(જી.એન.એસ) તા. ૬
જામનગર,
જામનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે નશાના કાળા કારોબારને નાબુદ કરવામાં એક મોટી સફળતા હાંસલ કરી છે જેમાં, નાઘેડી જીઆઇડીસી વિસ્તારમાંથી સ્ટેટ મોનીટરીં સેલ (SMC)ની પોલીસે રેડ કરી હતી. પ્લાસ્ટિકના દાણાની આડમાં ટ્રકમાં સંતાડીને લાવવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનું કટિંગ ચાલતું હતું ત્યારે જ SMCની ટીમે દરોડા પાડી 37 લાખથી વધુની કિંમતનો દારુ સહિત કૂલ 1.37 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે સ્થળ પરથી 2 આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે અન્ય 7 શખ્સો સામે ગુનો નોધાવામાં આવ્યો છે.
બીજા રાજ્યમાંથી ટ્રકમાં પ્લાસ્ટિકના દાણાની બેગની પાછળ દારૂનો જંગી જથ્થો છુપાવીને જામનગર લાવવામાં આવ્યો હતો. નાઘેડી નજીક અવાવરુ જગ્યામાં ટ્રકમાંથી દારૂ ઉતારી અન્ય નાના વાહનોમાં ટ્રાન્સફર (કટિંગ) કરવામાં આવતો હતો. ચોક્કસ બાતમીના આધારે SMCની ટીમે અચાનક ત્રાટકીને આરોપી દીપક ઉર્ફે અટાપટુ જેઠવાણી અને યુવરાજસિંહ ચુડાસમાને ઝડપી લીધા હતા. પૂછપરછમાં ખુલ્યું હતું કે આ દારૂનો જથ્થો નાઘેડીના મુખ્ય આરોપી રામ ઉર્ફે રામકો જીવા મોઢવાડિયાએ મંગાવ્યો હતો.
પોલીસના દરોડા દરમિયાન મુખ્ય આરોપી રામ મોઢવાડિયા, તેનો ભાઈ કાના મોઢવાડિયા, ઈરફાન કાટેલીયા, જિગ્નેશ ઉર્ફે જીગો ખિચડા, ટ્રક ડ્રાઈવર અસ્પાક (હરિયાણા) અને ક્લીનર રાહુલ રઝાક (રાજસ્થાન) સહિતના શખ્સો વાહનો મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
આ રેડ દરમિયાન પોલીસની ટીમે કબજે કરેલ કુલ મુદ્દામાલ (રૂ. 1,37,58,491):-
- રૂ. 37.21 લાખ: દારૂની કુલ 10,409 નાની-મોટી બોટલો
- રૂ. 65.24 લાખ: પ્લાસ્ટિકના દાણાના 24 બોક્સ
- રૂ. 20.00 લાખ: ટાટા કંપનીનો બંધ બોડીનો ટ્રક
- રૂ. 14.00 લાખ: બે અશોક લેલેન્ડ બડા દોસ્ત વાહનો (પ્રત્યેક રૂ. 7 લાખ)
- બે એક્સેસ ટુ-વ્હીલર, 4 મોબાઈલ ફોન અને રૂ. 12,030 રોકડ
સાથેજ આ કેસમાં પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આ આંતરરાજ્ય નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

