૦૫ જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નડિયાદ માહિતી ભવન ખાતે રાજ્યના સૌપ્રથમ પત્રકાર વનનુ લોકાર્પણ કરાયું
રાજ્ય મંત્રીશ્રી, ઉચ્ચ પદાધિકારીશ્રી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓશ્રી અને અગ્રણી પત્રકારોએ પત્રકાર વનમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો આપ્યો સંદેશો
(જી.એન.એસ) તા. ૫
નડિયાદ,
ખેડા જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે ૦૫ જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક પેડ મા કે નામ ૩.૦ અંતર્ગત નડિયાદ માહિતી ભવન ખાતે રાજ્યના પ્રથમ પત્રકાર વનનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં રાજ્ય મંત્રીશ્રી, ઉચ્ચ પદાધિકારીશ્રી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓશ્રી અને અગ્રણી પત્રકારો દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંવર્ધનનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો.
મહેસુલ પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહિડા, નડિયાદ શહેર મેયર શ્રી મનીષ પટેલ, નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, ખેડા જિલ્લા કલેકટર શ્રી એન.વી ઉપાધ્યાય, મહાનગરપાલિકા કમિશનર શ્રી કિરણ ઝવેરી, નાયબ વન સંરક્ષક શ્રી અભિષેક સામરીયા, નિવાસી અધિક કલેકટર શ્રી જે.બી. દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરાગભાઇ, વડોદરા ઝોન સંયુક્ત માહિતી નિયામક શ્રી હેતલ દવે સહિતના મહાનુભાવોએ આ કાર્યક્રમમાં જોડાઈને પત્રકારો સાથે વૃક્ષારોપણ કર્યું હતું.

પત્રકારત્વ એ લોકશાહીનું ચોથું સ્તંભ ગણાય છે ત્યારે ખેડા જિલ્લાના પત્રકારોએ પોતાના સામાજીક દાયિત્વને બખૂબી અદા કરતા જિલ્લા માહિતી કચેરી ખાતે વૃક્ષારોપણ કરી સમગ્ર દેશના મીડિયાકર્મીઓને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરણા પૂરી પાડી હતી.
આ વૃક્ષારોપણમાં લીંબડો, બોરસલી, પેથોડીયા, પેલ્ટો, રેન્ટ્રી, ટર્મીનેલીયા, કાયેજીલીયા, બંગાળી બદામ, ખાલી બદામ, વડ, પીપળ, કપોક, અરીઠા, આસોપાલવ અને ચંપા સહિતના કુલ ૨૧૧ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાયબ માહિતી નિયામક શ્રી માનસી દેસાઈએ જણાવ્યું હતું કે, પ્રકૃતિ અને પત્રકારત્વ એક જ છે. પ્રકૃતિ શુધ્ધ હવા આપે છે. અને પત્રકારત્વ શુદ્ધ વિચાર આપે છે. એટલે પત્રકારોની કલમને સન્માન આપવા માટે આજે આપણે પત્રકારોને પ્રકૃતિ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. આ પત્રકાર વનની જાળવણી અને માવજત માટે વિશેષ તૈયારીઓ કરીને આ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે ખેડા જિલ્લાના તમામ લોકોને પણ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણી માટે તેમણે અપીલ કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા માહિતી કચેરી, નડિયાદ, ફોરેસ્ટ વિભાગ, ૨૮ એનસીસી બટાલિયન અને નડિયાદ મહાનગરપાલિકાના કર્મયોગીઓ દ્વારા શ્રમદાન કરી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ૨૮ એનસીસી બટાલિયનના સી.ઓ શ્રી અજીતકુમાર ઝાલાના સહયોગથી એનસીસીના કેડેટ્સ દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે ખેડા જિલ્લાના પીઢ પત્રકાર શ્રી દક્ષેશ બ્રહ્મભટ્ટે પત્રકાર વનની સરાહનીય કામગીરી બદલ જિલ્લા માહિતી કચેરી, વન વિભાગ અને સમગ્ર જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં પત્રકારોએ આગેવાની લઈ ઉમદા કાર્યો કરવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં ૨૮ એનસીસી બટાલિયનના સી.ઓ શ્રી અજીતકુમાર ઝાલા, વડોદરા ઝોન સંયુક્ત માહિતી નિયામક શ્રી હેતલ દવે, ખેડા નાયબ માહિતી નિયામક શ્રી માનસીબેન દેસાઈ, ના.કા.ઈ શ્રી સુશીલભાઈ, માહિતી કચેરી નડિયાદ, ફોરેસ્ટ વિભાગ અને એનસીસીના કર્મચારીઓ, એનસીસી કેડેટ અને મોટી સંખ્યામાં જિલ્લામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

