ગુજરાતના રિજનલ સાયન્સ સૅન્ટર બન્યાં વૈજ્ઞાનિક ચેતનાના કેન્દ્ર
પાટણ, ભૂજ, ભાવનગર અને રાજકોટ રિજનલ સાયન્સ સૅન્ટરની નાગરિકોમાં વૈજ્ઞાનિક અભિરૂચિ કેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા
(જી.એન.એસ) તા. ૫
ભુજ/ભાવનગર,
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એન.ડી.એ. સરકારે ૧૨ વર્ષ પૂર્ણ કર્યા. આ ૧૨ વર્ષમાં ગુજરાતે વિજ્ઞાન અને ટૅકનોલોજીક્ષેત્ર નવી ઉંચાઈઓ આંબી છે. રાજ્યમાં છેલ્લા ૧૨ વર્ષમાં વિજ્ઞાના પ્રસાર અને જનમાનસમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસિત કરવા માટે ૪ જેટલા રિજનલ સાયન્સ સૅન્ટરની સ્થાપના કરવામાં આવી છે, જેની ૨૫.૬૪ લાખથી વધુ વિજ્ઞાનપ્રેમીઓએ મુલાકાત લીધી છે.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી – GUJCOST દ્વારા રાજ્યમાં શરૂ કરવામાં આવેલા રિજનલ સાયન્સ સૅન્ટર જાણે મુલાકાતીઓ માટે જીવંત-પ્રયોગશાળા બની રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં પાટણ, સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર અને કચ્છમાં શરૂ થયેલા રિજનલ સાયન્સ સૅન્ટર વિવિધ પ્રદેશના નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિજ્ઞાનપ્રેમીઓની જિજ્ઞાસાને સંતોષી રહ્યા છે.
રિજનલ સાયન્સ સૅન્ટર, પાટણ: ઉત્તર ગુજરાતમાં વૈજ્ઞાનિક ક્રાંતિનું એપીસેન્ટર

ગુજરાતનાં સ્થાપના દિવસ તા. ૧ મે નિમિત્તે વર્ષ ૨૦૨૨ના રોજ પાટણ સાયન્સ સૅન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઉત્તર ગુજરાતના ગ્રામીણ અને શહેરી વિસ્તારોના નાગરિકોમાં આ કેન્દ્રએ અનોખું આકર્ષણ જમાવ્યું છે. ઉત્તર ગુજરાતમાં શિક્ષણના કેન્દ્ર તરીકે ઓળખાતા પાટણ ખાતે આવેલા સાયન્સ સૅન્ટરની અત્યાર સુધીમાં અંદાજે ૧૪.૮૬ લાખથી વધુ વિજ્ઞાનપ્રેમીઓએ મુલાકાત લીધી. આ રિજનલ સૅન્ટરે ૨૭૦૦થી વધુ શાળાઓને સાંકળી ૭ લાખથી વધુ વિદ્યાર્થી-નાગરિકોને વિજ્ઞાન-અભિમુખ બનાવવામાં ચાવીરૂપ ભૂમીકા ભજવી છે. નોંધપાત્ર બાબત એ છે કે, આ સૅન્ટરે વિજ્ઞાન ગ્રામ સભા જેવી પહેલ થકી ગ્રામીણ ક્ષેત્રોમાં મહિલાઓ, ખેડૂતો અને દિવ્યાંગો માટે વિશેષ કાર્યક્રમ આયોજિત કરી વિજ્ઞાનને સર્વસમાવેશક બનાવ્યું છે. આ સૅન્ટર અંગે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતા એન.એચ.એમ, ગાંધીનગરના તત્કાલિન મિશન ડાયરેક્ટર શ્રી જે.સી.પંડયા કહે છે: “પાટણ રિજનલ સાયન્સ સૅન્ટર તેની અદભૂત માહિતીપ્રદ ગેલેરી થકી વિજ્ઞાનપ્રેમીઓને ઉત્તમ અનુભવ આપી રહ્યું છે.”
વર્ષ ૨૦૨૫માં નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ વિજેતા આ સૅન્ટરમાં ૨૦૦ કિલોવોટનો સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવામાં કરી ટકાઉ વિકાસ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરી છે.

પાટણ રિજનલ સાયન્સ સૅન્ટર – બન્યું વિજ્ઞાનનું ઉદ્દીપક
• ૮૯૦થી વધુ વર્કશોપ
• ૫૭૯ વૈજ્ઞાનિક વ્યાખ્યાન-માળા
• ૧,૯૦૦થી વધુ વિજ્ઞાન-શો
• ડીએનએ, રોબોટિકસ્, હાઈડ્રોપોનિક્સ, મેટાટ્રોનિક્સના હેન્ડ્સઓન અભ્યાસક્રમ
ભૂજ રિજનલ સાયન્સ સૅન્ટર – સરહદ સુધી પહોંચી વિજ્ઞાનની જ્યોત
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે તા. ૨૮ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ લોકાર્પણ થયું. ભુજીયા ડુંગરની તળેટીમાં વસેલું આ કેન્દ્રની મુલાકાત ૧,૧૦૦થી વધુ શાળાઓના ૧.૩૭ લાખથી વધુ વિદ્યાર્થીઓ લઈ ચૂક્યા છે. આજદિન સુધી અંદાજે ૨.૫૭ લાખથી વધુ દેશ-વિદેશના નાગરિકોએ મુલાકાત લીધી છે, જેમાં નાઈજેરિયા, ઓસ્ટ્રેલિયા, યુકે, યુએસએ અને સાઉદી અરેબિયા જેવા દેશોના પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે.
અહી ૬ અદભુત ગેલેરીઓ, ૩D મૂવી, મરીન અને સબમરીન સિમ્યુલેટર આવેલું છે. આ સૅન્ટર બાળકો માટે પણ પ્રવૃત્તિઓ ચલાવે છે. અહીં સમર વર્કશોપમાં ૨,૫૦૦થી વધુ બાળકોને ફન વિથ ફિઝિક્સ, એસ્ટ્રોનોમી, મેન્ટલ મેથ્સ અને ઓરિગામીનો પરિચય કેળવવાની તક પૂરી પાડવામાં આવી. તા. ૨૫ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ અહિયાં ભારતની સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જ્યાં ૨૪ ઈંચ ટેલિસ્કોપ દ્વારા અત્યાર સુધીમાં ૩,૫૦૦થી વધુ નાગરિકોએ અવકાશના રહસ્યોનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો છે.
રિજનલ સાયન્સ સૅન્ટર, ભાવનગર: સૌરાષ્ટ્રમાં અનુભવ આધારિત શિક્ષણનું ગ્રીન મોડલ
તા. ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ ભાવનગર ખાતે શરૂ થયેલું રિજનલ સાયન્સ સૅન્ટર ૨૦ એકરમાં વિસ્તરેલું છે. અત્યાર સુધી અંદાજે ૨.૯૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ-નાગરિકો આ સૅન્ટરની મુલાકાત લઈ ચૂક્યા છે. અહીં મરીન, ઑટોમૉબાઈલ, બાયોલૉજી, ઇલેક્ટ્રો-મિકેનિક્સ અને નોબેલ પ્રાઈઝની થીમ પર આધારિત પાંચ ગેલેરીઓ ઉપલબ્ધ છે. વિજ્ઞાનપ્રેમી શ્રી પરેશ.આર.સરવૈયાના મતે અહીં વિવિધ ગેલેરીની જાળવણી ખૂબ સરસ રીતે કરવામાં આવે છે અને સ્ટાફ પણ સારૂ માર્ગદર્શન આપે છે.
આ ગેલેરીઓમાં ૯D વર્ચ્યુઅલ રિયાલિટી સિમ્યુલેટર, વિશાળ એક્વેરિયમ, પીઝો ઇલેક્ટ્રિક ફ્લોર અને ઇન્ટરેક્ટિવ પઝલ ઝોન આવેલા છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ને અનુરૂપ STEM, AI, રોબોટિક્સ અને શિક્ષક-તાલીમ આપતું આ કેન્દ્ર ૧૦૦ kW સોલાર પ્લાન્ટ અને ‘ઝીરો વોટર વેસ્ટ’ સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ગ્રીન કેમ્પસનું બિરુદ પ્રાપ્ત કરી ચૂક્યું છે.
રાજકોટ રિજિનલ સાયન્સ સેન્ટર: ઈનોવેશન અને ફ્યુચરિસ્ટિક ટેક્નોલોજીનું હબ
તા. ૧૯ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ લોકાર્પણ કરવામાં આવેલા રાજકોટ રિજનલ સૅન્ટર હાઉ સ્ટફ વર્ક્સ, રોબોટિક્સ, મશીન એન્જિનિયરિંગ, ગ્લાસ એન્ડ સિરામિક, નોબેલ પ્રાઈઝ અને લાઈફ સાયન્સ જેવી ૬ થીમ આધારિત ગેલેરી ધરાવે છે. લગભગ ૧.૬૭ લાખથી વધુ વિદ્યાર્થીઓએ અને અંદાજે ૩.૬૪ લાખથી વધુ મુલાકાતીઓ અહીં વિજ્ઞાન-જગતના રહસ્યો જાણ્યા-માણ્યા છે. કેમ્પસ ખાતે ઓગમેન્ટેડ રિયાલિટી(AR), વર્ચ્યુઅલ રિયાલિટી(VR), હોલોગ્રામ અને સિમ્યુલેશન ઝોન દ્વારા બાળકોને ડ્રોન ટેક્નોલોજી અને STEM વર્કશોપ જેવી નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજીનું શિક્ષણ આપવામાં આવે છે.
આમ,વડાપ્રધાનશ્રીના ૧૨ વર્ષના રાષ્ટ્રીય નેતૃત્વની સફર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વમાં ગુજરાત જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં નિરંતર પ્રગતિ કરી રહ્યું છે.

