Home ગુજરાત દસ મિનિટ દેશ માટે, લોકસભા ચૂંટણીમાં મતદાન માટેઃ અચૂક મતદાન માટે મુખ્ય...

દસ મિનિટ દેશ માટે, લોકસભા ચૂંટણીમાં મતદાન માટેઃ અચૂક મતદાન માટે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી દ્વારા મતદારોને આહ્વાન

26
0

દેશના સર્વાંગી વિકાસ અને લોકતંત્રની સમૃદ્ધિ માટે મતદાનમાં ભાગ લેવો એ પ્રત્યેક નાગરિકની નૈતિક ફરજ છેઃ રાજ્યપાલશ્રી

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં 14 મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ગૌરવભેર ઉજવણી સંપન્ન

•             મતદાર જાગૃતિ કેળવવા ભારતીય પોસ્ટ વિભાગ અને CREDAI કરશે સહયોગઃ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી સાથે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા

•             ‘મતદાન જેવું કંઈ નહીં, અમે મતદાન જરૂર કરીશું’ ની થીમ સાથે ઉજવણી: શ્રેષ્ઠ ચૂંટણી કામગીરી કરનાર અને મતદાર જાગૃતિ માટે શ્રેષ્ઠ કામ કરનાર સૌને પુરસ્કારો એનાયત કરાયા

•             03 જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ, 02 અધિક/નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ, 03 મતદાર નોંધણી અધિકારીશ્રીઓ, 01 મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રી, 13 બુથ લેવલ ઑફિસર્સ, સ્પેશ્યલ કેટેગરીમાં 03 તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીના 05 અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા

•             યુથ વોટર ફેસ્ટિવલ-2023ના 08 તથા ડિજીટલ કન્ટેન્ટ કૉમ્પિટીશનના 05 વિજેતા સ્પર્ધકોને પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા

(જી.એન.એસ),તા.૨૫

ગાંધીનગર,

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગર ખાતે યોજાયેલાં 14 માં રાષ્ટ્રીય મતદાતા દિવસના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશના સર્વાંગી વિકાસ  અને લોકતંત્રની સમૃદ્ધિ માટે મતદાનમાં ભાગ લેવો એ પ્રત્યેક નાગરિકની નૈતિક ફરજ છે. રાજ્યપાલશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે ભારતનું લોકતંત્ર સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે સ્વતંત્ર ભારતના મતદાર એવા નાગરિકો લોકતંત્ર પ્રત્યેની પોતાની જવાબદારી પ્રમાણિકપણે નિભાવે. રાજ્યપાલશ્રીએ યુવા મતદારોની વિશેષ જવાબદારી પ્રત્યે ધ્યાન દોરતા જણાવ્યું હતું કે યુવા મતદારો માત્ર મતદાતા જ નહીં, મતદાન માટે લોકજાગૃતિના પ્રહરી બને. રાજ્યપાલ શ્રીએ જણાવ્યું હતું કે પરતંત્રતાથી મોટું કોઈ દુઃખ નથી અને સ્વતંત્રતાથી મોટું કોઈ સુખ નથી.

તેમણે આઝાદીની લડાઈમાં બલિદાન આપનારા સ્વાતંત્ર્યવીરોને શ્રદ્ધાસુમન અર્પણ કરી લોકતંત્રમાં સમજદાર મતદાતાની આવશ્યકતા પર ભાર મુકતા ઉમેર્યું હતું કે જે દેશના મતદાતા વિવેકશીલ અને સમજદાર હોય તે રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ થાય છે. રાજ્યપાલ શ્રીએ લોકશાહી દેશમાં મતની તાકાત સર્વોપરી હોવાનું પણ જણાવ્યું હતું.  રાજ્યપાલ શ્રીએ જણાવ્યું હતું કે વિશ્વનું સમૃદ્ધ લોકતંત્ર ધરાવતા ભારત દેશમાં આગામી લોકસભાની ચૂંટણી વિશ્વના નાગરિકો માટે લોકતંત્રના મહાપર્વનો સંદેશો બની રહેશે. સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે યોગ્ય લોકપ્રતિનિધિની પસંદગી માટે પાત્રતા ધરાવતા સૌ નાગરિકોને મતદાન કરવા આ તકે તેમણે અનુરોધ પણ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ચૂંટણી પ્રક્રિયામાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ સન્માનિત થનારા અધિકારી-કર્મચારીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા. 

રાષ્ટ્રીય મતદાતા દિવસને 95 કરોડ મતદાતાઓ માટે ગૌરવનો દિવસ અને સમગ્ર વિશ્વ માટે ભારતનો સંદેશ ગણાવતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત તમામ અધિકારીઓ, કર્મચારીઓ, મહેમાનો, મહાનુભાવો તથા યુવા મતદારોને રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તના શપથ લેવડાવ્યા હતા. પ્રાસંગિક વક્તવ્ય આપતાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ ગુજરાતના 4.9 કરોડ મતદારનો દિવસ છે. અદ્યતન અને ક્ષતિરહિત મતદારયાદી બનાવવા માટે વર્ષપર્યંત મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલતો રહે છે. આ પ્રક્રિયા સાથે જોડાયેલા BLOથી લઈ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓને તેમના અથાગ પરિશ્રમ માટે અભિનંદન આપું છું.  મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ આગામી લોકસભાની ચૂંટણીમાં ‘દસ મિનિટ દેશ માટે, લોકસભા ચૂંટણીમાં મતદાન માટે’ના સંકલ્પ સાથે સૌ મતદારોને પરિવાર સાથે અચૂક મતદાન કરવા આહ્વાન આપ્યું હતું.

‘No Voter to be left behind’ સુત્રને ચરિતાર્થ કરવા રાજ્યના મતદારોને સહયોગ માટે અપીલ કરતાં મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ પાત્રતા ધરાવતા મતદારોને મતદારયાદીમાં નામ નોંધાવવા, મતદારયાદીમાં પોતાનું અને પોતાના પરિવારનું નામ ચકાસવા તથા મતદારયાદીમાં નોંધાયેલા તમામ મતદારોને અવશ્ય મતદાન કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ ઈલેક્ટોરલ બેસ્ટ પ્રેક્ટીસીઝ, યુથ વોટર ફેસ્ટિવલ-2023 તથા ડિજીટલ કન્ટેન્ટ કૉમ્પિટીશનમાં વિજેતા થનાર તમામને અભિનંદન પણ પાઠવ્યા હતા. રાજ્યના વિવિધ વર્ગના મતદારોમાં પોતાના મતાધિકાર અંગે જાગૃતિ કેળવાય તે માટે રાજ્યપાલશ્રી પ્રેરક ઉપસ્થિતિમાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી દ્વારા ભારતીય પોસ્ટ વિભાગના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ શ્રી ગણેશ સાલ્વેશ્કર તથા કન્ફેડરેશન ઑફ રિયલ ઍસ્ટેટ ડેવલપર્સ ઍસોશિએશન ઑફ ઈન્ડિયા (CREDAI)ના પ્રમુખ શ્રી દિપક પટેલ સાથે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ચૂંટણી પ્રક્રિયામાં નિષ્ઠાપૂર્વક અને સમર્પિતપણે કામગીરી બદલ જિલ્લા ચૂંટણી તંત્ર અને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીના અધિકારીઓ – કર્મચારીઓને પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં 03 જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ, 02 અધિક/નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ, 03 મતદાર નોંધણી અધિકારીશ્રીઓ, 01 મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રી, 13 બુથ લેવલ ઑફિસર્સ, સ્પેશ્યલ કેટેગરીમાં 03 તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીના 05 અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.  આ ઉપરાંત યુથ વોટર ફેસ્ટિવલ-2023માં વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થનાર 08 સ્પર્ધકો તથા ડિજીટલ કન્ટેન્ટ કૉમ્પિટીશનની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થનાર 05 સ્પર્ધકોને પણ પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. 

રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી નિમિત્તે ભારતના ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી રાજીવ કુમારનો વિડીયો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ભારતની લોકશાહીના મહિમાગાન સમુ ‘હું ભારત છું’ ગીત પ્રસારિત કરવામાં આવ્યું હતું. ભારતના ચૂંટણી પંચના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી એ.કે. જોતિની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સચિવ શ્રી કે. કે. નિરાલા, ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી હિતેષ કોયા, સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી એ.બી. પટેલ તથા શ્રી પંકજ પંચાલ સહિત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી તથા જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીશ્રીઓ -કર્મચારીશ્રીઓ, કેમ્પસ એમ્બેસેડર્સ તથા મોટી સંખ્યામાં યુવા મતદારો ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમનો કોરોના પોઝિટિવ ખેલાડીએ વેસ્ટ ઈન્ડિઝની વિકેટ પડતા સેલિબ્રેશન અદ્ભુત સ્ટાઈલથી કર્યું
Next articleગાંધીનગર સેકટર ૭ ખાતે ‘વિશ્વ મતદાતા દિવસ’ નિમિતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી “નમો નવ મતદાતા સંમેલન” યોજાયું