(જી.એન.એસ) તા. ૬
ગુજરાતમાંથી ચોમાસાની વિદાય બાદ હવે હવામાનમાં ધીમે ધીમે ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હાલ નૈઋત્યથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે દિવસ દરમિયાન ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે.
રાજ્યમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય બાદ આકાશ સ્વચ્છ બનતાં દિવસ દરમિયાન ગરમીમાં વધારો થયો છે. હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે સમગ્ર ગુજરાતમાં કોઈ વ્યાપક વરસાદી સિસ્ટમ કે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી નથી.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ચોમાસાની વિદાય બાદ વરસાદની શક્યતા ઊભી થતાં સ્થાનિક સ્તરે હવામાનમાં અચાનક પલટો જોવા મળી શકે છે. કેટલાક સ્થળોએ વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. જોકે મોટા ભાગના રાજ્યમાં શુષ્ક વાતાવરણ જળવાઈ રહેવાની શક્યતા છે.
અમદાવાદમાં પણ દિવસ દરમિયાન બફારા અને ગરમીનો અનુભવ ચાલુ રહેશે. શહેરનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. સવાર અને રાત્રિના સમયે વાતાવરણમાં થોડો ફેરફાર અનુભવાઈ શકે છે, પરંતુ બપોરના સમયે ગરમીનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે.
હાલની હવામાન સ્થિતિમાં રાજ્યના અલગ અલગ ભાગોમાં બે પ્રકારનું વાતાવરણ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદની શક્યતા છે, જ્યારે કેટલાક ભાગમાં ગરમીનું પ્રમાણ યથાવત રહી શકે છે. આ કારણે ઓક્ટોબરની શરૂઆતમાં જ ગુજરાતીઓને એક તરફ વરસાદી માહોલ તો બીજી તરફ ગરમીનો અનુભવ થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નૈઋત્ય ચોમાસાની વિદાયની રેખા હવે સુપૌલ, રાંચી, રાયપુર, બ્રહ્મપુરી, પરભણી, બારામતી અને હરનાઈમાંથી પસાર થઈ રહી છે. ચોમાસું દેશના વધુ કેટલાક ભાગોમાંથી પાછું ખેંચાઈ રહ્યું છે. આ ઉપરાંત મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફિયરિક સ્તરે પશ્ચિમી પવનોમાં ટ્રફ સ્વરૂપે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. તેની ધરી સમુદ્ર ઉપર વિસ્તરેલી છે. જોકે તેની અસર ગુજરાતના હવામાન પર વરસાદના રૂપમાં મોટી જોવા મળે તેવી શક્યતા નથી.

