દર વર્ષે દેશમાં અંદાજીત એક લાખ સ્ત્રીઓ ગુમાવે છે જીવ; શરૂઆતના તબક્કામાં લક્ષણો વગર પાંગરતા સ્તન કેન્સરને ઓળખવા સ્ક્રીનિંગ જ એકમાત્ર ઉપાય
ડૉક્ટરના રેફરન્સ વગર સીધો પ્રવેશ અને ૨ કલાકમાં વોટ્સએપ પર રિપોર્ટ; સંકોચ છોડી તપાસ કરાવવા તબીબોની વિનંતી
સ્તન કેન્સરના સામાન્ય લક્ષણો વિશે મહિલાઓને શિક્ષિત કરવાનો અને સમયસર તપાસ માટે પ્રોત્સાહિત કરવાનો આ કેમ્પનો મુખ્ય આશય :- ડૉ. રાકેશ જોશી, તબીબી અધિક્ષક, સિવિલ હોસ્પિટલ
(જી.એન.એસ) તા. ૧
અમદાવાદ,
કેન્સર એ માત્ર એક રોગ નથી, પરંતુ સમગ્ર પરિવાર માટે માનસિક અને આર્થિક કસોટી છે. પરંતુ જો યોગ્ય સમયે અને પ્રાથમિક તબક્કામાં જ તેને ઓળખી લેવામાં આવે, તો તેનાથી રોગમુક્ત થઈ શકાય છે. આ જ ઉદ્દેશ્ય સાથે વિશ્વભરમાં ઓક્ટોબર માસને ‘બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ’ (પીંક ઓક્ટોબર) તરીકે ઉજવવામાં આવે છે. આ ઝુંબેશના ભાગરૂપે અમદાવાદ સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગ દ્વારા સમગ્ર ઓક્ટોબર માસ દરમિયાન મહિલાઓ માટે ‘નિઃશુલ્ક મેમોગ્રાફી કેમ્પ’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ભારતની સ્ત્રીઓમાં સ્તન કેન્સર અત્યંત વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. દર વર્ષે આશરે ૨ લાખ મહિલાઓ આ રોગની ચપેટમાં આવે છે અને યોગ્ય સમયે નિદાન ન થવાને કારણે આશરે ૧ લાખ સ્ત્રીઓ મૃત્યુ પામે છે. આ ચિંતાજનક આંકડાઓ વચ્ચે સિવિલ હોસ્પિટલનો આ કેમ્પ મહિલાઓ માટે સંજીવની સમાન સાબિત થશે.
વહેલું નિદાન જ બ્રેસ્ટ કેન્સર સામેનું સૌથી મોટું શસ્ત્ર
બ્રેસ્ટ કેન્સર જાગૃતિ અભિયાનના ઇતિહાસ વિષે વાત કરતા સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, “સ્તન કેન્સર અંગે જાગૃતિ વધારવાનું વિશ્વવ્યાપી અભિયાન સૌપ્રથમ ઓક્ટોબર ૧૯૮૫માં શરૂ થયું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોને સામાન્ય લક્ષણો વિશે શિક્ષિત કરવાનો અને સમયસર તપાસ માટે પ્રોત્સાહિત કરવાનો છે. સિવિલ હોસ્પિટલ હંમેશા સારવારની સાથે રોગની વહેલી ઓળખને મહત્વ આપે છે.”
રેડિયોલોજી વિભાગના વડા ડૉ. શીતલ પટેલે ઉમેર્યું હતું કે, “સ્તન કેન્સર શરૂઆતના તબક્કામાં ઘણી વખત કોઈ સ્પષ્ટ લક્ષણો કે દુખાવો આપતું નથી. પરંતુ જો પ્રાથમિક તબક્કામાં જ સ્ક્રીનિંગ દ્વારા તેને પકડી પાડવામાં આવે તો દર્દી સંપૂર્ણ સાજો થઈ શકે છે. આ કેમ્પનો મુખ્ય આશય સમયસર નિદાન કરીને કેન્સરથી થતાં મૃત્યુદરમાં ઘટાડો કરવાનો છે.”
મેમોગ્રાફી શું છે? કોણે અને શા માટે કરાવવી?
• શું છે મેમોગ્રાફી? આ સ્તનની લો-ડોઝ એક્સ-રે તપાસ છે. તેનાથી સ્તનમાં રહેલા એવા સૂક્ષ્મ ફેરફારો કે નાનામાં નાની પણ ગાંઠ ઓળખી શકાય છે, જે હાથથી સ્પર્શ કરવાથી પણ અનુભવાતી નથી. આ તપાસ માટે ભૂખ્યા પેટે રહેવાની કે કોઈ ખાસ તૈયારીની જરૂર હોતી નથી.
કઈ મહિલાઓએ ખાસ તપાસ કરાવવી?
1. ૪૦ વર્ષથી વધુ વયની મહિલાઓ માટે સ્ક્રીનિંગ મેમોગ્રાફી કરાવવી મહત્વપૂર્ણ છે.
2. ૧૮ થી ૪૦ વર્ષની મહિલાઓ, જેમને સ્તનમાં ગાંઠ, દુખાવો કે કોઈ અસામાન્ય ફેરફાર જણાય.
3. ૧૮ થી ૪૦ વર્ષની મહિલાઓ, જેમના પરિવારમાં (માતા, માસી કે નાની) કેન્સરનો ઇતિહાસ રહ્યો હોય.
સિવિલ હોસ્પિટલ ખાતે તપાસની સુવ્યવસ્થિત અને સરળ પ્રક્રિયા
દર્દીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ તંત્ર દ્વારા સરળ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે:-
1. સરળ પ્રવેશ: આ તપાસ માટે કોઈ ખાનગી કે નિષ્ણાત ડૉક્ટરના રેફરન્સની જરૂર નથી. સિવિલ હોસ્પિટલના (પીડિયાટ્રિક સિવાય) કોઈ પણ વિભાગનો કેસ પેપર ચાલશે.
2. નોંધણી અને તપાસ: મહિલાઓએ સિવિલ હોસ્પિટલના જી-૧, રેડિયોલોજી વિભાગના રૂમ નંબર-૧૯ ખાતે હાજર ડૉક્ટરને મળવાનું રહેશે. ત્યાં નોંધણી કરાવ્યા બાદ ટ્રોમા સેન્ટરના મેમોગ્રાફી રૂમમાં તપાસ કરવામાં આવશે.
3. દૈનિક ક્ષમતા: દરરોજ ૧૫ થી ૨૦ મહિલાઓની મેમોગ્રાફી કરવામાં આવશે. જો દર્દીઓની સંખ્યા વધશે તો આગામી દિવસ માટેનો સમય (એપોઇન્ટમેન્ટ) આપવામાં આવશે. જરૂર જણાયે સાથે સોનોગ્રાફી પણ મફત કરી આપવામાં આવશે.
4. ડિજિટલ રિપોર્ટ સુવિધા: તપાસ પૂરી થયાના માત્ર ૨ કલાકની અંદર રૂમ નં. ૧૯ માંથી રિપોર્ટ મેળવી શકાશે. આ ઉપરાંત દર્દીઓને WhatsApp ના માધ્યમથી સીધો મોબાઈલ પર રિપોર્ટ મેળવવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ છે.
ડોક્ટર્સની ખાસ અપીલ: સંકોચ છોડો, સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનો
“બ્રેસ્ટ કેન્સરમાં વહેલું નિદાન અત્યંત મહત્વનું છે. શરૂઆતના તબક્કામાં લક્ષણો દેખાતા ન હોવાથી યોગ્ય વયે સ્ક્રીનિંગ કરાવવું જ સમજદારી છે. પીંક ઓક્ટોબર નિમિત્તે મહિલાઓને અપીલ છે કે તેઓ કોઈપણ જાતના સંકોચ વિના આગળ આવે અને તપાસ કરાવે.”
— ડૉ. શીતલ પટેલ (વડા, રેડિયોલોજી વિભાગ)
“બ્રેસ્ટ કેન્સર સામેની લડાઈમાં વહેલી તપાસ એ જ જાગૃતિનું સૌથી મોટું પગલું છે. આ ઓક્ટોબરમાં તમારા અને તમારા પરિવારની દરેક મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો અને આ નિઃશુલ્ક કેમ્પનો મહત્તમ લાભ લો.”
— ડૉ. રાકેશ જોશી (મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ, સિવિલ હોસ્પિટલ)
કેમ્પ સંબંધિત મહત્વની વિગતો:-
• સ્થળ: જી-૧, રૂમ નં. ૧૯, રેડિયોલોજી વિભાગ, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ.
• સમય: સમગ્ર ઓક્ટોબર માસ દરમિયાન (સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી)
• સંપર્ક નંબર: ૦૭૯-૨૨૬૮૩૭૨૧

