(G.N.S) Dt. 1
ગાંધીનગર,
તા.૦૧ મે-
ગુજરાત સરકારના પેન્શનરો માટે વર્ષ ૨૦૨૬-૨૭ માટે હયાતીનું પ્રમાણપત્ર (Life Certificate) રજૂ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પેન્શનરોને પડતી મુશ્કેલીઓ નિવારવા અને ટેકનોલોજીના માધ્યમથી સરળતા રહે તે હેતુથી આ વખતે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
રાજ્યના તમામ પેન્શનરોએ ૦૧/૦૫/૨૦૨૬ થી ૩૧/૦૭/૨૦૨૬ સુધીમાં પોતાની હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત છે. જો આ સમયગાળા દરમિયાન ખરાઈ કરવામાં નહીં આવે, તો ઓગસ્ટ ૨૦૨૬થી પેન્શન બંધ થઈ શકે છે. ત્યારે પોસ્ટ વિભાગ દ્વારા વિશેષ સેવા આપી ઘર આંગણે હયાતીની ખરાઈ કરવાની સુવિધા આપવામાં આવશે.
પેન્શનરો હવે ઘરે બેઠા પણ હયાતીની નોંધણી કરાવી શકશે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) દ્વારા આ સુવિધા આપવામાં આવે છે. જેમાં પેન્શનરે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવા અથવા “Post Info” એપ દ્વારા નોંધણી કરાવવાથી પોસ્ટમેન ઘરે આવીને બાયોમેટ્રિક દ્વારા ખરાઈ કરી આપશે. આ પ્રક્રિયા સીધી “જીવન પ્રમાણ” પોર્ટલ પર નોંધવામાં આવશે. આ સેવા રાજ્ય સરકારના પેન્શનરો માટે સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
આ સાથે પેન્શનર પોતાની બેંક શાખામાં રૂબરૂ જઈને હયાતીની ખાતરી પણ કરાવી શકે છે અથવા ‘જીવન પ્રમાણ’ પોર્ટલ (www.jeevanpramaan.gov.in) અથવા મોબાઈલ એપ દ્વારા આધાર આધારિત ઓથેન્ટિકેશનથી ઘરે બેઠા નોંધણી થઈ શકશે.
હયાતીની ખરાઈ બાબતે કુટુંબ પેન્શન માં પુનઃલગ્ન ન કર્યા હોવાનું સોગંદનામું/પ્રમાણપત્ર રજૂ કરવું તથા દિવ્યાંગતા અંગે સક્ષમ અધિકારીનું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અને આવકના પુરાવા રજૂ કરવાના રહેશે. વિદેશમાં વસતા પેન્શનરોએ નોટરી પાસે પ્રમાણિત કરાવેલ હયાતીનું પ્રમાણપત્ર, પાસપોર્ટ નકલ, PPO નંબર અને NRO/NRE બેંક વિગતો સાથે રાખવી.
જો પોસ્ટ દ્વારા હયાતી કરાવી હોય તો ફરી બેંકમાં જવાની જરૂર નથી. બેંક અથવા શાખા બદલતા પહેલા તિજોરી કચેરી (Treasury Office) ને જાણ કરવી અનિવાર્ય છે જે ધ્યાને લેવા અને વધુ માહિતી માટે નજીકની પોસ્ટ ઓફિસ અથવા સાયબર ટ્રેઝરીની વેબસાઇટ (cybertreasury.gujarat.gov.in) નો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.

