હેડીંગ- મૃતક ફરઝાના રાધનપુરીનો DNA પરિવારના સભ્યો સાથે થયો મેચ
(જી.એન.એસ) તા. ૮
અમદાવાદ,
શહેરના વટવા વિસ્તારમાં આવેલ કુતુબનગરમાં 34 વર્ષ જૂના સનસનાટીભર્યા મર્ડર કેસનો ભેદ આખરે ઉકેલાયો છે, જેમાં શહેરની ક્રાઇમ બ્રાંચે બાતમી આધારે તપાસ કરતાં કુતુબનગરના પ્લોટ નંબર 10ના એક મકાનમાંથી 20 ફૂટ ઊંડે દાટેલું માનવ કંકાલ મળ્યું હતું. જે મૃતક મહિલા ફરઝાનાનું હોવાનું જણાયું હતું. સમગ્ર મામલે પોલીસે માનવ કંકાલ ફરઝાનાનું જ છે કે કેમ તે સાબિત કરવા માટે DNAનો સહારો લીધો હતો. જ્યારે શુક્રવારે 8 મેના રોજ મૃતક મહિલાના DNA સેમ્પલ તેના જીવિત ભાઈના DNA સાથે સરખાવતા રિપોર્ટ પોઝિટિવ મેચ થયો છે. આમ, 1992 વટવા હત્યા કેસ મામલે પોલીસે વિધિવત રીતે FIR નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વટવાના 34 વર્ષ જૂના મર્ડર કેસમાં મૃતક ફરજાનાના DNA સેમ્પલ તેના ભાઈના DNA સાથે મેચ થયા છે. પોલીસની માહિતી અનુસાર, સમગ્ર કાવતરામાં સામેલ ચાર મુખ્ય આરોપીઓમાંથી બે, સાલિયા બીબી અને અબ્દુલ કરીમનું કુદરતી મૃત્યુ થયું છે, જ્યારે સમસુદ્દીન અને ઇકબાલ હાલ જીવિત છે. જ્યારે હવે FSL અને DNA રિપોર્ટ મેચ થયા છે, ત્યારે પોલીસે વિધિવત ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવાની અને આરોપીને કોર્ટમાં મજબૂત પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, મૃતક મહિલાનું નામ ફરજાના હતું અને તે મૂળ ધોળકાની હતી. 1992ની સાલમાં જ્યારે તેની ઉંમર 17-18 વર્ષની હતી ત્યારે તેના લગ્ન સુરતમાં થયા હતા, પરંતુ તે એક વર્ષની અંદર પિતાના ઘરે પરત ફરી હતી અને બાદમાં દેહવ્યાપાર તરીકે કામ કરવા લાગી હતી. તેના પરિવારના લોકો માટે તેની આ જીવનશૈલીથી આબરૂને નુકસાન થતું હોવાથી, તેમને ફરજાના ક્યાં છે અને શું કરે છે તેમાં કોઈ જ રસ નહોતો અને તેમણે ક્યારેય તેની શોધખોળ કરી નહોતી કે પોલીસમાં નોંધ કરાવી નહોતી. ફરજાના અમદાવાદ આવ્યા બાદ તેનો પરિચય સમસુદ્દીન સાથે થયો અને પછી બંનેએ લગ્ન કર્યા. પરંતુ લગ્ન પછી પણ ફરજાનાએ તેની લગ્ન પહેલાની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી અને તે સમસુદ્દીનને છોડવા પણ તૈયાર નહોતી.
ફરઝાનાની આ પ્રકારની બાબતોથી કંટાળીને સમસુદ્દીનની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ હતી, તેથી તેણે પોતાના મોટા ભાઈ ઇકબાલ, મિત્ર અબ્દુલ કરીમ અને અન્ય લોકો સાથે મળીને ફરઝાનાની હત્યાનું કાવતરું ઘડ્યું. અબ્દુલ કરીમનો સાલિયા બીબી પર નાણાકીય ઉપકાર હતો, તેથી સમસુદ્દીન અને ફરઝાના સાલિયા બીબીના ઘરે રોકાવા ગયા. અબ્દુલ કરીમ અને ઇકબાલે અગાઉથી જ ઘરમાં ખાળકુવા માટે ખાડો ખોદાવીને તૈયાર રાખ્યો હતો. રાત્રે જ્યારે ફરઝાના સૂઈ ગઈ ત્યારે બાકીના લોકોએ તેનું ગળું દબાવી હત્યા કરી દીધી અને તે ખાડામાં તેને દફનાવી દીધી. ત્યારબાદ કોઈને શંકા ન જાય તે માટે અબ્દુલ કરીમે ત્યાં પ્લાસ્ટર પણ કરાવી દીધું હતું.
આ સમગ્ર ઘટનામાં બધીજ પ્રાથમિક માહિતીની ખરાઈ કર્યા પછી, ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને FSL તેમજ મેડિકલ એક્સપર્ટની હાજરીમાં તે મકાનમાં ખોદકામ કરાવ્યું હતું. ખોદકામ દરમિયાન અમને 20 ફૂટ ઊંડેથી માનવ કંકાલ મળ્યો હતો, જેને સિવિલ હૉસ્પિટલ મોકલી આપ્યો હતો. આ કંકાલ ફરજાનાના જ છે કે કેમ તે નક્કી કરવા માટે તેના DNA લઈને તેના જીવિત ભાઈના DNA સાથે સરખામણી કરવામાં આવી હતી. જેમાં DNA રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

