(જી.એન.એસ) તા. ૨૮
અમરેલી,
મંગળવારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા, જેમાં સૌરાષ્ટ્ર પંથકમાં મોટા ઉલટફેર જોવા મળ્યા છે. અમરેલી જિલ્લાની લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પર સૌનું ધ્યાન હતું, જ્યાં જાણીતા લોકસાદિત્યકાર માયાભાઈ આહીરની દીકરી સોનલબેન ડેર મેદાનમાં હતા. ભાજપના (BJP) ઉમેદવાર સોનલબેન ડેરની આ બેઠક પર હાર થઈ છે. લોકપ્રિય કલાકારની પુત્રી હોવા છતાં મતદારોએ પરિવર્તન સ્વીકાર્યું છે અને આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે.
અમરેલીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે કોંગ્રેસના ઉમેદવાર શાંતિબેન ડેરનો ચાવંડ બેઠક પર ભવ્ય વિજય થયો છે. શાંતિબેન ડેરે આશરે 500 થી વધુ મતોના તફાવતથી જીત હાંસલ કરીને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે. લાઠી તાલુકા પંચાયતની આ બેઠક પરની હાર રાજકીય માટે ચર્ચાનો વિષય બની છે.
રાજકોટ જિલ્લામાં ભાજપ માટે વિજયના સમાચાર આવ્યા છે. લોધીકા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપે કબ્જો જમાવ્યો છે જેમાં ખુબ પ્રખ્યાત હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપભાઈ સરવૈયાનો ભવ્ય વિજય થયો છે. દિલીપભાઈ સરવૈયા 1100 થી વધુ મતોની જંગી સરસાઈથી જીતી ગયા છે. રાજકોટ જિલ્લા પંચાયતની આ બેઠક પર કેસરીયો લહેરાતા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

