(જી.એન.એસ) તા. ૮
ભરૂચ,
અંકલેશ્વરની GIDCમાં આવેલી જાણીતી ફાર્મા કંપનીમાં બપોરના સમયે પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગવાની ઘટના સામે આવી છે. કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં થયેલા આ બ્લાસ્ટને કારણે ફેક્ટરી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ ફેલાઈ ગયો હતો.
આ ઘટનાની મીડિયા સુત્રો થકી મળતી માહિતી અનુસાર, કેડિલા કંપનીના MPP-2 પ્લાન્ટમાં જ્યારે સોડિયમ કાર્બોનેટનું લોડિંગ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે અચાનક કોઈ કારણોસર પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, જોતજોતામાં પ્લાન્ટમાં આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં ત્યાં કામ કરી રહેલા બે કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા.
આ આગની ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા બંને શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની હાલત અત્યંત નાજુક હોવાથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા છે.
આગ અને બ્લાસ્ટની જાણ થતા જ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ (DISH) તેમજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. કંપનીમાં સુરક્ષાના સાધનો અને નિયમોનું પાલન થતું હતું કે, નહીં તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગ લાગવા પાછળના સચોટ કારણો જાણવા માટે એફએસએલ (FSL)ની પણ મદદ લીધી છે.

