(જી.એન.એસ) તા. 10
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકોને સરકાર સાથે જોડીને ‘સ્વચ્છતાથી સેમિકન્ડક્ટર’ સુધીના દરેક ક્ષેત્રોમાં વિકાસની ઊંચાઈઓ સર કરી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વિકાસ ફક્ત નગરો કે મોટા શહેરો સુધી જ ન રહે અને દરેક ગામ, દરેક પ્રદેશના લોકો તેના સહભાગી થાય અને વિકાસ તેમના સુધી પણ પહોંચે તેવા વડાપ્રધાનશ્રીના વિઝનથી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું રાજ્યમાં આયોજન થયું છે.
મુખ્યમંત્રીશ્રી મહેસાણા જિલ્લાના ખેરવાની ગણપત યુનિવર્સિટી પરિસરમાં યોજાયેલી ઉત્તર ગુજરાત પ્રદેશની દ્વિ-દિવસિય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના સમાપન અવસરે અધ્યક્ષીય સંબોધન કરી રહ્યા હતા.
તેમણે “વેલ બિગન ઇઝ હાફ ડન” ઉક્તિનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીએ ગ્લોબલ વિલેજ અને વોકલ ફોર લોકલનો જે વિચાર આપ્યો તેને પ્રથમ રિજનલ કોન્ફરન્સની આ સફળતાએ બળ આપ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉત્તર ગુજરાતની આ રિજનલ કોન્ફરન્સની ફલશ્રુતિ આપતા જણાવ્યું કે, બે દિવસમાં 21 ક્ષેત્રોમાં રોકાણ માટેના 1212 એમ.ઓ.યુ. દ્વારા સંભવિત 3.24 લાખ કરોડના રોકાણો ઉત્તર ગુજરાતમાં આવનારા સમયમાં આવશે અને પ્રદેશના વિકાસને નવી ગતિ મળશે.
તેમણે આ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની આવી અપ્રતિમ સફળતાનો સંપૂર્ણ શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સતત માર્ગદર્શનને આપ્યો હતો. એટલું જ નહીં પાર્ટનર કન્ટ્રીઝ, કોન્ફરન્સમાં જોડાયેલા દેશ-વિદેશના ડેલિગેટ્સ તથા કેન્દ્ર સરકારના મંત્રીઓ અને ટીમ ગુજરાતના કર્મયોગીઓને પણ તેમણે આ સફળતાના હક્કદાર ગણાવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે, વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં અત્યાર સુધીમાં 10 વાઇબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ સફળતાથી પાર પાડીને દરેક સમિટ નવી ઉર્જા, નવા રોજગાર અવસર અને નવા રોકાણો આપણને મળ્યા છે. હવે પ્રાદેશિક વાઇબ્રન્ટ કોન્ફરન્સનો પ્રયોગ વધુ વિસ્તૃત અને પ્રાસંગિક બન્યો છે. ઉત્તર ગુજરાતની આ પ્રથમ રિજનલ કોન્ફરન્સની સફળતા દર્શાવે છે કે રાજ્યમાં વિકાસ ‘ગામથી ગ્લોબલ’ની દિશામાં અવિરત આગળ વધી રહ્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ 2003માં વાઇબ્રન્ટ સમિટના વિચારને તત્કાલીન સમયે પડકારો વચ્ચે સાકાર કરીને વાઇબ્રન્ટ સમિટને ઉત્તરોત્તર સિદ્ધિઓ અપાવી તેની પણ વિસ્તૃત છણાવટ કરી હતી.
તેમણે આ દ્વિ દિવસિય કોન્ફરન્સમાં યોજાયેલા ચર્ચા સત્રો, સેમિનાર્સ, પ્રેઝન્ટેશન અને એમ.ઓ.યુ. રિજનલ ડેવલપમેન્ટનો નવો અધ્યાય રચાશે તેવો દૃઢ વિશ્વાસ દર્શાવ્યો હતો અને આગામી સમયમાં યોજાનારી અન્ય પ્રદેશોની રિજનલ કોન્ફરન્સમાં પણ લોકોની સક્રિયતાની અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૨૦૦૩માં વાઇબ્રન્ટ સમિટ યોજીને જે દૂરંદેશી દાખવી હતી, તે ફળીભૂત થઈ છે. તેમના આ મોડેલથી પ્રેરાઈને આજે અન્ય રાજ્યો પણ આવી ઇવેન્ટ્સનું આયોજન કરી રહ્યા છે. કોરોનાકાળના પડકારો છતાં વાઇબ્રન્ટની યાત્રા અવિરત રહી છે. હવે ગુજરાતના ચાર રિજિયન પૈકી નોર્થ ગુજરાતથી રિજનલ વાઇબ્રન્ટનો પ્રારંભ થયો છે. મને ખાતરી છે કે નોર્થ ગુજરાત સમગ્ર રાજ્યનું શ્રેષ્ઠ રિજિયન બની રહેશે.”
આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે, “રાજ્યના દરેક ક્ષેત્રને વિકાસમાં સહભાગી બનાવવાના ઉમદા ઉદ્દેશ સાથે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. આ પ્રથમ કડીમાં બે દિવસ સુધી લઘુ, મધ્યમ અને મેગા ઉદ્યોગગૃહો તેમજ સ્ટેકહોલ્ડર્સ સાથે ગુણવત્તા, સ્કિલ ડેવલપમેન્ટ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચાઓ અને MOU થયા છે.”
શ્રી રાજપૂતે ઉમેર્યું કે, “વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના નાનામાં નાના માણસની ચિંતા કરે છે. યુદ્ધ, ટેરિફ અને ઔદ્યોગિક સ્પર્ધાના સમયમાં પણ GST રિફોર્મ અને ₹૧૨ લાખ સુધીની આવક પર ઇન્કમટેક્સમાં છૂટ જેવા નિર્ણયો દ્વારા તેઓ ‘વિકસિત ભારત @૨૦૪૭’ના નિર્માણ માટે દેશને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ સિંગલ વિન્ડો સિસ્ટમ અને ઉદ્યોગલક્ષી નીતિઓના પરિણામે ‘ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ’નું શ્રેષ્ઠ વાતાવરણ નિર્માણ થયું છે.
ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્માએ જણાવ્યું કે, “રિજનલ વાઇબ્રન્ટ સમિટ રાજ્યના સમાન અને સંતુલિત વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ કોન્ફરન્સથી પ્રાદેશિક સ્તરે ઉદ્યોગો વચ્ચે પરસ્પર ભાગીદારી, નેટવર્કિંગ અને વિચારોનું આદાન-પ્રદાન શક્ય બન્યું છે, જેનાથી ઉદ્યોગ અને રોજગારના નવા ક્ષેત્રોને ઉભરવાની તક મળશે.”
ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપે બે દિવસીય કોન્ફરન્સની સફળતાનો ચિતાર આપતાં જણાવ્યું કે, “આ સમિટમાં ૩૪ જેટલી વિદેશી કંપનીઓએ ભાગ લીધો છે. ૧૭૦થી વધુ સ્ટાર્ટઅપ્સ પણ જોડાયા છે. નાના અને મોટા તમામ પ્રકારના ઉદ્યોગપતિઓ સહભાગી બન્યા છે. ૮૦થી વધુ દેશોની ભાગીદારી સાથે આ સમિટ વૈશ્વિક બની છે. કૃષિ સેમિનારમાં જાપાન, વિયેતનામ, દક્ષિણ કોરિયા અને નેધરલેન્ડ જેવા દેશોએ ભાગીદારી નોંધાવી છે. દેશ-વિદેશના મળીને કુલ ૨૯,૦૦૦ જેટલા રજિસ્ટ્રેશન થયા હતા, જેમાં ૪૪૦થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સહભાગી થયા હતા.”
મહેન્દ્રા એગ્રીના CEO શ્રી અશોક શર્મા તથા વેલસ્પન ગ્રુપના CEO શ્રી કપિલ મહેશ્વરીએ રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સના આયોજનને બિરદાવતા ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસ માટેની ઇકોસિસ્ટમની પ્રશંસા કરી હતી. તેમણે ખાસ કરીને પોટેટો ફૂડ પ્રોસેસિંગ અને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ગુજરાતની પ્રગતિ અંગે હકારાત્મક પ્રતિભાવો આપ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય સચિવશ્રી પંકજ જોષી, અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસ, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી અંજુ શર્મા, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એસ.જે.હૈદર, ગણપત યુનિવર્સીટીના પ્રમુખ ગણપતભાઇ પટેલ, મહિન્દ્રાના સીઇઓ શ્રી દેવીન્દર સિંઘ સહિત ઉદ્યોગ જગતના અગ્રણીઓ, શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓ અને ઔધોગિક એસોશિયેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા

