(જી.એન.એસ) તા. ૧૦
અમદાવાદ,
કેન્દ્રીય કેબિનેટ દ્વારા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2Aને મંજૂરી આપી દેવામાં આવી છે જેથી હવે અમદાવાદ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ સીધું મેટ્રો કનેક્ટિવિટી સાથે જોડાઈ જશે, જેનાથી સ્થાનિક મુસાફરો તેમજ વિદેશથી આવતા પ્રવાસીઓને મોટી રાહત મળશે.
આ બાબતેમળતી માહિતી અનુસાર, આ નવો મેટ્રો કોરિડોર કોટેશ્વરથી શરૂ થઈને સીધો ઍરપૉર્ટ સુધી પહોંચશે. 6 કિલોમીટર લાંબા આ આખા રૂટ પર મુસાફરોની સુવિધા માટે 5 નવા સ્ટેશનો બનાવવામાં આવશે. જેમાં આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી, સરદાર નગર અને ઍરપૉર્ટ સમાવેશ થાય છે.
આ પ્રોજેક્ટના આયોજનમાં 4 એલિવેટેડ (જમીનથી ઉપર) સ્ટેશનો બનાવવામાં આવશે, જ્યારે ઍરપૉર્ટની સુરક્ષા અને ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને 1 અન્ડરગ્રાઉન્ડ (જમીનની અંદર) સ્ટેશન તૈયાર કરવામાં આવશે. આગામી 4 વર્ષની અંદર આ ફેઝની કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ કરી લેવામાં આવશે. નોંધનીય છેકે, આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થતાંની સાથે જ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનું મેટ્રો રેલ નેટવર્ક વિસ્તરીને કુલ 77.63 કિલોમીટરનું થઈ જશે.

