(જી.એન.એસ) તા. ૨૨
ગાંધીનગર,
ગાંધીનગર ખાતે કાઠી દરબાર એજ્યુકેશન ટ્રસ્ટના ‘કાઠિયાવાડ ભવન’નું લોકાર્પણ તેમજ દાતાશ્રી કૃતજ્ઞતા સમારોહ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાવામાં આવ્યો હતો. આ ભવન નિર્માણમાં યોગદાન આપનાર તમામ દાતાશ્રીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના મંત્રને દોહરાવતાં કહ્યું કે, શિક્ષણ એ માત્ર વ્યક્તિગત પરિવર્તનનું સાધન નથી, પરંતુ સમગ્ર સમાજ અને રાષ્ટ્ર નિર્માણનું શક્તિશાળી માધ્યમ છે.
શહેરોમાં રહીને અભ્યાસ કરતા યુવાઓને અભ્યાસ સાથે આવાસની સુવિધા આપવા માટે વિવિધ સમાજોના ભવનો સરકારના પ્રયાસોમાં પૂરક બનીને સમાજના સહયોગથી વિકાસને વધુ વ્યાપક બનાવે છે એમ તેમણે ઉમેર્યુ હતું.
IAS, IPS, GPSC કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને યોગ્ય માર્ગદર્શન, અભ્યાસલક્ષી વાતાવરણ, લાઈબ્રેરી અને આવાસની શ્રેષ્ઠ સુવિધાઓ કાઠી સમાજના આ ભવન થકી મળશે એનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ભારત-૨૦૪૭ની નિર્માતા એવી યુવાશક્તિના ભવિષ્યને કેન્દ્રમાં રાખીને કાઠી દરબાર એજ્યુકેશન ટ્રસ્ટના ભગીરથ પ્રયાસ બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, કાઠિયાવાડની ધરતી ધર્મ, ભક્તિ અને શૌર્યની સમૃદ્ધ પરંપરાનો વારસો ધરાવે છે.
જોગીદાસ ખુમાણ જેવા વીર પુરુષો, દાન મહારાજ વિસામણ બાપુ જેવા પૂજ્ય સંતો અને આલા ખાચર જેવા મહાન ભક્તોએ સમાજને શૌર્ય, સેવા, ત્યાગ અને સંસ્કારનો માર્ગ બતાવ્યો છે. કાઠી સમાજે પોતાની ગૌરવશાળી પરંપરાને જાળવી રાખીને શિક્ષણ, જ્ઞાન, કૌશલ્ય અને આધુનિક વિચારધારા દ્વારા સમાજને નવી ઊંચાઈઓએ લઈ જવાનો સંકલ્પ કર્યો છે તે સરાહનીય છે.
મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના સંકલ્પમાં કાઠી સમાજને સહભાગી બની પર્યાવરણ સંરક્ષણ માટે ‘એક પેડ મા કે નામ’, ‘વોકલ ફોર લોકલ’ અને ‘સ્વચ્છતા’ જેવા અભિયાનોમાં યોગદાન આપવા આહવાન કર્યુ હતું.
આ લોકાર્પણ સમારોહમાં સાંસદ શ્રી પરષોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, શ્રી મહેશભાઈ કસવાલા, કિસાન મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી બાબુભાઈ જેબલિયા, ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન શ્રી સત્યજીત કુમાર, જૂનાગઢ ગૌરક્ષનાથ આશ્રમના મહંત શ્રી શેરનાથ બાપુ, પાળિયાદના મહંત શ્રી ગેબીનાથ બાપુ સહિત પૂજ્ય સંતો, શહેર સંગઠન પ્રમુખ શ્રી આશિષભાઈ દવે, પ્રદેશ મિડિયા કન્વીનર શ્રી પ્રશાંતભાઈ વાળા તેમજ સર્વ દાતાશ્રીઓ સહિત વિશાળ સંખ્યામાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

