આ બિલ પર ચર્ચા માટે આઠ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો
(જી.એન.એસ) તા. 2
નવી દિલ્હી,
આજે (2, એપ્રિલ 2025) ને બુધવારના રોજ વક્ફ સંશોધન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવશે. બિલ પર ચર્ચા માટે 12 કલાકના સમયની માંગ કરવામાં આવી હતી, જોકે છેવટે ચર્ચા માટે આઠ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. પ્રશ્નકાળ બાદ બિલ પર ચર્ચા શરૂ થશે. ચર્ચા બાદ આવતીકાલે જ બિલ પસાર કરવા અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે.
નોંધનીય છે કે અગાઉ વક્ફ બિલ તૈયાર કરવામાં આવ્યું હતું બાદમાં તેને વિસ્તૃત ચર્ચા માટે JPCમાં મોકલવામાં આવ્યું હતું. JPCમાં પક્ષ અને વિપક્ષના નેતાઓની ચર્ચા બાદ બિલમાં સુધારા વધારા કરવા માટે ભલામણ કરવામાં આવી હતી. જે બાદ કેન્દ્રીય કેબિનેટ દ્વારા નવા બિલને મંજૂરી આપવામાં આવી હતી.
વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકારના વક્ફ સંશોધન બિલનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ NDAનો દાવો છે કે ભાજપના તમામ સાથી પક્ષો પણ બિલને સમર્થન આપશે. જોકે નીતિશ કુમાર અને ચિરાગ પાસવાને સસ્પેન્સ વધારી દીધું છે. બંને નેતાઓના પક્ષે હજુ સુધી બિલને સમર્થન આપવાની સત્તાવાર જાહેરાત કરી નથી.

