(G.N.S) Dt. 16
ગાંધીનગર,
દરેક વ્યક્તિ પોતાની ઉન્નતિની સાથે અન્યની ઉન્નતિ માટે કાર્ય કરે તે જ સાચી માનવતા: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
‘કીર્તિર્યસ્ય સ જીવતિ’ ના મંત્ર સાથે માનવતાની સેવા કરીએ: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
બ્લડ બેંક ક્ષેત્રે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે; રેડ ક્રોસના સેવાકીય પ્રકલ્પોની રાજ્યપાલશ્રીએ કરી પ્રશંસા

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખાની વાર્ષિક સામાન્ય સભા આજે ગાંધીનગર લોકભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની માનવીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, જ્યારે કોઈ સંસ્થા નિઃસ્વાર્થ ભાવે અને ટીમ વર્ક સાથે કાર્ય કરે છે, ત્યારે જ જનમાનસના હૃદયમાં સ્થાન બનાવી શકે છે.
રાજ્યપાલશ્રીએ સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બ્લડ બેંકના ક્ષેત્રમાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે છે તે ગૌરવની બાબત છે. ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા ચાલતા ફિઝિયોથેરાપી સેન્ટર્સ, ડેન્ટલ ક્લિનિક અને જેનરિક મેડિકલ સ્ટોર્સ સામાન્ય માનવી માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં તાલુકા સ્તર સુધીના નેટવર્કની તેમણે સરાહના કરી હતી.
રાજ્યપાલશ્રીએ તેમના ગ્રામીણ પ્રવાસના અનુભવો વર્ણવતા કહ્યું હતું કે, મેં ગુજરાતના તમામ તાલુકાઓમાં જવાનો સંકલ્પ કર્યો છે, જે અંતર્ગત ૨૪ તાલુકામાં પ્રવાસ પૂર્ણ કર્યા છે. ગોંડલના લૂણીવાવ ગામની મુલાકાતના એક પ્રસંગ યાદ કરતા રાજ્યપાલશ્રીએ કહ્યું કે, એક ખેતમજૂરના ૧૦ દિવસના નવજાત બાળકને જ્યારે મેં ખોળામાં લીધું, ત્યારે તે પરિવારની આંખોમાં જે કૃતજ્ઞતાના આંસુ હતા, તે અવર્ણનીય અને અવિસ્મરણીય છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ગામડાઓમાં સ્વચ્છતા, શાળાઓમાં યોગાભ્યાસ, વૃક્ષારોપણ, રાત્રિસભા તેમજ ખેડૂતોને ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતીનું પ્રશિક્ષણ આપી ધરતી માતા અને માનવ સ્વાસ્થ્ય બચાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે.
મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના વિચારોને ટાંકતા રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, મનુષ્ય જ્યારે આ દુનિયામાં આવે છે ત્યારે ખાલી હાથે આવે છે અને જાય છે ત્યારે પણ ભૌતિક સંપત્તિ અહીં જ રહી જાય છે. દરેક વ્યક્તિ પોતાની ઉન્નતિની સાથે અન્યની ઉન્નતિ માટે કાર્ય કરે તે જ સાચી માનવતા છે. જે વ્યક્તિ બીજાના આંસુ લૂછી શકે તે જ ખરો માનવી છે.
રાજ્યપાલશ્રીએ તમામ દાતાઓ અને ઇન્ડિયન રેડ ક્રોસના કાર્યકરોનો આભાર વ્યક્ત કરી ‘કીર્તિર્યસ્ય સ જીવતિ’ -જેનો યશ જીવંત છે, તે જ ખરેખર જીવિત છે, આ સૂત્ર સાથે વધુમાં વધુ સેવાકાર્યો કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રેડ ક્રોસ આજે ૩૩ જિલ્લા અને ૯૨ તાલુકા સ્તરે કાર્યરત છે. વર્ષ દરમિયાન રાજ્યમાં ૧.૭૦ લાખ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે અને ૧૩ ડાયાલિસિસ સેન્ટર્સ દ્વારા જરૂરિયાતમંદોને સેવા અપાઈ રહી છે.
સંસ્થાના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે તમામ પદાધિકારીઓ અને પ્રતિનિધિઓનો આભાર માનતા જણાવ્યું હતું કે, ઇન્ડિયન રેડ ક્રોસની આ યાત્રા સહયોગ અને સેવાના મંત્ર સાથે અવિરત ચાલુ રહેશે.
આ બેઠકમાં સંસ્થાના વહીવટી એજન્ડાની સાથે માનવતાવાદી સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સભામાં ગત ૧૪ ઓક્ટોબર ૨૦૨૪ની બેઠકની મિનિટ્સને બહાલી આપવામાં આવી હતી. વર્ષ ૨૦૨૩-૨૪ ના ઓડિટ અહેવાલો અને વર્ષ ૨૦૨૫-૨૬ તથા ૨૦૨૬-૨૭ ના બજેટ અંદાજોને ફાઇનાન્સ કમિટીની ભલામણ બાદ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આગામી વર્ષો માટે સ્ટેચ્યુટરી ઓડિટર્સની નિમણૂક પણ કરવામાં આવી હતી.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની પ્રવૃત્તિઓને આર્થિક પીઠબળ પૂરું પાડનાર REC લિમિટેડ, નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન અને સોલર એનર્જી કોર્પોરેશન (SECI) જેવી સંસ્થાઓનું રાજ્યપાલશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
બેઠકમાં સંસ્થાના વાઇસ ચેરમેન ડૉ. અજયભાઈ દેસાઈ, વ્યવસ્થાપન સમિતિના સદસ્ય અજયભાઈ પટેલ, મહાસચિવ ડો. પ્રકાશભાઈ પરમાર સહિતના મહાનુભાવો અને રાજ્યભરના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખાના માનદ કોષાધ્યક્ષ શ્રી સંજયભાઈ શાહે આભારવિધિ કરી હતી.

