પશ્ચિમ બંગાળમાં ‘દીદી નો ગઢ ધ્વસ્ત’; ભાજપનો સૂર્યોદય
(જી.એન.એસ) તા. ૪
કોલકાતા,
મમતા ગઢમાં ભાજપની ૧૮૮થી વધુ બેઠકો પર ઐતિહાસિક જીત, પશ્ચિમ બંગાળમાં 15 વર્ષના મમતા બેનર્જીના શાસનનો અંત આવ્યો છે. ભાજપે પહેલીવાર આ રાજ્યમાં સરકાર બનાવીને ઈતિહાસ રચ્યો છે. જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી બંગાળના હતા, અને તેમના જ રાજ્યમાં ભાજપની સત્તા આવવી એ પક્ષ માટે ભાવનાત્મક વિજય છે. આ જીતને કારણે આગામી દિવસોમાં રાજ્યસભામાં પણ ભાજપનું સંખ્યાબળ અને પ્રતિનિધિત્વ વધશે.
તૃણમૂલ કોંગ્રેસ (TMC) આ વખતે 100 બેઠકોનો આંકડો પણ સ્પર્શી શકી નથી. મમતા બેનર્જીનું રાજભવન પહોંચવું એ રાજ્યમાં મોટા રાજકીય ફેરફારના સંકેત આપી રહ્યું છે.
ટીએમસી સુપ્રીમો મમતા બેનરજીની ઈનસાઈડ સ્ટોરી
કોલકાતાના મધ્યમવર્ગીય બ્રાહ્મણ પરિવારમાં 5 જાન્યુઆરી, 1955માં મમતા બેનરજીનો જન્મ થયો હતો. તેઓ રાજનીતિના વિદ્યાર્થિની છે. 20 જાન્યુઆરી, 1975માં કટોકટીના સમયે 18 વર્ષીય ‘સ્ટ્રીટ ફાઇટર’ મમતા જયપ્રકાશ નારાયણની કારના બોનેટ પર કૂદી ગયા હતા. આ ઘટના બાદ દેશભરમાં તેમનું નામ પ્રચલિત થયું. આ પછી 1984માં કોંગ્રેસે મમતાને દિગ્ગજ નેતા સોમનાથ ચટર્જી સામે મેદાને ઉતાર્યા. જેમાં સોમનાથ જેવા ધુરંધરને માત આપી મમતાએ ‘જાયંટ કિલર’નો ખિતાબ પોતાના નામે કર્યો. અહીંથી મમતાના રાજકીય કરિયરની શરૂઆત થઈ.
1984ની જીત બાદ મમતાએ પાછળ વળીને નથી જોયું. બંગાળમાં વામપંથી હિંસા વિશે મમતાએ અવાજ ઉઠાવ્યો, જે સત્તાને પછાડનાર એક એવી ‘શોક ટ્રીટમેન્ટ’ હતી કે જેની કલ્પના કોઈ કરી ન હતી. આ દરમિયાન મહિલા આરક્ષણ બિલ પર ચર્ચા કરતી વખતે ગુસ્સામાં મમતાએ તત્કાલિન કેન્દ્રીય મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસનો કોલર પકડી લીધો હતો.
મમતા બેનરજીના ‘અભેદ્ય કિલ્લા’નો પાયો 2006માં સિંગુર આંદોલન દરમિયાન નંખાયો હતો. ટાટા નેનો પ્લાન્ટ માટે જમીન સંપાદનનો વિરોધ કરતા મમતાએ કોલકાતાના રસ્તાઓ પર સતત 26 દિવસ સુધી ભૂખ હડતાળ કરી હતી. તેમની બગડતી તબિયત અને ડૉકટરોની ચેતવણી છતાં તેઓ ડગમગ્યા નહીં. તેમના આ અદમ્ય સાહસે 34 વર્ષ જૂના ડાબેરી શાસનના પાયાને હચમચાવી નાખ્યા અને 2011માં તેઓ પહેલીવાર બંગાળમાં સત્તાના શિખર પર પહોંચ્યા.
ટીએમસી ફેલ થવાના મુખ્ય કારણો-
મમતાની આક્રમકતા ક્યારેક તેમની તાકાત હતી. પરંતુ આજે તે સત્તા વિરોધી લહરનું કારણ બની ગયું છે. ભ્રષ્ટાચારના આરોપ, સંદેશખાલી જેવી ઘટના અને રોજગારના મુદ્દાએ તેમની ‘રક્ષક’ વાળી છબીને ખરડી નાખી છે.
તૃણમૂળ કોંગ્રેસ માટે મોટો પડકાર ભ્રષ્ટાચારનો આરોપ છે. શિક્ષક ભરતી કૌભાંડમાં પૂર્વ મંત્રી પાર્થ ચટરજીની ધરપકડ અને તેમના નજીકના સહયોગીઓ પાસેથી કરોડો રૂપિયાની રોકડ મળવાથી પાર્ટીની છબીને ધક્કો લાગ્યો. આ ઉપરાંત, મવેશી તસ્કરી મામલામાં અનુબ્રત મંડલ અને રાશન કૌભાંડમાં જ્યોતિપ્રિય મલ્લિક જેવા કદાવર નેતાની ધરપકડથી જનતા વચ્ચે એવો સંદેશ પ્રસર્યો કે ભ્રષ્ટાચાર ગ્રાઉન્ડ સ્તરથી ફેલાયેલો છે.
ઝાલમુરી સ્ટોલનો જાદુ
ચૂંટણી પ્રચાર દરમિયાન એક રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યું હતું જ્યારે પીએમ મોદીનો કાફલો ઝારગ્રામમાં એક નાની દુકાન પાસે અચાનક રોકાયો હતો. પ્રધાનમંત્રી પોતે કારમાંથી નીચે ઉતરીને એક ઝાલમુરી સ્ટોલ પર ગયા હતા, જેને જોઈને ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પીએમ મોદીએ સામાન્ય નાગરિકની જેમ ત્યાં ઝાલમુરીનો આનંદ માણ્યો અને આ ક્ષણની તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શેર કર્યા હતા. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, રવિવારની વ્યસ્ત સભાઓ વચ્ચે ઝારગ્રામની આ મસાલેદાર ઝાલમુરીનો સ્વાદ ખરેખર યાદગાર રહ્યો.
ઝાલમુરી માત્ર એક વાનગી નથી, પરંતુ પશ્ચિમ બંગાળની સંસ્કૃતિ અને જીવનશૈલીનો એક અભિન્ન હિસ્સો છે. તે મમરા (પફ્ડ રાઇસ), મસાલા, ડુંગળી, લીલા મરચાં અને ખાસ કરીને કાચા સરસવના તેલના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે. સરસવના તેલની તીખી સુગંધ અને મસાલાનો ચટપટો સ્વાદ તેને અન્ય સ્ટ્રીટ ફૂડથી અલગ પાડે છે. ‘ઝાલ’ એટલે મસાલેદાર અને ‘મુરી’ એટલે મમરા – આ મેળવણ બંગાળના ખૂણેખૂણે લોકપ્રિય છે અને તે ખૂબ જ સસ્તું અને પૌષ્ટિક ગણાય છે.

