(G.N.S) Dt. 17
અમદાવાદ,

આગામી ૨૬ એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે મતદાર જાગૃતિ અભિયાન (SVAP) હવે નિર્ણાયક તબક્કામાં પહોંચ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં ૬૨૦ જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ‘ઈલેક્ટોરલ લીટરસી ક્લબ’ (ELC) દ્વારા એક વિશેષ ટેકનિકલ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ટેકનોલોજીના વર્તમાન સમયમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અંગે લોકોના મનમાં રહેલી શંકાઓ દૂર કરવાનો અને મતદાન પ્રક્રિયા પ્રત્યે નાગરિકોનો વિશ્વાસ વધારવાનો હતો.
આ અભિયાન અંતર્ગત અંદાજે ૩૫,૦૯૦ જેટલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફ મિત્રોએ સહભાગી થઈને EVM ની કાર્યપદ્ધતિ વિશે ઊંડાણપૂર્વક સમજ મેળવી હતી. શાળાઓમાં પ્રાયોગિક નિદર્શન દ્વારા સમજાવવામાં આવ્યું હતું કે કઈ રીતે ટેકનોલોજીના ઉપયોગથી મતદાન પ્રક્રિયા વધુ સરળ, પારદર્શક અને ઝડપી બની છે.
વિદ્યાર્થીઓએ આ ટેકનિકલ પાસાઓને સમજીને પોતાના પરિવાર અને આસપાસના નાગરિકોને સાચી માહિતી પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો. આ પ્રવૃત્તિ દ્વારા લોકશાહીના પાયા સમાન મતદાન પ્રક્રિયામાં આધુનિક ઉપકરણોના મહત્વ વિશે વ્યાપક જનજાગૃતિ ફેલાવવામાં આવી છે, જે આગામી ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવામાં મહત્વનું યોગદાન આપશે.

