(જી.એન.એસ) તા. ૨૮
ગાંધીનગર,
રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય તેમ જ વાહકજન્ય રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય વિભાગ જહેમત ઉઠાવી રહ્યો છે. રાજ્યમાં ૧૫ જૂનથી આજ દિન સુધીમાં ૧૭ હજારથી વધુ મેડિકલ અને પેરા-મેડિકલ ટીમો વિવિધ જિલ્લાઓમાં કાર્યરત છે. આ સમયગાળા દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ૪,૬૫૫ મેડિકલ કેમ્પ દ્વારા ૧.૨૦ લાખથી વધુ દર્દીઓની આરોગ્યની તપાસ કરવામાં આવી અને જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી હતી.
ચોમાસા અને રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પીવાના પાણીની શુદ્ધતા ચકાસવા માટે કુલ ૬.૯૧ લાખથી વધુ પાણીના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં અસરકારક રીતે આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ૪૭૭ મેડિકલ અને પેરા-મેડિકલ ટીમો દ્વારા ૧૨,૯૭૨ દર્દીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી છે.
આ ઉપરાંત, પાણીની શુદ્ધતા માટે ૭૩,૮૫૮ વોટર સેમ્પલનું ટેસ્ટિંગ અને ૫.૪૬ લાખથી વધુ ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરાયું છે. આ ઉપરાંત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા ૧૨.૮૫ લાખથી વધુ ક્લોરીન ટેબ્લેટ્સ અને ૩.૧૧ લાખથી વધુ ORS પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં ૧,૮૮૦ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૩૭,૯૪૩ દર્દીઓની સઘન આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી છે.
આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ચોમાસા દરમિયાન રોગચાળાથી બચવા માટે ઉકાળેલું અથવા ક્લોરીનયુક્ત શુદ્ધ પાણી પીવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, આરોગ્ય વિષયક કોઈ પણ તકલીફ કે લક્ષણો જણાય તો તુરંત નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) અથવા સરકારી મેડિકલ કેમ્પનો સંપર્ક કરવા જણાવાયું છે.

