DEO દ્વારા આનંદ નિકેતન સ્કૂલને નોટિસ ફટકારી માંગવામાં આવ્યો ખુલાસો
(જી.એન.એસ) તા. ૧૧
અમદાવાદ,
શહેરના શીલજ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલમાં બાળકને આપવામાં આવેલા ભોજનમાંથી કાચનો ટુકડો નીકળ્યાનો ગંભીર આરોપ સામે આવતાં વાલીઓએ શાળા પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો.
વાલીના દાવા મુજબ, શાળામાં બાળકને પીરસાયેલા ભોજનમાંથી કાચનો ટુકડો મળી આવ્યો હતો. ત્યારબાદ બાળકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતાં, તબીબી રિપોર્ટ કરાવવા માટે કાચનો ટુકડો માગવામાં આવ્યો હતો. વાલીનો આક્ષેપ છે કે, શાળા પ્રશાસને કાચનો ટુકડો આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.
આ ઉપરાંત, સમગ્ર ઘટના અંગે રજૂઆત કરવા ગયેલા વાલીઓ સાથે શાળાના શિક્ષકોએ અયોગ્ય વર્તન કર્યું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ઘટનાને પગલે વાલીઓ દ્વારા કરવામાં આવેલા હંગામાને ધ્યાને લઈ આખરે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
હજુ તો એક વિવાદ શાંત થયો નથી ને ત્યાં જ વધુ એક ગંભીર મુદ્દો સામે આવતાં વાલીઓનો રોષ બેવડાયો છે. વધુમાં વાલીઓએ શાળા પર ગંભીર આક્ષેપો કર્યા છે કે, છેલ્લા એક મહિનાથી શાળામાં સવારની સર્વધર્મ પ્રાર્થના બંધ કરી દેવામાં આવી છે.

આટલું જ નહીં, વિદ્યાર્થીઓને તેમની ઉંમર માટે અયોગ્ય ગણાતા “મલાલા” અને “ફાસીઝમ” સંબંધિત પુસ્તકો વાંચવા માટે આપવામાં આવી રહ્યા છે, જેને વાલીઓ બાળકોના “બ્રેઇનવોશિંગ” નો પ્રયાસ ગણી રહ્યા છે.
મોટા પ્રમાણમાં વાલીઓએ શાળાની આ મનમાની સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે, તેમના બાળકોને કયા પુસ્તકો વાંચવા તે નક્કી કરવાનો અધિકાર શાળાને નહીં પરંતુ વાલીઓને છે. આ મામલે અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) એ આનંદ નિકેતન સ્કૂલને કારણદર્શક નોટિસ ફટકારી છે.
વાલીઓ દ્વારા શાળાનું લાયસન્સ રદ કરવાની માગ
આમાં પૂછવામાં આવ્યું છે કે, પ્રાર્થના કેમ બંધ કરાઈ અને કયા પુસ્તકો વંચાવવામાં આવી રહ્યા છે? બજરંગ દળ અને NSUI જેવા સંગઠનોએ પણ શાળાના કૃત્યોની નિંદા કરી છે અને જો રાષ્ટ્રગાન તથા પ્રાર્થના ફરી શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ સિવાય શાળાનું લાઈસન્સ રદ કરવાની પણ માંગ કરી છે.

