જિલ્લા-તાલુકા પંચાયત પરિણામ: નર્મદા જિલ્લા-તાલુકા પંચાયતમાં AAPનો સપાટો, છોટા ઉદેપુરમાં ટાઈ થઈ
(જી.એન.એસ) તા. ૨૮
ગાંધીનગર/અમદાવાદ,
રાજ્યમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાની સેમી ફાઈનલ તરીકે ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે જેમાં, રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 10.005 બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે.
ગુજરાતના રાજકીય ફલક પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે રાજ્યની જનતાનો મિજાજ હજુ પણ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે. વર્ષ 2021 ની ચૂંટણીમાં ભાજપ (BJP) દ્વારા આપવામાં આવેલું સૂત્ર ‘ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ’ આજે 2026 માં પણ સંપૂર્ણપણે સાર્થક સાબિત થયું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન: ભાજપનો દબદબો યથાવત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 192 બેઠકોના જાહેર થયેલા પરિણામોમાં સત્તાધારી પક્ષ ભાજપે 160 બેઠકો સાથે પોતાનો ગઢ મજબૂત રાખ્યો છે, જે ગત ટર્મની સરખામણીએ 1 બેઠકનો વધારો દર્શાવે છે. બીજી તરફ, મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસે 32 બેઠકો મેળવીને ગત પરિણામો કરતા 7 બેઠકોનો ફાયદો મેળવ્યો છે, જે ગત વર્ષની દ્રષ્ટિએ થોડું સારું પરિણામ સૂચવે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના જાહેર થયેલા પરિણામો અનુસાર લાંભા અને દાણીલીમડા વોર્ડનું ચિત્ર સ્પષ્ટ થયું છે. આ પરિણામો મુજબ, લાંભા વોર્ડમાં ભાજપના ઉમેદવારોએ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે; જેમાં અંજુ વિલાસ ઠાકોર 20,273 મતે, રાહુલભાઈ સતીષભાઈ ભરવાડ 19,498 મતે, ચાંદની તેજસ પટેલ 17,151 મતે અને ચન્દ્રકાન્ત ધીરજલાલ જોશી 16,765 મતે ચૂંટાઈ આવ્યા છે.
જ્યારે બીજી તરફ, દાણીલીમડા વોર્ડમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોનો સંપૂર્ણ દબદબો જોવા મળ્યો છે. દાણીલીમડામાંથી શેહઝાદખાન નાસીરખાન પઠાણ 31,314 મતે, તસલીમબાનુ મોહંમદ ઇમરાન મકરાણી 31,285 મતે, મનોજભાઇ ખીમજીભાઇ રેવર 30,838 મતે તથા હીના મહેશભાઇ પરમાર 30,538 મતે વિજયી ઘોષિત થયા છે. આમ, લાંભામાં ભાજપ અને દાણીલીમડામાં કોંગ્રેસે પોતાની પેનલ સાથે જંગી મતોથી જીત હાંસલ કરી છે.
ખાડિયામાં વર્ષો પછી ભાજપનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નથી. અહીં કોંગ્રેસની પેનલ જીતી ગઈ છે. કોંગ્રેસની પેનલ 700 વોટના અંતરથી જીતી ગઈ હતી. આ ચારેય ઉમેદવારને મળેલા મત નીચે પ્રમાણે છે.
ધ્રુવ કલાપી 6376
બિરજુ ઠક્કર 6331
ઇલિયાસ પઠાણ 6323
મીનાબેન નાયક 6095
કોંગ્રેસના બે ઉમેદવારો જીતતા બાપુનગરમાં પેનલ તૂટી હતી.
રાજ્યમાં આગામી ચૂંટણીના ગરમાવા વચ્ચે વિવિધ શહેરોમાં રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે ઘર્ષણની ઘટનાઓ સામે આવી છે. અમદાવાદની પ્રતિષ્ઠિત એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ સર્જાયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, વાસણા વોર્ડના ભાજપના કાર્યકરો પર પથ્થરમારો કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોલેજ પરિસરમાં પ્રવેશ મેળવવા બાબતે શરૂ થયેલી આ બબાલ એટલી વધી ગઈ હતી કે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી.
કલોલમાં બે જૂથ વચ્ચે અથડામણ
બીજી તરફ, કલોલમાં એક જ કોમના બે જૂથો વચ્ચે સામસામે મારામારીની ઘટના બની હતી. આ અથડામણમાં 4 થી 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે કલોલની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવીને મામલો થાળે પાડ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ તમામ ઇજાગ્રસ્તોને ઘરે મોકલી દેવામાં આવ્યા છે.
અમદાવાદ જિલ્લાની ધોળકા નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ એકહથ્થુ શાસન સ્થાપિત કર્યું છે. 36 બેઠકો ધરાવતી આ નગરપાલિકામાં ભાજપે બહુમતીનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. ચૂંટણીની મત ગણતરી શરૂ થાય તે પહેલા જ ભાજપે 11 બેઠકો પર બિનહરીફ વિજય મેળવી લીધો હતો. આજે મત ગણતરી દરમિયાન વધુ 10 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થતાં, પક્ષે કુલ 21 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. હજુ પણ બાકીની બેઠકો માટે મત ગણતરી ચાલુ છે, પરંતુ ભાજપે બહુમતી હાંસલ કરી લેતાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધોળકા નગરપાલિકા પર ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે અને વિપક્ષી છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો છે.
છોટા ઉદેપુર તાલુકા પંચાયત (કુલ 26 બેઠક)ના પરિણામ (ટાઈ થઈ)
• 13 બેઠક – આમ આદમી પાર્ટી
• 13 બેઠક – ભારતીય જનતા પાર્ટી
સંખેડા તાલુકા પંચાયત (18 બેઠક)ના પરિણામ (ભાજપને સ્પષ્ટ બહુમતી)
• 16 બેઠક – ભારતીય જનતા પાર્ટી
• 2 બેઠક – કોંગ્રેસ
બોડેલી તાલુકા પંચાયત (કુલ 24 બેઠક)ના પરિણામ (ભાજપને સ્પષ્ટ બહુમતી)
• 19 બેઠક – ભારતીય જનતા પાર્ટી
• 2 બેઠક – કોંગ્રેસ
• 1 બેઠક – આમ આદમી પાર્ટી
• 2 બેઠક – અપક્ષ
કદવાલ તાલુકા પંચાયત (કુલ 16 બેઠક) (ટાઈ થઈ)
• 8 બેઠક – ભારતીય જનતા પાર્ટી
• 8 બેઠક – આમ આદમી પાર્ટી
નસવાડી તાલુકા પંચાયત (કુલ 22 બેઠક) (ભાજપને સ્પષ્ટ બહુમતી)
• 13 બેઠક – ભારતીય જનતા પાર્ટી
• 2 બેઠક – કોંગ્રેસ
• 7 બેઠક – આમ આદમી પાર્ટી
તાપી જિલ્લા પંચાયતમાં 26 બેઠક પૈકી 18 બેઠક ભાજપના ફાળે ગઈ છે. જ્યારે કોંગ્રેસના ફાળે 8 બેઠક ગઈ છે.
રાજકોટ જિલ્લા પંચાયતની 36 માંથી 34 બેઠક પર ભાજપની જીત થઈ છે. જ્યારે 1 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા થયા છે. જિલ્લા પંચાયતની કોલકી બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર અરુણાબેન ભાષા વિજેતા થયા છે. જ્યારે જિલ્લા પંચાયતની મોવિયા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર આરતીબેન જેતાણીની જીત થઈ છે.
સુરતના માંડવી પંથકમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક વિજય મેળવીને કોંગ્રેસના વર્ષો જૂના ગઢ તોડી પાડ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત બાદ માંડવી ધારાસભ્યની પ્રતિક્રિયા સામે આવી છે. સ્થાનિક ધારાસભ્ય કુંવરજી હળપતિએ ખુશી વ્યક્ત કરતા કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. કુંવરજી હળપતિએ આ જીતને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે, આઝાદી પછી પ્રથમવાર ભાજપે કોંગ્રેસ પાસેથી 2 જિલ્લા પંચાયતની બેઠકો કબજે કરી છે. માંડવી નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં પણ કેસરીયો લહેરાયો છે. મતદારોએ પરંપરાગત રાજનીતિ બદલીને વિકાસના પક્ષમાં જંગી મતદાન કર્યું છે.
ઘંતોલી અને દેવગઢ જેવી કોંગ્રેસની પરંપરાગત બેઠકો પર ભાજપના ઉમેદવારોએ ભવ્ય વિજય મેળવ્યો છે. ધારાસભ્ય કુંવરજી હળપતિના જણાવ્યા અનુસાર, ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના સૂપડા સાફ કર્યા છે. માંડવી તાલુકા પંચાયતની 18 બેઠકો પર ભાજપે જીત હાંસલ કરી છે. અરેઠ જિલ્લા પંચાયતની 2 બેઠકો પર પણ ભાજપ વિજેતા જાહેર થયો છે. દાયકાઓ જૂના કોંગ્રેસના વર્ચસ્વનો અંત આવતા રાજકીય સમીકરણો બદલાયા છે.
અરેઠ તાલુકા પંચાયતના પરિણામોમાં પણ ભાજપનું શક્તિ પ્રદર્શન (Power Display) જોવા મળ્યું છે. અહીં કુલ બેઠકોમાંથી 12 બેઠકો ભાજપના ફાળે ગઈ છે, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 2 બેઠકો જ આવી છે. પક્ષના અગ્રણીઓએ આ સફળતાને જનતાના વિશ્વાસની જીત ગણાવી છે. માંડવી અને અરેઠ પંથકમાં સર્વાંગી વિજય મળતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિજેતા ઉમેદવારોએ હવે છેવાડાના માનવી સુધી વિકાસના કામો પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે.
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ વખતે અનેક એવા ચહેરાઓ ઉભરી આવ્યા છે, જેમણે સાબિત કરી દીધું છે કે લોકશાહીમાં હોદ્દો નહીં પણ સેવા અને સમર્પણ મહત્વના છે. ગરીબ પરિવારમાંથી આવતા અને સામાન્ય વ્યવસાય કરતા અનેક ઉમેદવારોએ ભવ્ય વિજય મેળવીને સૌને ચોંકાવી દીધા છે, જ્યારે કેટલાક પરાજય છતાં પોતાની લડત માટે ચર્ચામાં રહ્યા છે.
ગોધરાના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ લખાયું છે. શહેરના વોર્ડ નંબર 7 માં, જે 100% મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે, ત્યાં અપક્ષ ઉમેદવાર અપેક્ષાબેન સોનીએ વિજય મેળવ્યો છે. એક પણ હિન્દુ મતદાર ન હોવા છતાં મુસ્લિમ સમાજે તેમના પર વિશ્વાસ મૂકીને તેમને ચૂંટ્યા છે. અપેક્ષાબેને આ જીતને સાંપ્રદાયિક સૌહાર્દનું ઉદાહરણ ગણાવતા કહ્યું કે, જે વિશ્વાસ લોકોએ મૂક્યો છે તેને સાર્થક કરવા તેઓ વિસ્તારની પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા ખંતપૂર્વક કામ કરશે. મહેસાણામાં પણ એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. ભાજપના જિલ્લા કાર્યાલય ‘કમલમ’ માં છેલ્લા 27 વર્ષથી પટાવાળા તરીકે સેવા આપતા રમેશભાઈ ભીલ હવે મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 માંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે. માત્ર 500 રૂપિયાના પગારથી શરૂઆત કરનાર રમેશભાઈ જણાવે છે કે, તેઓ કોર્પોરેટર બન્યા પછી પણ પોતાની પટાવાળાની નોકરી ચાલુ રાખશે. મીટિંગના સમયે કોર્પોરેટરની ભૂમિકા ભજવશે અને ત્યારબાદ ફરી પાછા પોતાની ફરજ પર લાગી જશે.
બહુચરાજી નગરપાલિકામાં પણ સામાન્ય પરિવારનું પ્રતિનિધિત્વ જોવા મળ્યું છે. વોર્ડ નંબર 4 માંથી ભાજપના ઉમેદવાર સંશીબેન કાંગશિયા વિજેતા બન્યા છે. સંશીબેન વ્યવસાયે બંગડીઓ વેચે છે, પરંતુ હવે તેઓ નગરપાલિકામાં લોકોના પ્રશ્નોને વાચા આપશે.
રાજપીપળામાં ભાજપનો ઐતિહાસિક વિજય: કોંગ્રેસ-AAPના સુપડા સાફ, આઝાદી પછી પ્રથમવાર કોંગ્રેસ ‘ઝીરો’ પર સમેટાઈ ગયા હતા. નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળામાં ભાજપે જીતનો નવો ઇતિહાસ રચ્યો છે. રાજપીપળા નગરપાલિકાની સ્થાપના બાદ આ ભાજપની અત્યાર સુધીની સૌથી મોટી અને ભવ્ય જીત માનવામાં આવી રહી છે.
રાજપીપળાના રાજકીય ઇતિહાસમાં આ પ્રથમ એવી ઘટના છે જ્યારે કોંગ્રેસ 0 પર સમેટાઈ ગઈ છે. એક સમયે મજબૂત ગણાતી કોંગ્રેસના તમામ ઉમેદવારોનો પરાજય થયો છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી (AAP) પણ અહીં પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહી છે.
વોર્ડ વાઈઝ વિજેતાઓની સ્થિતિ
રાજપીપળાના 7 વોર્ડમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે:
વોર્ડ નં. 1, 2, 5, 6, 7: તમામ 4-4 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે.
વોર્ડ નં. 4: ભાજપે તમામ 4 બેઠકો જીતી (જેમાં 1 બેઠક બિનહરીફ હતી).
વોર્ડ નં. 3: આ વોર્ડમાં જંગ રસપ્રદ રહ્યો હતો, જેમાં ભાજપને 1 બેઠક મળી છે જ્યારે 3 બેઠકો અપક્ષના ફાળે ગઈ છે.
ઐતિહાસિક રેકોર્ડ
રાજપીપળા નગરપાલિકાની સ્થાપના બાદ ભાજપે મેળવેલી આ સૌથી મોટી જીત છે. આ જીત સાથે જ ભાજપે ફરી એકવાર સાબિત કર્યું છે કે આદિવાસી બહુલ જિલ્લાઓમાં પણ ‘કમળ’ મજબૂત પકડ ધરાવે છે.
નગરપાલિકામાં કેસરીયો માહોલ
રાજપીપળા નગરપાલિકાની કુલ 28 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી મેળવી છે.
કુલ બેઠકો: 28
ભાજપ: 25 બેઠકો (2 બિનહરીફ + 23 જીતેલી બેઠકો)
અપક્ષ: 03 બેઠકો
કોંગ્રેસ: 00 બેઠક
AAP: 00 બેઠક

