ભારતીય કોસ્ટગાર્ડને શેખરણપીર ટાપુ નજીકથી ચરસના 20 જેટલા બિનવારસી પેકેટ મળ્યા
(જી.એન.એસ) તા. ૮
કચ્છ,
કચ્છના દરિયાઈ સીમાડેથી બિનવારસી નશીલા પદાર્થો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ભારતીય કોસ્ટગાર્ડ (ICG) ની ટીમ જ્યારે દરિયામાં રૂટિન પેટ્રોલિંગ પર હતી, ત્યારે શેખરણપીર ટાપુ નજીકથી શંકાસ્પદ પેકેટો નજરે પડ્યા હતા. તપાસ કરતા આ પેકેટોમાંથી ચરસનો જથ્થો હોવાનું બહાર આવ્યું હતું. કોસ્ટગાર્ડે તાત્કાલિક અસરથી આ 20 પેકેટ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તે વાત પણ ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી કચ્છના અલગ-અલગ દરિયા કિનારેથી સતત આવા બિનવારસી પેકેટ મળી રહ્યા છે. સમુદ્રના મોજા સાથે તણાઈને કિનારે આવતા આ પેકેટોને કારણે સુરક્ષા એજન્સીઓમાં ચિંતા વધી છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે દરિયાઈ માર્ગે નશીલા પદાર્થોની મોટી હેરાફેરી થઈ રહી છે અથવા પકડાઈ જવાની બીકે સ્મગલરો દ્વારા આ જથ્થો દરિયામાં ફેંકી દેવામાં આવ્યો હોઈ શકે છે.
સતત મળી રહેલા ચરસના જથ્થાને પગલે કચ્છના સમગ્ર દરિયાકાંઠે સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. કોસ્ટગાર્ડ, બીએસએફ (BSF) અને મરીન પોલીસ દ્વારા સંયુક્ત રીતે પેટ્રોલિંગ તેજ કરવામાં આવ્યું છે જેથી કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખી શકાય. હાલમાં આ ડ્રગ્સ કયા દેશનું છે અને તેના તાર ક્યાં જોડાયેલા છે તે અંગે એફએસએલ (FSL) ની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે.

