વૈશ્વિક પડકારો અને ઊંચા ટેરિફ વચ્ચે પણ ભારતીય એન્જિનિયરિંગ ઉદ્યોગે નિકાસ મોરચે મજબૂત કામગીરી દર્શાવી છે. નવેમ્બર મહિનામાં એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સની નિકાસ વાર્ષિક ધોરણે ૨૩.૭% વધીને ૧૧.૦૧ અબજ ડોલર થઈ છે, જ્યારે ગયા વર્ષે આ ગાળામાં નિકાસ ૮.૯ અબજ ડોલર હતી. એપ્રિલથી નવેમ્બર સુધીના ગાળાની વાત કરીએ તો, આ અવધિ દરમિયાન એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સની નિકાસ ૪.૨૫% વધીને ૭૯.૭૪ અબજ ડોલર સુધી પહોંચી છે. સતત વૈશ્વિક અનિશ્ચિતતા છતાં ઉદ્યોગની આ પ્રગતિ નોંધપાત્ર માનવામાં આવી રહી છે.
એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (EEPC) ઈન્ડિયાના ચેરમેન પંકજ ચઢ્ઢાએ સોમવારે આ આંકડા જાહેર કરતા જણાવ્યું હતું કે, અમેરિકાના ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા ૫૦% ટેરિફ હોવા છતાં નિકાસ મોરચે સારું પ્રદર્શન જોવા મળ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, વૈશ્વિક બજારમાં પડકારજનક માહોલ વચ્ચે પણ ભારતીય એન્જિનિયરિંગ કંપનીઓએ પોતાને પરિસ્થિતિ અનુસાર ઢાળી લીધી છે અને નવી બજાર તકો શોધીને નિકાસ વૃદ્ધિ જાળવી રાખી છે. આ ઉદ્યોગની મજબૂત સ્પર્ધાત્મક ક્ષમતા અને લવચીક વ્યૂહરચનાનો સ્પષ્ટ સંકેત છે.

