(જી.એન.એસ) તા. ૧૨
અરવલ્લી,
રાજ્યના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ગરમીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે, અરવલ્લી જિલ્લામાં ગરમીનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે. જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું. અસહ્ય ગરમી અને લૂ ફૂંકાવાને કારણે જિલ્લાવાસીઓ જાણે ભઠ્ઠીમાં શેકાઈ રહ્યા હોય તેવો અનુભવ કરી રહ્યા છે. આકરી ગરમીના કારણે ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર માઠી અસર જોવા મળી રહી છે. હજુ પણ આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
સામાન્ય રીતે 24 કલાક વાહનો અને લોકોની અવરજવરથી ધમધમતા રસ્તાઓ બપોરના સમયે સાવ સુમસામ જોવા મળી રહ્યા છે. ગરમીની તીવ્રતા એટલી વધારે છે કે લોકોએ બપોરના સમયે બહાર નીકળવાનું ટાળ્યું છે, જેના કારણે બજારોમાં પણ સન્નાટો પ્રસરી ગયો છે. પશુ-પક્ષીઓની હાલત પણ કફોડી બની છે અને તેઓ ગરમીથી બચવા માટે પોતાના રહેઠાણો કે છાયડામાં આશરો લેવા મજબૂર બન્યા છે.
ગરમીથી બચવા માટે લોકો છાશ, શેરડીનો રસ અને અન્ય ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. બપોરના સમયે કામ વગર ઘરની બહાર ન નીકળવા અને શરીરનું તાપમાન જળવાઈ રહે તે માટે વધુ પ્રવાહી લેવા માટે તબીબો દ્વારા સલાહ આપવામાં આવી રહી છે. ગરમીના આકરા પ્રકોપને જોતા ખેતીકામ અને મજૂરીકામ કરતા લોકોના કામના કલાકોમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે.

