(જી.એન.એસ) તા. ૧૬
પંચમહાલ,

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એ કહ્યું હતું કે,
- શ્રી નરેન્દ્ર મોદીજીની સરકાર આઝાદીના લડવૈયાઓના સપના સાકાર કરી આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ અને વિકાસની નવી લહેર લાવી
- કોંગ્રેસ અને વિરોધી પક્ષોને ચૂંટણીમાં ઉમેદવારો પણ નથી મળતા, જનતાએ ભાજપના પર અતૂટ વિશ્વાસ મૂક્યો છે
- પંચમહાલ જિલ્લામાં ટૂંક સમયમાં અત્યાધુનિક ‘સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ’ ખુલ્લું મૂકવામાં આવશે
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ પંચમહાલ જિલ્લાના ઘોઘંબાની મુલાકાત લીધી હતી. પ્રવાસના પ્રારંભે તેમણે પરોલી મંદિર ખાતે દેવાધિદેવના દર્શન-પૂજન કરી રાજ્યના નાગરિકોની સુખાકારી અને પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ, ભગવાન શ્રી બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ઘોઘંબા APMC ખાતે વિશાળ જનમેદનીને સંબોધતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારતની ધરતી પર વિદેશી તાકાતોને ફાવવા ન દેવામાં આદિવાસી સમાજનું મોટું યોગદાન છે. આદિવાસી વીરોએ અંગ્રેજોના નાકમાં દમ લાવી દીધો હતો. આઝાદીના લડવૈયાઓએ જે જનતાનું સપનું જોયું હતું, તે કોંગ્રેસના વર્ષોના શાસનમાં અધૂરું રહ્યું, પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એ સપનાઓને વાસ્તવિકતામાં બદલી બતાવ્યા છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ રાહુલ ગાંધી અને વિરોધ પક્ષો પર નિશાન સાધતા કહ્યું કે, વિદેશની ધરતી પર જઈને અનામતનો વિરોધ કરનારા લોકો ચૂંટણી આવતા જ ‘યુ-ટર્ન’ લે છે. તેમની નીતિ ‘અભી બોલ અભી ફેંક’ જેવી છે, પણ ગુજરાતનો આદિવાસી સમાજ હવે જાગૃત અને મજબૂત છે, તે કોઈની વાતોમાં આવવાનો નથી. વિરોધીઓને આજે ચૂંટણી લડવા માટે ઉમેદવારો મળતા નથી, અને જે મળ્યા છે તેઓ જનતાનો ભાજપ તરફી જુસ્સો જોઈને મેદાન છોડી રહ્યા છે.
આદિવાસી વિસ્તારોમાં આવેલા પરિવર્તનની વિગતો આપતા શ્રી સંઘવીએ ઉમેર્યું કે, આજે આદિવાસી અને શ્રમિકોના દીકરા-દીકરીઓ મોટા અધિકારીઓ બની રહ્યા છે કારણ કે મોદી સરકારમાં શિક્ષણની સુવિધાઓમાં અભૂતપૂર્વ વધારો થયો છે. તેમણે કહ્યું કે પંચમહાલ જિલ્લામાં ટૂંક સમયમાં અત્યાધુનિક ‘સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ’ ખુલ્લું મૂકવામાં આવશે, જેનાથી પ્રમીલાબેન બારિયા અને અમિતાબેન રાઠવા જેવી અનેક પ્રતિભાઓ રમતગમત ક્ષેત્રે દેશનું નામ રોશન કરશે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ચૂંટણી એ ગુજરાતની જનતાની, સંયુક્ત કુટુંબની ભાવનાની અને ગુજરાતના હિતની જીત હશે. તેમણે સૌ નાગરિકોને વિકાસની આ યાત્રામાં સહભાગી થવા અને ભાજપને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહ્વાન કર્યું હતું.
આ પ્રંસગે પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ શ્રી ગણપતભાઈ વસાવા, જિલ્લા પ્રભારી શ્રી હર્ષદભાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મંયકભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

