(જી.એન.એસ) તા. ૨૮
ગાંધીનગર,
રાજ્યની ચાર અગત્યની ગણાતી મહાનગરપાલિકાઓ – રાજકોટ, વડોદરા, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં ભાજપ (BJP) શાસન દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા નવી ટર્મ માટે નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અન્ય મહત્વના હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
રાજકોટ-
રાજકોટ મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓની વરણીને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. શહેરના ૨૩મા મેયર તરીકે ડૉ. નેહલ શુક્લની પ્રમુખ પદ પર સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેમની પસંદગી પાછળ તેમનું ઉચ્ચ શિક્ષણ અને પક્ષ પ્રત્યેની વફાદારી મુખ્ય કારણ હોવાનું મનાય છે. આ સાથે જ ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણીની પસંદગી કરવામાં આવી છે, જેઓ મહિલા સશક્તિકરણનું પ્રતીક છે અને પાયાના કાર્યકર રહ્યા છે.
મનપાની સૌથી પાવરફુલ ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળીયાના નામની મોહર મારવામાં આવી છે. રાજકોટના બજેટ અને વિવિધ વિકાસ કાર્યોને ગતિ આપવાની મુખ્ય જવાબદારી હવે તેમના શિરે રહેશે. આ ઉપરાંત, શાસક પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણીયા અને પક્ષના દંડક તરીકે સંજયસિંહ રાણાની નિયુક્તિ કરવામાં આવી છે. આ નવી ટીમ રાજકોટ શહેરના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ અને પાણી-રોડ રસ્તાની સમસ્યાઓ ઉકેલવા કટિબદ્ધ બનશે.
ભાવનગર-
ભાવનગર મહાનગરપાલિકાને પણ આજે પોતાના નવા વડા મળી ગયા છે. ભાવનગરના તકતેશ્વર વોર્ડના લોકપ્રિય કાઉન્સિલર ઉષાબેન તલરેજાની શહેરના નવા મેયર તરીકે વરણી કરવામાં આવી છે. સામાન્ય પ્રજા સાથે સીધો સંવાદ ધરાવતા ઉષાબેનની પસંદગીને શહેરીજનોએ આવકારી છે.
ભાવનગરના ડેપ્યુટી મેયર તરીકે અશોકભાઈ બારૈયાની નિમણૂક કરવામાં આવી છે, જેઓ સંગઠન સ્તરે લાંબો અનુભવ ધરાવે છે. આ સાથે જ ભાવનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન તરીકે કિશન મહેતાની પસંદગી કરાઈ છે. આગામી સમયમાં ભાવનગરમાં ટ્રાફિક, ગટર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ઝડપથી પૂર્ણ કરવા આ નવી પાંખ સક્રિય ભૂમિકા ભજવશે.
વડોદરા-
વડોદરા મહાનગરપાલિકામાં પણ સત્તા પરિવર્તનનો નવો દોર શરૂ થયો છે. વડોદરાના નવા મેયર તરીકે ગીતાબેન મકવાણા ના નામની સત્તાવાર જાહેરાત કરાતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરાના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલ (Aditya Patel) ની નિમણૂક કરવામાં આવી છે, જેઓ યુવા અને ઉત્સાહી ચહેરો છે.
વડોદરામાં વહીવટી નાણાકીય નિર્ણયો લેતી સ્થાયી સમિતિના નવા ચેરમેન તરીકે વર્ષાબેન વ્યાસની પસંદગી કરવામાં આવી છે. વડોદરાના ઈતિહાસમાં મહિલાઓનું વર્ચસ્વ આ વખતે મજબૂત દેખાઈ રહ્યું છે, કારણ કે શાસક પક્ષના નવા નેતા તરીકે પણ શ્વેતા માછીની વરણી થઈ છે. જ્યારે કોર્પોરેશનમાં પક્ષની શિસ્ત જાળવી રાખવા માટે વિજય ચૌહાણને પક્ષના નવા દંડક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નવી બોડી વડોદરાને પૂર અને ટ્રાફિક મુક્ત બનાવવા કામ કરશે.
સુરેન્દ્રનગર-
થોડા સમય અગાઉજ મહાનગરપાલિકાનો દરજ્જો મેળવ્યા બાદ સુરેન્દ્રનગરમાં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ ભવ્ય જીત હાસિલ કરી હતી. આ જીત બાદ આજે પ્રથમ વખત મેયર અને અન્ય હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના પ્રથમ નાગરિક એટલે કે મેયર તરીકે રાકેશભાઈ રાઠોડના નામની જાહેરાત કરવામાં આવી છે.
તેમની સાથે ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલની પસંદગી કરાઈ છે. વહીવટી નિર્ણયો માટે મહત્વની એવી કારોબારી સમિતિના ચેરમેન તરીકે નિખિલભાઈ ચાંપાનેરીની વરણી કરવામાં આવી છે. મનપામાં પક્ષના શાસક નેતા તરીકે પિન્ટુબેન આસાણીયા અને દંડક તરીકે સ્વાતિબેન માંડલિયાની વરણી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના સર્વાંગી વિકાસ માટે આ નવી ટીમ ઐતિહાસિક નિર્ણયો લેશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

