(જી.એન.એસ) તા. ૨૪
બટાંગાસ,
શનિવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફિલિપાઈન્સ વાયુસેનાના બે લશ્કરી વિમાનો તાલીમ કવાયત દરમિયાન હવામાં એકબીજા સાથે અથડાયા હતા, જેમાં ઓછામાં ઓછા ચાર પાઈલટોના મોત થયા છે. આ અકસ્માત શુક્રવારે દેશના બાટાંગાસ પ્રાંતમાં આવેલા ફર્નાન્ડો એર બેઝ પર થયો હતો.
સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થયા છે, જેમાં બે વિમાનો એકબીજા સાથે અથડાઈને નીચે પડતા જોઈ શકાય છે. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
ફિલિપાઈન્સ વાયુસેના (PAF) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં બે ‘SF-260’ વિમાનો સામેલ હતા. વાયુસેનાએ વધુમાં કહ્યું કે, વિમાનો એર બેઝની સીમાની અંદર જ પડ્યા હતા અને અન્ય કોઈ જાનહાનિના અહેવાલ નથી. વાયુસેનાએ જણાવ્યું કે, હવામાં વિમાનો કેવી રીતે અથડાયા તે જાણવા માટે તપાસ કરવામાં આવશે અને તે મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ફિલિપાઈન્સ વાયુસેનાએ એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું હતું કે, “અકસ્માતના કારણો જાણવા માટે તપાસ ચાલી રહી છે. સાવચેતીના પગલા રૂપે તમામ ‘SF-260’ વિમાનોને હાલ પૂરતા ઉડાન ભરતા અટકાવી દેવામાં આવ્યા છે (ગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે).” જોકે, નિવેદનમાં જીવ ગુમાવનારા ચાર પાઈલટોના નામ આપવામાં આવ્યા નથી.
આ નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, “ફિલિપાઈન્સ વાયુસેના અમારા શહીદ પાઈલટોની સેવા અને બલિદાનને નમન કરે છે. અમે તેમના શોકતુર પરિવારો સાથે સંપર્કમાં છીએ અને તેમને જરૂરી મદદ પૂરી પાડી રહ્યા છીએ. પરિવારોની વિનંતીને માન આપીને, અમે જનતાને અપીલ કરીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં તેમના ખાનગી જીવન (પ્રાઈવસી)નું સન્માન કરવામાં આવે.”

