(જી.એન.એસ) તા. ૮
રાજકોટ,
રાજકોટ મહાનગરપાલિકા (RMC) ફરી એકવાર એકશનમાં આવ્યું છે જેમાં મિલકત વેરો ભરવા માટે શહેરમાં રહેતા રહીસો દ્વારા પવામાં આવેલા ચેકો મોટી સંખ્યામાં બાઉન્સ થવાની ઘટના સામે આવી છે. મનપાના ટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં કુલ 757 ચેક રિટર્ન થયા હોવાનું માલૂમ પડ્યું છે, જેની કુલ કિંમત 4.56 કરોડ રૂપિયાજેટલી થાય છે.
ટેક્સ ભરવા માટે આપવામાં આવેલ ચેક રિટર્ન થતા જ મનપા તંત્ર હરકતમાં આવ્યું હતું અને તમામ 757 મિલકત ધારકોને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસની અસરને પગલે 757 પૈકી 695 મિલકત ધારકોએતાત્કાલિક પોતાની વેરાની રકમ રોકડમાં જમા કરાવી દીધી છે. તંત્ર દ્વારા મળેલી કડક સૂચના બાદ મોટાભાગના લોકોએ પેનલ્ટીથી બચવા માટે નાણાં ભરી દીધા છે.
નોટિસ આપવા છતાં હજુ પણ 62 મિલકત ધારકોએ વેરો ભરપાઈ કર્યો નથી. આથી, રાજકોટ મનપા દ્વારા આ 62 ચેક ધારકો સામે ‘ચેક રિટર્ન’ (Cheque Bounce) ની ફરિયાદ નોંધી કાયદેસરની કોર્ટ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તંત્રના આ કડક વલણથી વેરો ન ભરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

