તળાવના વિકાસ, જળ સંચય અને રક્ષણથી આસપાસના વિસ્તારોના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે: આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
(જી.એન.એસ) તા. ૨૮
સુરત,
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા સુરત જિલ્લાના નાગરિકોની સુખાકારી માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત જિલ્લાના પુણા તાલુકાના મોજે. પાસોદરાના બ્લોક નં. ૨૪૬ માં આવેલી ૧૭,૮૧૪ ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતી સરકારી તળાવની જમીનને લોકઉપયોગી બનાવી, તેનો સર્વાંગી વિકાસ કરવા માટે સુરત મહાનગરપાલિકાને જમીન સોંપવાની મંજૂરી આપવામાં આવી છે.
આ નિર્ણય અંગે હર્ષ અને આનંદની લાગણી વ્યક્ત કરતા રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર સ્થાનિક સ્તરે નાગરિકોની સુવિધાઓ વધારવા માટે કટિબદ્ધ છે. પાસોદરાના આ તળાવનો ‘સ્માર્ટ પ્રોજેક્ટ’ તરીકે વિકાસ થવાથી સ્થાનિક નાગરિકોને કુદરતી વાતાવરણથી સભર એક સુંદર જાહેર સ્થળ મળશે. આ સાથે જ જળ સંચય ક્ષમતા વધવાથી આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળના સ્તર પણ ઊંચા આવશે તેમ આરોગ્ય રાજ્ય મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ઉમેર્યું હતું કે, આ પ્રોજેક્ટ સાકાર થતાં જ પાસોદરા અને તેની આસપાસના વિસ્તારોના પર્યાવરણમાં મોટો સકારાત્મક બદલાવ આવશે અને સ્થાનિકો માટે આ સ્થળ એક આહલાદક પર્યટન કેન્દ્ર તરીકે ઉભરી આવશે.

