(જી.એન.એસ) તા. ૧
ગાંધીનગર/સુરત,
સુરત વીજીઆરસીમાં ભાગ લેવા આવેલા સિંગાપોરના ભારત સ્થિત હાઈ કમિશનર શ્રી સિમોન વોંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વન ટુ વન બેઠક યોજી હતી.
શ્રી વોંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સિંગાપોરનું રોકાણ સતત વધ્યું છે અને સિંગાપોરે ગિફ્ટ સિટીમાં પણ નોંધપાત્ર રોકાણ કર્યું છે અને GIFT સિટી આગામી વર્ષોમાં USD-INR બોન્ડ ઇશ્યુ કરવા માટે એક હબ તરીકે ઉભરી આવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સિંગાપોરના હાઈ કમિશનરે GIFT સિટીમાં ડેટા સેન્ટર્સ સ્થાપવા સહિત નવા AI ફિનટેક અને ડેટા લોકલાઈઝેશન માટે સેન્ડબોક્સ વિકસાવવા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને સિંગાપોર ડેટા અને નાણાકીય હબ તરીકે ઉભરી રહેલા ભારત સાથે સહયોગ કરવા માટે સિંગાપોર ઉત્સુક હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પ્રણાલીના કારણે પ્રોજેક્ટ સ્થાપવામાં સરળતા રહે છે અને દેશ વિદેશના રોકાણકારો ગુજરાત તરફ આકર્ષાયા છે તેની પણ ભૂમિકા આપી હતી.
સિંગાપોર હાઈ કમિશનરશ્રીએ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીને અભિનંદન પાઠવ્યા હતાં.
આ મુલાકત વેળાએ મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુશ્રી મમતા વર્મા, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ટી. નટરાજન, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવશ્રી ડૉ. વિક્રાંત પાંડે, સચિવશ્રી ડૉ. અજય કુમાર તેમજ સિંગાપોરના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા.

