(જી.એન.એસ) તા. ૨૮
રાજકોટ મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવી પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. RMC ની 72 માંથી મોટાભાગની બેઠકો અને જિલ્લા પંચાયતની 36 માંથી 34 બેઠકો જીતીને ભાજપે વિરોધીઓનો સફાયો કર્યો છે. કોંગ્રેસ અને આપ માટે આ ચૂંટણી નિરાશાજનક રહી છે, જ્યારે 11 માંથી 10 તાલુકા પંચાયતો પર ભાજપનો ભગવો લહેરાયો છે.
રાજકોટ મહાનગર પાલિકાની કુલ 72 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે ભવ્ય વિજય મેળવ્યો છે. ભાજપના વાવાઝોડા સામે કોંગ્રેસ પક્ષ માત્ર 7 બેઠકો પર સમેટાઈ ગયો છે, જે વિપક્ષ માટે મોટો ફટકો માનવામાં આવે છે. શહેરી મતદારોએ વિકાસના કામો પર મહોર લગાવીને ભાજપને ફરી એકવાર સત્તાની ધુરા સોંપી છે.
રાજકોટ જિલ્લા પંચાયતના પરિણામો પણ ભાજપ માટે ઐતિહાસિક રહ્યા છે. કુલ 36 બેઠકોમાંથી ભાજપે 34 બેઠકો પર જીત મેળવીને એકહથ્થુ શાસન સ્થાપિત કર્યું છે. આની સામે કોંગ્રેસને માત્ર 1 અને આમ આદમી પાર્ટીને પણ માત્ર 1 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે.
તેવી જ રીતે, રાજકોટ તાલુકા પંચાયત ની 22 બેઠકોમાંથી 21 બેઠકો પર ભાજપે કબજો જમાવ્યો છે, જ્યારે માત્ર 1 બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. જિલ્લાની કુલ 11 તાલુકા પંચાયતોમાંથી 10 પર ભાજપનો ભગવો લહેરાયો છે, જે જિલ્લાના દરેક ખૂણે ભાજપના સંગઠનની મજબૂતી દર્શાવે છે. માત્ર ઉપલેટા તાલુકા પંચાયતમાં શાસન મેળવવા માટે રસાકસીની સ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં રાજકારણ ગરમાયું છે.
આ ચૂંટણી પરિણામોએ સાબિત કર્યું છે કે રાજકોટમાં ભાજપનું સંગઠન માળખું અને નેતૃત્વ પ્રજાના દિલ જીતવામાં સફળ રહ્યું છે. વિરોધ પક્ષો માટે આ પરિણામો આત્મમંથનનો વિષય બન્યા છે, જ્યારે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

