(જી.એન.એસ) તા. ૧૮
નવી દિલ્હી,
દેશની લોકસભામાં મહિલા અનામત બિલ પસાર ન થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, પ્રયાસો છતાં બિલ પાસ ન થઈ શક્યું, તમામ માતા બહેનોની માફી માગું છું, અમારા માટે દેશહિત સર્વોપરી છે, પણ કેટલાક લોકો માટે પાર્ટી હિત મોટું છે, જ્યારે દેશહિત કરતાં પાર્ટીહિત મોટું થઈ જાય છે ત્યારે નારી હિતને નુકસાન થાય છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, જ્યારે બિલ ના મંજૂર થયું તો કોંગ્રેસ, DMK, TMC જેવી પાર્ટીઓ ટેબલ થપથપાવીને ખુશ થઈ રહ્યા હતા. મહિલા અનામતનો વિરોધ કરીને વિપક્ષે જે પાપ કર્યું છે તેની સજા તેમણે જરૂર મળશે, જનતાની સજાથી તે બચી શકશે નહીં.
પીએમ મોદીએ કહ્યું કે ગઈકાલે (શુક્રવારે) દેશની કરોડો મહિલાઓની નજર સંસદ પર હતી, પરંતુ જ્યારે મહિલાઓના હિતનો પ્રસ્તાવ પરાજિત થયો ત્યારે કેટલાક પક્ષોના લોકો તાળીઓ વગાડી રહ્યા હતા અને ઉજવણી કરી રહ્યા હતા. વિરોધ પક્ષોએ દેશની દીકરીઓના આત્મસન્માન પર પ્રહાર કર્યો છે. જે બિલથી લાખો મહિલાઓનું ભવિષ્ય બદલાવાનું હતું, તેના પરાજય પર કોઈ રાજકીય પક્ષ આ રીતે કેવી રીતે ખુશ થઈ શકે? વિપક્ષની આ માનસિકતાને દેશની નારી શક્તિ ક્યારેય માફ નહીં કરે અને આવનારા સમયમાં તેમને આ ‘ઉજવણી’ ભારે પડશે.
વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ, ડીએમકે, ટીએમસી અને સમાજવાદી પાર્ટી જેવા પક્ષોની સ્વાર્થની રાજનીતિને કારણે દેશની મહિલાઓએ મોટું નુકસાન વેઠવું પડ્યું છે. તેના માટે દેશની જનતા તેમને ચોક્કસપણે સજા આપશે. આ પક્ષોએ માત્ર બિલ નથી રોક્યું, પરંતુ આપણા બંધારણના ઘડવૈયાઓની ભાવનાઓનું પણ અપમાન કર્યું છે, જેઓ મહિલાઓને સમાન અધિકાર આપવા માંગતા હતા.
આ મુદ્દે ભાર આપતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, નારી પોતાનું અપમાન ક્યારેય ભુલતી નથી, વિપક્ષ ખુશીથી તાળીઓ વગાડી રહ્યો છે, નારીના આત્મસન્માન પર ઘા થયો. આ બિલમાં દરેક રાજ્યો પાસે મોકો હતો, સીમાંકન પર જૂઠ ફેલાવામાં આવ્યું, કોંગ્રેસ, એસપી, ટીએમસીએ વારંવાર જૂઠ ફેલાવ્યું, વિપક્ષ પોતાના રાજ્યોના લોકો સાથે દગો કરી રહી છે, નારી શક્તિ કોંગ્રેસને ક્યારેય માફ નહી કરે, ભારે પ્રયાસ કરવા છતાં અમે સફળ ના થઇ શક્યા, ભાગલા પાડો અને રાજ કરોની કોંગ્રેસની નીતિ, કોંગ્રેસ પ્રાદેશિક પક્ષોને પણ ડુબાડશે, પરિવારવાદી પક્ષોને ખતરો લાગી રહ્યો છે, પરિવારવાદી પાર્ટીઓ મહિલાઓનું હિત નથી ઇચ્છતી. અમે સાફ નિયતથી પવિત્ર પ્રયાસ કર્યો, નારી શક્તિ વંદન અધિનીયમ સમયની માંગ, કોંગ્રેસે પ્રયાસોની હત્યા કરી, કોંગ્રેસ, ટીએમસી, ડીએમકે ભ્રૃણ હત્યાના અપરાધી. સમાજવાદી પાર્ટી મહિલા અનામતની વિરોધી, કોંગ્રેસ સુધાર વિરોધી પાર્ટી, દરેક કામમાં કોંગ્રેસ ખલેલ પાડે છે.
કેબિનેટની બેઠકમાં PM મોદીએ વિપક્ષ પર સાધ્યું નિશાન
મહિલા અનામત બિલ લોકસભામાં જરૂરી બહુમતી ન મળવાને કારણે પસાર થઈ શક્યું નથી. આ ઐતિહાસિક બિલ નિષ્ફળ જતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. કેબિનેટ બેઠક દરમિયાન પીએમ મોદીએ વિપક્ષની ઝાટકણી કાઢતાં કહ્યું કે, વિપક્ષે આ બિલને સમર્થન ન આપીને મોટી ભૂલ કરી છે અને હવે તેમણે તેના પરિણામો ભોગવવા પડશે.
બહુમતીનો આંકડો ન વટાવી શક્યું બિલ
બંધારણ (131મો સુધારો) બિલ, જેનો ઉદ્દેશ્ય લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રાખવાનો હતો, તે લોકસભામાં બે-તૃતિયાંશ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. ગુરુવારથી શુક્રવાર મધ્યરાત્રિ સુધી ચાલેલી લાંબી ચર્ચા બાદ થયેલા મતદાનમાં બિલની તરફેણમાં 298 મત પડ્યા હતા, જ્યારે 230 સાંસદોએ તેનો વિરોધ કર્યો હતો.

