કે, નર્સિંગ ક્ષેત્રને માત્ર નોકરી નહીં પણ ‘નિષ્કામ કર્મયોગ’નો એક ઉમદા અભિગમ છે. જ્યારે કોઈ કામ સ્વાર્થ વિના કરવામાં આવે ત્યારે તે ‘કર્મયજ્ઞ’ બને છે. ફ્લોરેન્સ નાઈટીંગેલે ચીતરેલા સેવાના માર્ગે ચાલીને ભારતના અસંખ્ય નર્સોએ ઈતિહાસમાં પોતાનું નામ અમર કર્યું છે.
મંત્રીશ્રીએ ખાસ ભાર મૂકતા કહ્યું કે, “માત્ર આવડત હોવી પૂરતી નથી, પરંતુ દર્દી સાથેનો વાણી-વ્યવહાર પણ એટલો જ મધુર હોવો જોઈએ. દર્દી જ્યારે હોસ્પિટલમાં હોય ત્યારે તે હોદ્દાથી નહીં પણ મનથી પીડાતો હોય છે, ત્યારે નર્સનો પ્રેમભર્યો વ્યવહાર જ દર્દીની અડધી બીમારી દૂર કરી દે છે.”

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, અન્ય દેશોની સરખામણીમાં કેનેડા કે અમેરિકા જેવા વિકસિત દેશોમાં સારવાર માટે લાંબુ વેઇટિંગ હોય છે, જ્યારે ગુજરાતમાં ૧૦૮ સેવા અને સરકારી હોસ્પિટલોમાં ત્વરિત સારવાર ઉપલબ્ધ છે. કોરોના કાળમાં આરોગ્ય સુવિધા માટે વિકસિત દેશોની વ્યવસ્થા લાચાર હતી, ત્યારે ગુજરાતના નર્સિંગ સ્ટાફે ‘હજારો ફ્લોરેન્સ’ બનીને લોકોના જીવ બચાવ્યા હતા.
મંત્રીશ્રીએ તેમના અંગત અનુભવને યાદ કરતા જણાવ્યું કે, માંદગી દરમિયાન નર્સિંગ સ્ટાફના સહયોગથી જ તેઓ જલ્દી સાજા થયા હતા. તેમણે ઉમેર્યું કે,જો આપણે શ્રેષ્ઠ કામ કરીશું તો ઈશ્વરના દરબારમાં પણ ગર્વથી કહી શકીશું કે, અમે માનવતાની સાચી સેવા કરી છે.મંત્રીશ્રીએ ગુજરાતમાં નર્સિંગના નવા સ્પેશિયલાઈઝ્ડ કોર્સ (કાર્ડિયાક, ઓન્કોલોજી, આઈસીયુ) અને માઈક્રો મેનેજમેન્ટ પર ભાર મૂકી સૌને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.
શ્રી પાનસેરીયાએ કહ્યું હતું કે, આજના ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના યુગમાં વધતું જતું માનસિક ટેન્શન અને ડિપ્રેશન ભવિષ્ય માટે મોટો પડકાર છે, જેનો ઉકેલ માત્ર ભૌતિક સાધનોમાં નહીં પણ આંતરિક શાંતિ અને માનવીય સંવેદનામાં રહેલો છે. તેમણે કર્મના સિદ્ધાંત પર ભાર મૂકતા ઉમેર્યું કે, આપણે ભૂતકાળમાં કરેલા કર્મો જ લાચારી કે સંતોષના સ્વરૂપે જીવનના અંતિમ પડાવમાં આપણી સામે આવતા હોય છે, તેથી અન્યને મદદ કરવાની અને માફ કરવાની વૃત્તિ કેળવીને જિંદગીમાં સાચો આનંદ પ્રાપ્ત કરી શકાય છે. તેમણે નર્સિંગ સ્ટાફને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, કોઈ પણ અપેક્ષા વગર દર્દીઓની સેવા કરવી અને સહ કર્મચારીઓ તેમજ વડીલો સાથે ગરિમાપૂર્ણ વર્તન રાખવું એ જ આ દિવસની સાચી ઉજવણી છે. જો આપણું વર્તન શ્રેષ્ઠ હશે તો ટેકનોલોજીના ગમે તેટલા પરિવર્તનો છતાં માનવતા અને આંતરિક સુખ અકબંધ રહેશે.
સમારોહમાં નર્સિંગ વીકની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ રમતોત્સવમાં પ્રથમ ક્રમે વિજેતા વિદ્યાર્થીઓને મંત્રીશ્રીના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને તમામ નર્સોએ માનવતાની સેવાના શપથ ગ્રહણ કર્યા હતા.
આ કાર્યક્રમમાં, GMERS ના સી.ઈ.ઓ. ડો. મનીષ રામાવત, સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.મીતા પરીખ, આર.એમ.ઓ શ્રી ડો.વિપુલા, નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ધર્મેન્દ્ર ભોરણીયા, ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ શ્રી બિંદિયા તિવારી,નર્સિંગ એસોસિએશનના શ્રી ધવલ પટેલ તથા બહોળી સંખ્યામાં નર્સિંગના વિદ્યાર્થીઓ અને હોસ્પિટલના સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યા હતા.

