(જી.એન.એસ) તા. ૨૯
પશ્ચિમ બંગાળ,તમિલનાડુ, આસામ, કેરલમ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણી માટે મતદાનના તમામ તબ્બકા પૂર્ણ થયા બાદ હવે એક્ઝિટ પોલ તારણ સામે આવવાનું શરૂ થયું છે. જે મતદાન પછી જનતાના વલણની અંદાજિત તસવીર રજૂ કરે છે. જો કે અંતિમ પરિણામો 4 મે 2026ના રોજ જાહેર કરવામાં આવશે.
પશ્ચિમ બંગાળમાં બુધવારે મતદાનના બીજા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી 88.99 ટકા મતદાન નોંધાયું હતું. જિલ્લાઓની વાત કરીએ તો હુગલીમાં 90.34%, હાવડામાં 89.44%, કોલકાતા નોર્થમાં 87.77% અને કોલકાતા સાઉથમાં 86.11% મતદાન થયું હતું. જ્યારે નાદિયામાં 90.28%, નોર્થ 24 પરગણામાં 89.74%, પૂર્વ બર્ધમાનમાં સૌથી વધુ 92.46% અને સાઉથ 24 પરગણામાં 89.57% વોટિંગ નોંધાયું હતું. મુખ્યમંત્રી મમતા બેનર્જીની બેઠક ભવાનીપુરમાં 85.51% મતદાન થયું હતું. મહત્વનું છે કે પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં 92.72 ટકા મતદાન થયું હતું.
એક્ઝિટ પોલ, મતદાન મથકોની બહાર વ્યવસ્થિત ફિલ્ડ સર્વે દ્વારા કરવામાં આવે છે, જ્યાં પ્રશિક્ષિત ટીમો નક્કી કરેલા પ્રશ્નોની મદદથી લોકોના અભિપ્રાય એકત્ર કરે છે. સેમ્પલિંગ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે જેમાં શહેરી અને ગ્રામીણ એમ બંને પ્રકારના મતદારોનો સમાવેશ થાય, જેથી દરેકનું યોગ્ય પ્રતિનિધિત્વ થઈ શકે. એકત્રિત કરવામાં આવેલા ડેટાનું પછી વિશ્લેષણ કરવામાં આવે છે, જેથી બેઠકોની સંખ્યા અને મતદાનના વલણોનો અંદાજ લગાવી શકાય. આ જ દરેક એજન્સીના અનુમાનનો આધાર બને છે.
એક્ઝિટ પોલ માત્ર અનુમાન હોય છે, અસલી પરિણામો નથી. ઘણીવાર આ અનુમાન સાચા પડે છે અને ઘણીવાર ખોટા પણ સાબિત થાય છે, તેથી અંતિમ અને અસલી પરિણામો 4 મેના રોજ મતગણતરીના દિવસે જ સ્પષ્ટ થશે. આ રીતે એક્ઝિટ પોલ લોકોને ચૂંટણી પછી એક શરૂઆતી ચિત્ર જરૂર આપે છે, પરંતુ અસલી નિર્ણય મતગણતરી પછી જ સામે આવે છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021માં કુલ 294 બેઠકો પર મતદાન થયું હતું. આ ચૂંટણીમાં મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ શાનદાર જીત મેળવી હતી. પાર્ટીએ 213 બેઠકો જીતીને સતત ત્રીજી વખત સરકાર બનાવી અને રાજ્યના રાજકારણમાં પોતાની મજબૂત પકડ બતાવી દીધી. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી (BJP) આ ચૂંટણીમાં મુખ્ય વિપક્ષી દળ તરીકે ઉભરી આવી. ભાજપે 77 બેઠકો પર જીત નોંધાવી, જે તેના માટે એક મોટી સિદ્ધિ માનવામાં આવી. ગત વર્ષ 2021માં તમામ એક્ઝિટ પોલ એજન્સીઓના આંકડા પરિણામની સરખામણીએ ખોટા પડ્યા હતા.
જો બેઠકોની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં કુલ 294 વિધાનસભા બેઠકો છે. કોઈપણ પક્ષને સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 148 બેઠકોની જરૂર હોય છે.

