(G.N.S) 29,
ગાંધીનગર,
૧ મે – ગુજરાત સ્થાપના દિવસના પાવન અવસરે સુરતમાં ઉદ્યોગ અને વિકાસનો મહાસંગમ રચાશે: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ VGRCના માધ્યમથી મધ્ય અને દક્ષિણ ગુજરાતના ૧૬ જિલ્લાની ઔદ્યોગિક ક્ષમતાને વૈશ્વિક ફલક પર પહોંચાડાશે
રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ આગામી તા. ૧ અને ૨ મે, ૨૦૨૬ દરમિયાન સુરત ખાતે યોજાનારી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (VGRC)ના આયોજન અને તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. બેઠક બાદ પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધતા આ આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી.
પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, VGRC માત્ર એક કોન્ફરન્સ નથી, પણ સુરત સહિત સમગ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતના આર્થિક પરિવર્તન માટેનો રોડમેપ છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કોન્ફરન્સના માધ્યમથી દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ તેમજ મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, નર્મદા, પંચમહાલ અને વડોદરાને મળી કુલ ૧૬ જિલ્લાની ઔદ્યોગિક ક્ષમતાને વૈશ્વિક ફલક પર પહોંચાડવામાં આવશે.
VGRC-સુરતમાં પરંપરાગત ઉદ્યોગોની સાથે ભાવિ ઉદ્યોગો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. જેમાં, રસાયણ અને પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઈલ અને જેમ્સ-જ્વેલરી, ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ અને ફિનટેક, એરોસ્પેસ, સંરક્ષણ અને આઈટી (IT/ITeS) તથા નાના અને મધ્યમ ઉદ્યોગોને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. આ કોન્ફરન્સની સાથે પ્રાદેશિક પ્રદર્શન, વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ તથા ઇન્ટરનેશનલ રિવર્સ બાયર સેલર મીટ દ્વારા સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને સીધા વિદેશી ખરીદદારો સાથે જોડવામાં આવશે તથા વિવિધ ક્ષેત્રોની તકો અને પડકારો પર ઊંડાણપૂર્વક ચર્ચાઓ માટે સેમિનાર પણ યોજાશે. આ કોન્ફરન્સના પરિણામો અને થયેલા રોકાણોને આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રજૂ કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

