નવેમ્બર સામે ડિસેમ્બર મહિનામાં દેશની ઉત્પાદન અને સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં થોડી મંદી નોંધાઈ છે. એચએસબીસી ફ્લેશ ઈન્ડિયા કમ્પોઝિટ આઉટપુટ ઈન્ડેક્સ નવેમ્બરના ૫૯.૭૦ની સામે ડિસેમ્બરમાં ઘટીને ૫૮.૯૦ રહ્યો છે. એસએન્ડપી ગ્લોબલ દ્વારા જાહેર કરાયેલા પ્રાથમિક આંકડાઓ મુજબ, ફેબ્રુઆરી બાદનો આ સૌથી નીચો PMI છે. ઉત્પાદન અને સેવા ક્ષેત્ર બંનેમાં વેપાર પ્રવૃત્તિ ધીમી પડતી દેખાઈ છે, તેમ સંયુક્ત પર્ચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI) સૂચવે છે. જોકે, ૫૦થી ઉપરનો PMI હજી પણ વિસ્તરણ દર્શાવે છે અને ૫૮.૯૦નો સ્તર એકંદર વેપાર પ્રવૃત્તિ મજબૂત હોવાનો સંકેત આપે છે. એચએસબીસી ફ્લેશ ઈન્ડિયા PMI અનુસાર વર્ષ ૨૦૨૫નો અંત ભારતીય ખાનગી ક્ષેત્ર માટે હકારાત્મક રહ્યો છે.
વર્ષ દરમિયાન વિકાસ નોંધાયો હોવા છતાં, વર્ષના અંત તરફ વૃદ્ધિની ગતિમાં થોડી નરમાઈ આવી છે. ડિસેમ્બર મહિનામાં ઉત્પાદન અને નવા ઓર્ડરની માત્રા થોડું ઘટી છે, પરંતુ તે હજુ પણ ઊંચી સપાટીએ ટકી રહી છે. ફુગાવાનો દબાણ ઘટતાં કંપનીઓને ખર્ચના મોરચે રાહત મળી રહી છે, જેનાથી નફાકારકતા પર સકારાત્મક અસર પડી છે. નવા ઓર્ડરની ગતિ ડિસેમ્બરમાં સ્થિર રહી છે, જ્યારે નિકાસ ઓર્ડરમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. નવા નિકાસ ઓર્ડરની વૃદ્ધિ ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી છે, જે વૈશ્વિક બજારમાંથી મળતા મજબૂત સંકેતો દર્શાવે છે.
ઉંચા ટેરિફ અને વૈશ્વિક અનિશ્ચિતતા છતાં, ભારતીય ઉદ્યોગોને ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, બાંગ્લાદેશ, મધ્ય પૂર્વ, યુકે, શ્રીલંકા તથા અમેરિકા જેવા દેશોમાંથી મજબૂત નિકાસ ઓર્ડર મળ્યા હોવાનું સર્વેમાં જણાવાયું છે. અલગથી જોવામાં આવે તો ઉત્પાદન ક્ષેત્રનો PMI નવેમ્બરના ૫૬.૬૦થી ઘટીને ડિસેમ્બરમાં ૫૫.૭૦ રહ્યો છે. વર્ષના અંતે ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની કંપનીઓમાં રોજગાર નિર્માણ જોવા મળ્યું નથી. બંને ક્ષેત્રોમાં નવા કર્મચારીઓની ભરતી ન થતાં કર્મચારીઓની સંખ્યા લગભગ સ્થિર રહી હોવાનું રિપોર્ટમાં નોંધાયું છે. વેપાર વૃદ્ધિને લઈને ઉદ્યોગજગત હજી પણ વિશ્વાસ ધરાવે છે, જોકે ભવિષ્ય અંગેનો આશાવાદ ધીમે ધીમે નરમ પડતો જણાઈ રહ્યો છે.

