મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા સીધું મોનિટરિંગ; પ્રિવેન્ટિવ પગલાં તરીકે અસરગ્રસ્ત ૧૦ કિમી વિસ્તારમાં ‘ડીટીકિંગ’ કામગીરી તેજ
(જી.એન.એસ) તા. ૨૯
ગાંધીનગર/ગીર સોમનાથ,
ગીર સેન્ચ્યુરીની બહાર આવેલા રેવેન્યુ વિસ્તાર, ખાસ કરીને ગીરગઢડા તાલુકા અને અમરેલીના બાબરીયા વિસ્તારમાં બાળસિંહોના શંકાસ્પદ મૃત્યુને પગલે રાજ્યના વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે. વન વિભાગ અને અનુભવી વેટરનરી ડોક્ટરોની ટીમો દ્વારા સ્થળ પર સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. છેલ્લા બે દિવસમાં આ પ્રકારની એક પણ નવી ઘટના ધ્યાને આવી નથી, તેમ વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું.
વન મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, પ્રાથમિક ધારણા મુજબ બાળસિંહોના આ શંકાસ્પદ મોત ‘બેબિસીયોસિસ’ નામના વાયરસથી થયા હોવાની આશંકા છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વન વિભાગ દ્વારા મૃતક બાળસિંહોના સેમ્પલ લઈને તાત્કાલિક ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર-GBRC ખાતે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આગામી ૩ થી ૪ દિવસમાં આવી જશે. આ ઉપરાંત જૂનાગઢ વેટરનરી કોલેજના નિષ્ણાત ડોક્ટરોની ટીમ પણ જોડાયેલી છે. અસરગ્રસ્ત વિસ્તારના ૧૦ કિલોમીટરના વિસ્તારમાં રહેતા સિંહોને આઇસોલેટ કરવામાં આવ્યા છે. ઈતરડી નામના જંતુથી ફેલાતા આ રોગને રોકવા માટે ગીર અને તેની બહારના વિસ્તારોમાં મોટા પાયે ‘ડીટીકિંગ’-ઈતરડી નાશક પ્રિવેન્ટિવ કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.
છેલ્લા એક અઠવાડિયાનો મૃત્યુઆંક અને સ્થિતિ વિશે મંત્રીશ્રીએ જણાવ્યું કે, છેલ્લા એક અઠવાડિયામાં ૦૮ બાળસિંહોના શંકાસ્પદ દુ:ખદ મૃત્યુ થયા છે. જો કે, મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.
મંત્રી શ્રી મોઢવાડીયાએ ઉમેર્યું હતું કે, આ સમગ્ર ઘટના અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમનું કાર્યાલય જાતે સીધી દેખરેખ રાખી રહ્યું છે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી કાર્યાલય-PMO પણ આ ઘટના પર સતત નજર રાખીને રાજ્ય સરકારને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી રહ્યું છે. વધુમાં, જ્યાં પણ જરૂર જણાય ત્યાં નિયમબદ્ધ રીતે પ્રિવેન્ટિવ વેક્સિનેશન સહિતના તમામ આગોતરા પગલાં લેવાઈ રહ્યા છે, તેમ વન મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આમ, વન મંત્રીશ્રીએ ગુજરાતના નાગરિકો અને પ્રકૃતિપ્રેમીઓને આશ્વાસ્થ કર્યા છે કે એશિયાટીક સિંહોના સંવર્ધન અને સુરક્ષા માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે અને હાલ ચિંતાજનક કોઈ સ્થિતિ નથી.

