(G.N.S) Dt. 23
ગાંધીનગર,
સ્પીપા દ્વારા સચિવાલયના ઉપસચિવશ્રીઓ માટે આયોજિત ત્રિ-દિવસીય તાલીમ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસે જણાવ્યું હતું કે, વહીવટી તંત્રમાં સચિવાલયના અધિકારીઓની ભૂમિકા અત્યંત મહત્વની હોય છે, આ સ્તરે લેવાયેલા નિર્ણયોની અસર લાંબા ગાળા સુધી રહેતી હોય છે. અગાઉ સચિવાલયે કરેલા ઠરાવ આજે પણ લાખો નાગરિકોના જીવનને પ્રભાવિત કરી રહ્યા છે, જેથી આપણા દ્વારા લેવામાં આવતા નિર્ણયો સાચા, સારા અને સચોટ હોવા જોઈએ. આજના ઝડપથી બદલાતા યુગમાં જ્યાં AI અને નવી ટેકનોલોજી દર બે વર્ષે બમણી ગતિએ આગળ વધી રહી છે, ત્યાં અધિકારીઓએ માત્ર પોતાના સાથીદારો સાથે જ નહીં પણ આધુનિક ટેકનોલોજી સાથે પણ કદમ મિલાવવા માટે સતત અપડેટ રહેવું અને તાલીમ લેવી અનિવાર્ય છે.
રાજ્ય સરકારના વહીવટી તંત્રને વધુ સુદ્રઢ અને ગતિશીલ બનાવવાના ઉમદા હેતુથી મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસની અધ્યક્ષતામાં સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા-સ્પીપા દ્વારા સચિવાલયના ઉપસચિવશ્રીઓ માટે ત્રિ-દિવસીય તાલીમ કાર્યક્રમનું ગાંધીનગર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૨૩ થી ૨૫ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન “Enhancing Administrative Capacities and Leadership” વિષય પર આયોજિત આ તાલીમમાં વક્તાઓ દ્વારા વહીવટી ક્ષમતા, વિકાસ અને નેતૃત્વના ગુણ, ગુડ ગવર્નન્સ, સાયબર સિક્યુરિટી અને ડિજિટલ પડકારો, પબ્લિક પ્રોક્યુરમેન્ટ, જાહેર નાણાકીય વ્યવસ્થાપન, કોર્ટ સંબંધિત બાબતો તેમજ નીતિ નિર્ધારણ, વહીવટી કાર્યક્ષમતામાં વધારો જેવા વિવિધ વિષયો પર તાલીમ આપવામાં આવશે.
સરકારી સેવા એ કોઈ ઉપકાર નથી પણ આપણી ફરજ છે, તેમ જણાવતા મુખ્ય સચિવશ્રીએ કહ્યું હતું કે, સરકારની વિવિધ સેવાઓનો લાભ લેતા રાજ્યના લાખો નાગરિકોએ બિનજરૂરી ડોક્યુમેન્ટસ આપવા ન પડે તેવી રીતે પ્રક્રિયાને વધુ સરળ બનાવવી જોઈએ. ફિલ્ડ લેવલના અધિકારીઓ અને સચિવાલયના અધિકારીઓ નાગરિકોના હિતમાં વધુ કામ કરશે તો જ તેમના દ્વારા લેવાયેલા નિર્ણયો સંવેદનશીલ તેમજ સચોટ બનશે. વધુમાં, તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની સૂચનાઓનો ઊંડો અભ્યાસ કરીને ગુજરાત જે ક્ષેત્રોમાં પ્રથમ છે તેને ગ્લોબલ સ્ટાન્ડર્ડ સુધી લઈ જવાની અને બાકીના દરેક ક્ષેત્રમાં દેશમાં નંબર વન બનાવવાની આપણી પ્રાથમિકતા હોવી જોઈએ.
મુખ્ય સચિવ શ્રી દાસે કહ્યું કે, આપણો દેશ જ્યારે વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ બનવા તરફ જઈ રહ્યો છે, ત્યારે ગુજરાતની ઇકોનોમી પણ અભૂતપૂર્વ ગતિએ વધી રહી છે. આ વિકાસની યાત્રામાં માત્ર મંત્રીશ્રીઓ કે વરિષ્ઠ સચિવો જ નહીં, પણ દરેક અધિકારી-કર્મચારીની ભૂમિકા મહત્વની હોય છે. આપણે એ ક્યારેય ન ભૂલવું જોઈએ કે ફાઈલ એ માત્ર કાગળનો ટુકડો નથી, પણ કોઈના કલ્યાણનો માર્ગ છે, જેના થકી તે નાગરિક અને તેના પરિવારને તેનો સીધો લાભ મળશે. જો આપણે દરરોજ પૂરી નિષ્ઠાથી કામ કરીએ તો ચોક્કસપણે દેશ અને રાજ્યના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપી શકીશું.
આ પ્રસંગે સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ જણાવ્યું હતું કે, “શીખવાની કોઈ વય હોતી નથી” સતત બદલાતા સમય સાથે વહીવટી તંત્રમાં નવા જ્ઞાન, નવી ટેકનોલોજી અને ડેટા-આધારિત અભિગમ અપનાવવો અનિવાર્ય છે. આ ત્રિ-દિવસીય તાલીમ કાર્યક્રમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AI, સાયબર સિક્યોરિટી અને પીએમ ગતિશક્તિ જેવા મહત્વના પોર્ટલના ઉપયોગ વિશે ટેકનિકલ સત્રો રાખવામાં આવ્યા છે, જે પ્રોજેક્ટ પ્લાનિંગમાં પાયાનું કામ કરશે.
અધિકારીઓને પરંપરાગત રીતો કે પૂર્વગ્રહોને બદલે નક્કર ડેટા અને પુરાવાઓ- એવિડન્સ બેઝ્ડ ડિસીઝન મેકિંગના આધારે નિર્ણય લેવા પર અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ ભાર મુક્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ તાલીમ કાર્યક્રમમાં વહીવટી નિર્ણયોમાં વધુ પારદર્શિતા અને ચોકસાઈ લાવવા અંગે વિશેષ ચર્ચા કરવામાં આવશે. આ તાલીમમાં સિટિઝન સેન્ટ્રિક એડમિનિસ્ટ્રેશન, સ્વાગત કાર્યક્રમ, ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ, ખાતાકીય તપાસના સમયબદ્ધ નિકાલ અને વિકસિત ગુજરાત ૨૦૪૭ના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટેની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરવામાં આવશે. લીડરશીપ મોડ્યુલ અને ઇમોશનલ એજીલિટી-ભાવનાત્મક સુગમતા દ્વારા તણાવપૂર્ણ સ્થિતિમાં કેવી રીતે સ્થિર રહીને કાર્ય કરવું, તે અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કાર્યરત ઉપસચિવોનું ત્રિ-દિવસીય તાલીમ કાર્યક્રમમાં સ્વાગત કરતા સ્પીપાના મહાનિદેશક શ્રી હારીત શુક્લએ જણાવ્યું હતું કે, આ ત્રણ દિવસીય તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય અધિકારીઓને વહીવટી પ્રક્રિયાઓની સાથે ભાવિ પડકારો અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવાનો છે. રાજ્ય સરકારમાં બઢતીએ માત્ર હોદ્દામાં ફેરફાર નથી, પરંતુ જવાબદારીનો એક નવો તબક્કો છે. આ તાલીમમાં અધિકારીઓને સામાન્ય વહીવટી નિયમો ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AI, સાયબર સિક્યુરિટી અને રાજ્ય સરકારના વિવિધ ડિજિટલ પોર્ટલના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત કેબિનેટ નોટ તૈયાર કરવી, ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ અને IFMS ની સમજ, ફાઇલના નિકાલમાં સમયના મહત્વને સમજવું અને નિયમોને લોકોની સુખાકારીના માધ્યમ તરીકે જોઈને સકારાત્મક નિર્ણય લેવાની ક્ષમતા કેળવવી તે અંગે વરિષ્ઠ અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
આ પ્રસંગે જાણીતા વક્તા અને લેખિકા શ્રીમતી કાજલ ઓઝા વૈદ્યએ કહ્યું હતું કે, સરકારી કર્મચારીઓએ માત્ર “સરકારી” મટીને સમાજ પર પ્રભાવ પાડનારા “અસરકારી” બનવું જોઈએ. જીવનમાં સફળતા માટે ‘આઉટ ઓફ ધ બોક્સ’ વિચારવું અને કોઈ એક લક્ષ્ય પર પૂરી શ્રદ્ધા સાથે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે કહ્યું કે, ઓફિસના કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવું પણ ખૂબ જરૂરી છે. સમસ્યાઓ તો દરેકના જીવનમાં આવવાની જ છે, પણ મહત્વનું એ છે કે આપણે તેના પર કેવી રીતે પ્રતિક્રિયા આપીએ છીએ.
તેમણે ટેકનોલોજી અને સરકારી તંત્રમાં આવેલા હકારાત્મક પરિવર્તનની ચર્ચા વિશે કહ્યું કે, આજે સોશિયલ મીડિયા અને ઈ-ગવર્નન્સના યુગમાં સરકારી સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચી છે. તેમણે પોતાના અનુભવો ટાંકીને જણાવ્યું કે, કેવી રીતે ટેકનોલોજી દ્વારા સાત-બારના ઉતારા ડાઉનલોડ કરવાથી લઈને SHE-ટીમની મદદ મેળવવી સરળ બની છે. આ ઉપરાંત રસ્તાઓ પર મહિલાઓ માટે ઊભી કરાયેલી સ્વચ્છ શૌચાલય જેવી પાયાની સુવિધાઓ એ સાબિત કરે છે કે સરકારી વહીવટ તંત્ર હવે ગ્રાસરૂટ લેવલ સુધી પહોંચ્યું છે. વહીવટમાં આવેલી આ પારદર્શિતા અને ગતિશીલતા એ નવા ભારત અને પ્રગતિશીલ ગુજરાતની ઓળખ છે.
આ ત્રિ-દિવસીય તાલીમ કાર્યક્રમમાં સ્પીપા અમદાવાદના નાયબ મહાનિદેશક શ્રી ચંદ્રેશ કોટક, સ્પીપા અમદાવાદના મહેસૂલ-મહેકમના નાયબ નિયામક શ્રી એ.એ.ડોડીયા, સ્પીપા, અમદાવાદના મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ શ્રીમતી ધરતી શાહ સહીત ઉપસચિવશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

