(G.N.S) Dt. 30
અમદાવાદ,
મહિલા અને બાળ વિકાસ વિભાગની વિભાગીય નાયબ નિયામકશ્રીની કચેરી, અમદાવાદ ઝોન દ્વારા આજે EDII, ભાટ ખાતે પોષણ સંગમ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી રાકેશ શંકર તથા કમિશનર શ્રી આઈસીડીએસ ડૉ. રણજીત કુમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ વર્કશોપ દ્વારા અમદાવાદ ઝોનમાં બાળકોના આરોગ્ય, પોષણ અને સર્વાંગી વિકાસ માટે સરકાર તથા સહયોગી સંસ્થાઓ વચ્ચે મજબૂત સમન્વય સર્જાયો હતો.
મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી રાકેશ શંકરે જણાવ્યું કે, સમગ્ર દેશમાં ગુજરાતે પોષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે ત્યારે ગુજરાત રાજ્યમાં અમદાવાદ ઝોનની સિદ્ધિઓને ઉજાગર કરી વધુ ઉત્તમ પરિણામો મેળવવા માટે નવીન અભિગમ, અસરકારક અમલીકરણ અને ટીમ વર્કના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
અમદાવાદ ઝોનના વિભાગીય નાયબ નિયામકશ્રી ઈલાબા રાણાએ ઝોન હેઠળના જિલ્લાઓ અને કોર્પોરેશન વિસ્તારોમાં બાળકોના પોષણ સ્તરને વધુ સુધારવા માટે માઇક્રો પ્લાનિંગ આધારિત કામગીરી કેવી રીતે અમલમાં મૂકવી તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે નીચલા સ્તર સુધી સુવ્યવસ્થિત આયોજન અને સતત મોનીટરીંગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ ઉપરાંત આઈસીડીએસ સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓ જેવી કે માનવ સાધના, આજીવિકા બ્યુરો, પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન અને ચેતના ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સરકાર સાથે સંકલનથી પોષણ અભિયાનને વધુ ગતિ આપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ વર્કશોપમાં અમદાવાદ ઝોન હેઠળના વિવિધ જિલ્લાઓના પ્રોગ્રામ ઓફિસર્સ, સીડીપીઓ, મુખ્ય સેવિકા તેમજ જિલ્લા એન.એન.એમ. કો-ઓર્ડીનેટરો ઉપસ્થિત રહ્યા હતા. તમામ અધિકારીઓએ પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત પોતાના કાર્યક્ષેત્રમાં કરવામાં આવેલી કામગીરી, નવી પહેલો અને પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

