(જી.એન.એસ) તા. ૨૨
નવી દિલ્હી,
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે ભારતના વિધિ પંચ દ્વારા આયોજિત ‘સહકારી સંઘવાદ અને કાયદાકીય સુધારા: રાષ્ટ્રીય અને રાજ્ય પરિપ્રેક્ષ્ય’ વિષય પરની પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું.
સભાને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ભારતની સૌથી મોટી તાકાત તેની વિવિધતામાં એકતામાં રહેલી છે, જેમાં બંધારણ સંઘની તાકાતને રાજ્યોની જવાબદારીઓ અને વાજબી સ્વાયત્તતા સાથે સંતુલિત કરવા માટેનું માળખું પૂરું પાડે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય સંઘવાદની સાચી તાકાત સમાન રાષ્ટ્રીય ઉદ્દેશ્યો તરફ કામ કરવાની સાથે વિવિધતાનો આદર કરવામાં રહેલી છે.
સહકારી અને સ્પર્ધાત્મક સંઘવાદના મહત્વ પર પ્રકાશ પાડતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ‘ટીમ ઈન્ડિયા’નું વિઝન કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વિમર્શ, સંકલન અને સહિયારી જવાબદારીની હિમાયત કરે છે. તેમણે નોંધ્યું હતું કે વ્યાપક જાહેર હિતમાં સાથે મળીને કામ કરવામાં રાજકીય મતભેદો ક્યારેય આડે આવવા જોઈએ નહીં.

વિકસિત ભારત @2047 હાંસલ કરવામાં કાયદાકીય સુધારાઓના મહત્વ પર ભાર મૂકતા શ્રી સી. પી. રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે વિકાસને સુદ્રઢ કાયદાઓ, પારદર્શક સંસ્થાઓ, કાર્યક્ષમ વહીવટ અને સૌના માટે ન્યાય દ્વારા સમર્થન મળવું જોઈએ.
ઉપરાષ્ટ્રપતિએ ભારતના કાયદાકીય માળખાને આધુનિક બનાવવા તરફના મોટા પગલા તરીકે છેલ્લા બાર વર્ષમાં ગુલામીના યુગના ત્રણ ગુનાહિત કાયદાઓને બદલવા અને 1,700 થી વધુ જૂના અપ્રસ્તુત કાયદાઓને રદ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જીવનની સરળતા અને કાર્યક્ષમ સુશાસનને પ્રોત્સાહન આપવા માટે જૂના કાયદાઓની ઓળખ કરવા અને તેમાં સુધારા કરવા અથવા તેને રદ કરવાની ભલામણ કરવા માટે રાજ્યના વિધિ પંચોને આગ્રહ કર્યો હતો.
કાયદાકીય સુધારામાં સહકારી સંઘવાદનો અર્થ દરેક બાબતમાં એકરૂપતા નથી એ વાત પર ભાર મૂકતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યોએ તેમની બંધારણીય જવાબદારીઓ જ્યાં એકરૂપ થતી હોય ત્યાં સાથે મળીને કામ કરવું જોઈએ, જ્યારે રાજ્યોની તેમની વિશિષ્ટ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટેની યોગ્ય જગ્યા જાળવી રાખવી જોઈએ. તેમણે આંતર-રાજ્ય પરામર્શ, ઉત્કૃષ્ટ પદ્ધતિઓના આદાનપ્રદાન અને જૂના કાયદાઓની પદ્ધતિસરની સમીક્ષા દ્વારા ભારતના વિધિ પંચ, રાજ્ય વિધિ પંચો અને રાજ્યના કાયદા વિભાગો વચ્ચે વધુ મજબૂત સંકલનનું આહ્વાન કર્યું હતું.
ન્યાયી સત્તા અને નૈતિક શાસનના પ્રતીક તરીકે સંસદમાં સ્થાપિત સેંગોલનો ઉલ્લેખ કરીને, શ્રી સી. પી. રાધાકૃષ્ણને સુશાસન અને કાયદાના શાસનના પાલન અંગે તમિલ સંત-કવિ તિરુવલ્લુવરના શાશ્વત જ્ઞાનને યાદ કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે માત્ર સત્તાના ઉપયોગને બદલે સુશાસન એ જ કાયમી સફળતા અને સમૃદ્ધિનો પાયો છે.
ઉપરાષ્ટ્રપતિએ આશા વ્યક્ત કરી હતી કે આ પરિષદ એક સુસંગત, પ્રતિભાવશીલ અને નાગરિક-કેન્દ્રી કાયદાકીય માળખા તરફના નક્કર અને અમલયોગ્ય ભલામણો રજૂ કરશે.
આ પ્રસંગે કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભારી) શ્રી અર્જુન રામ મેઘવાલ; ભારતના વિધિ પંચના અધ્યક્ષ જસ્ટિસ દિનેશ માહેશ્વરી; ભારતના વિધિ પંચના સભ્ય સચિવ ડૉ. અંજુ રાઠી રાણા; અને ભારતના વિધિ પંચના સભ્ય પ્રો. ડી. પી. વર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

