(જી.એન.એસ) તા. ૧૫
ખેડા,
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે વિદેશી દારૂ કાંડ કેસમાં ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હાર્દિક શર્મા અને હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગત 17મી તારીખે ગાંધીનગર વિજિલન્સ અને SMC ટીમ દ્વારા ડાકોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા સીમલજ ગામ ખાતે ફિલ્મી ઢબે રેડ કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂથી ભરેલી ગાડીઓનો પીછો કરી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ ઘટના મામલે મળતી માહિતી મુજબ, વિજિલન્સ ટીમ ગાડીઓનો પીછો કરતી હતી ત્યારે દારૂ ભરેલી ગાડીના ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને ગાડી સીમલજ ગામની પ્રાથમિક શાળામાં ઘુસાડી દીધી હતી. ત્યારબાદ SMC દ્વારા એક સ્વિફ્ટ કાર અને એક ઈકો ગાડીમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, પકડાયેલો વિદેશી દારૂ સીમલજ ગામમાં રહેતા બુટલેગર મહેશ વાઘેલાનો હોવાનું માનવામાં આવે છે. આ સમગ્ર મામલે બાતમી મેળવવામાં નિષ્ફળતા અને કામગીરીમાં બેદરકારી સામે આવતા રાજ્યના DGP દ્વારા ડી-સ્ટાફના હેડ કોન્સ્ટેબલ હાર્દિક શર્મા તેમજ બીટ જમાદાર કિશોરસિંહ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

