(જી.એન.એસ) તા. ૮
સુરત,
શહેરના વરાછા વિસ્તારમાં આવેલ એસ.બી.આઈ બેંકમાં થયેલ લુંટ કેસમાં તપાસ દરમિયાન એક મોટી ગંભીર ઘટના બનવા પામી હતી જેમાં, ક્રાઈમ બ્રાન્ચની ટીમ જ્યારે મુખ્ય આરોપી શુભમ સિંગને લઈને હથિયાર અને બાઈક રિકવર કરવા ગઈ હતી, ત્યારે આરોપીએ પોલીસ પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ લૂંટમાં વપરાયેલું હથિયાર અને બાઈક શોધવા માટે આરોપી શુભમ સિંગને કિમના કન્યાસી ગામની સીમમાં લઈ ગઈ હતી. અહીં આરોપીએ જમીનમાં હથિયાર દાટ્યું હોવાની કબૂલાત કરી હતી. જોકે, રિકન્સ્ટ્રક્શન અને તપાસ દરમિયાન ચાલાકી વાપરી શુભમે દાટેલું હથિયાર કાઢી સીધું પોલીસ ટીમ પર ફાયરિંગ કરી દીધું હતું.
આરોપી દ્વારા અચાનક કરવામાં આવેલા ફાયરિંગથી પોલીસ સતર્ક થઈ ગઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે પોતાના બચાવમાં વળતું ફાયરિંગ કર્યું હતું, જેમાં મુખ્ય આરોપી શુભમ સિંગના પગમાં ગોળી વાગી હતી. ગોળી વાગતા જ આરોપી ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો. પોલીસે તાત્કાલિક ઘાયલ આરોપીને સારવાર માટે કિમ ખાતેની પ્રાથમિક હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
નોંધનીય છે કે, 50 લાખની લૂંટના આ કેસમાં પોલીસ તમામ પુરાવાઓ એકત્રિત કરી રહી છે. આજે હથિયાર રિકવરી સમયે બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

