(જી.એન.એસ) તા. ૧
અમદાવાદ,
શહેરના રામોલ વિસ્તારમાં એક ચિંતાજનક ઘટના બનવા પામી હતી જેમાં, સ્કૂલ જતી સગીરાને રસ્તામાં આંતરીને હેરાન કરતા એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આરોપી સમીર શેખ પર આરોપ છે કે, તે સગીરાનો પીછો કરતો હતો, તેને રસ્તામાં રોકતો હતો અને મોબાઈલ નંબર આપીને પરાણે વાતચીત કરવા માટે દબાણ કરતો હતો.
આ બાબતે રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ. આર. ચૌધરીના જણાવ્યા અનુસાર, ફરિયાદ અને પ્રાથમિક તપાસના આધારે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વધુમાં પોલીસ ઇન્સ્પેકટરે કહ્યું હતું કે, ભોગ બનનારી દીકરી જ્યારે સ્કૂલે જતી હતી, ત્યારે 21 વર્ષીય આરોપી છેલ્લા ચાર-પાંચ દિવસથી સગીરાનો પીછો કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સગીરાને પરાણે પોતાનો નંબર આપીને વાતચીત દ્વારા સંપર્ક જાળવી રાખવા માટે દબાણ કરતો હતો.
આ સમગ્ર ઘટના મામલે રામોલ પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની સતત હેરાનગતિથી કંટાળીને સગીરાએ પોતાની માતા-પિતાને સ્થિતિથી અવગત કર્યા હતા. સગીરાની માતા-પિતાએ સગીરા સ્કૂલે જતી અને પરત આવતી ત્યારે કોણ પીછો કરે છે તેના પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. પોલીસના કહેવા મુજબ, સ્કૂલથી છૂટતી વખતે સગીરાએ પોતાની માતાને તે યુવક બતાવ્યો હતો. બાદમાં માતાએ કહ્યું હતું કે, તું આગળ ચાલ અમે તપાસીએ છીએ કે, આ યુવક પીછો કરે છે કે નહીં. બાદમાં આરોપીએ સગીરાનો પીછો કર્યો હતો, ત્યારે દીકરીના પિતા અને કાકાએ 112ને કોલ કરીને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે આરોપી સમીર શેખની ધરપકડ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આરોપી સમીર શેખ છેલ્લા છ મહિનાથી બ્લિન્કીટના ગોડાઉનમાં ડિલિવરી બોય તરીકે કામ કરે છે. પોલીસની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, આરોપી સમીર શેખ પોતે પરિણીત હોવા છતાં સગીરાનો પીછો કરીને તેને સતત પરેશાન કરતો હતો.
રામોલ પોલીસે હાલ આરોપી સમીર શેખ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને POCSOની કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને સગીરાનો પીછો કરવા પાછળના હેતુ સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

