રાજ્યપાલશ્રીની અમદાવાદથી કુરુક્ષેત્ર સુધી ટ્રેનમાં મુસાફરી, લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી પણ રેલવે યાત્રામાં જોડાયા
(જી.એન.એસ) તા. ૧૩
અમદાવાદ,
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ‘આર્થિક આત્મરક્ષા’ નો મંત્ર આપતા સાત અપીલો કરી હતી, જેને ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખરા અર્થમાં ચરિતાર્થ કરી છે. રાજ્યપાલશ્રીએ રાજ્યના પ્રવાસો માટે હેલિકોપ્ટર કે હવાઈ મુસાફરીને બદલે ટ્રેન, એસ.ટી. બસ અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.
રાજ્યપાલશ્રીએ કુરુક્ષેત્ર જવા માટે આજે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી નવી દિલ્હી સુધી ટ્રેન દ્વારા મુસાફરી માટે પ્રસ્થાન કર્યું હતું. ટ્રેન ઉપડવાના નિર્ધારિત સમય પહેલા રાજ્યપાલશ્રી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી સાબરમતી રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. રાજ્યના પ્રથમ નાગરિકને સામાન્ય મુસાફરની જેમ રેલવે સ્ટેશન પર જોઈને અન્ય મુસાફરો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રેલવેના ઉચ્ચ અધિકારીઓએ રાજ્યપાલશ્રી અને લેડી ગવર્નરનું સ્વાગત કર્યું હતું. આ અવસરે રાજ્યપાલશ્રીએ સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલા વિકાસ કાર્યોનું નિરિક્ષણ પણ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદમાં પ્રધાનમંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલી સાત અપીલોને માન આપીને રાજ્યપાલશ્રીએ જાહેર કર્યું હતું કે જ્યાં સુધી પેટ્રોલિયમની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તેઓ મોંઘી હવાઈ મુસાફરી ટાળશે. રાજ્યપાલશ્રીનો આ નિર્ણય વહીવટી તંત્ર અને નાગરિકો માટે ‘રાષ્ટ્ર પ્રથમ’ અને ‘મિતવ્યયી’ જીવનશૈલીનો પ્રેરણાદાયી સંદેશ પૂરો પાડે છે.

