સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપાનો ભવ્ય વિજય: શ્રી અમિત શાહે જનતા અને કાર્યકરોનો માન્યો આભાર
(જી.એન.એસ) તા. ૨૮
નવી દિલ્હી/ગાંધીનગર,
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના (BJP) ભવ્ય અને નિર્ણાયક વિજય બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ આ જીતને ભાજપ અને ગુજરાત વચ્ચેના ગાઢ અને અખંડ સંબંધની પ્રતીતિ ગણાવી છે. રાજ્યભરની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ભાજપને મળેલા પ્રચંડ જનસમર્થનને તેમણે સુશાસનની જીત ગણાવી છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાતના લોકોએ હંમેશા પ્રજાલક્ષી કાર્યો અને વિકાસમૂલક નીતિઓને પ્રાધાન્ય આપ્યું છે. આ ચૂંટણીના પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે જનતાએ ફરી એકવાર ભાજપની સુશાસનની રાજનીતિ પર પોતાનો અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વર્ષોથી ભાજપના કાર્યકરોએ કરેલા અવિરત પરિશ્રમ અને જનસેવાના કાર્યોને જનતાએ આશીર્વાદ સ્વરૂપે આ જીત આપી છે.
ગુજરાતની જનતાને ખાતરી આપતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉમેર્યું હતું કે, ભાજપ સરકાર આગામી સમયમાં વધુ સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે જનતાની સેવા કરશે. રાજ્યને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડવા માટે સરકાર સતત પ્રયત્નશીલ રહેશે. આ જનાદેશ ભાજપને લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે વધુ ઊર્જા પૂરી પાડશે.
ગુજરાતમાં તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ પ્રચંડ વિજય મેળવીને ફરી એકવાર રાજ્યમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. આ ઐતિહાસિક જીત બાદ, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને દેશના કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે રાજ્યની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
ગાંધીનગર લોકસભા મીડિયા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, અમિતભાઈ શાહે આ વિજયને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “દેશ પ્રથમ” ના મંત્ર અને ભાજપાની વિકાસલક્ષી રાજનીતિનો વિજય ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, આ પરિણામો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ના નેતૃત્વમાં સરકારની શાંત, સુરક્ષિત, વિકસિત અને સમૃદ્ધ ગુજરાતની વિભાવના અને જનકલ્યાણકારી નીતિઓને જનતાએ આપેલું મજબૂત સમર્થન છે.
ચૂંટણીના આકરા તાપમાં ભાજપાના ‘દેવદુર્લભ’ કાર્યકરોએ કરેલી અથાગ મહેનત અને પ્રચંડ પુરુષાર્થને અમિતભાઇ શાહે બિરદાવ્યા હતા. તેમણે ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી સહીત સમગ્ર સંગઠનના હોદ્દેદારોને પણ આ ભવ્ય સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ગાંધીનગર લોકસભા હેઠળના અમદાવાદ મહાનગરપાલિકા, કલોલ, સાણંદ, અને બાવળા સહિતની તમામ સ્થાનિક સંસ્થાઓમાં મળેલી જીત બદલ તેમણે ઉમેદવારોને વિશેષ શુભેચ્છાઓ આપી હતી.

