AMC દ્વારા ઈસનપુરમાં આંબા તળાવ આસપાસની જગ્યાને દબાણમુક્ત કરવામાં આવી
(જી.એન.એસ) તા. ૧૨
અમદાવાદ,
શહેરના ઈસનપુર વિસ્તારમાં ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં, આંબા તળાવ આસપાસની જગ્યાને દબાણમુક્ત કરવા માટે તલાવડી પાસે ગેરકાયદેસર રીતે બનેલા મકાન, ઝૂંપડા અને દુકાનો પર તવાઈ બોલાવવામાં આવી છે.
આ આખી કામગીરી અંતર્ગત AMC દ્વારા 200 થી વધુ ઝૂંપડા, 50 દુકાન અને 2 મકાન તોડી પાડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આ દબાણો હટાવવા માટે અગાઉ અનેક નોટિસ આપવામાં આવી હતી. અનેક નોટિસ આપવા છતાં પણ મકાન અને દુકાનો ખાલી ન કરવામાં આવતા આખરે AMC દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
AMCની આ ડિમોલિશન કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ મેગા ડિમોલિશનના કારણે 26 હજાર ચોરસ મીટરથી પણ વધુ જગ્યા ખુલ્લી કરાવવામાં આવશે.

